દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહોં મેં હૈ ફુલ ખીલે હુએ...
જ્યારે 'સિલસિલા'ની કેસેટ માર્કેટમાં આવી, ત્યારે 'દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ...' હોય કે 'યે કહાં આ ગયે હમ, યું હી સાથ સાથ ચલતે...' કે પછી 'નીલા આસમાં સો ગયા..' એમ લગભગ તમામ ગીતોમાં રહેલી એક અનોખી શૈલીનો અનુભવ સિનેસંગીતના ચાહકો માટે સાવ આગવો હતો. એ ઓછું હોય એમ અમિતાભ બચ્ચનનો અવાજ પણ તેમાં હતો. અમિતજીએ ગાયેલા અને પછી તો દર હોળીએ નિયમિત વાગતા 'રંગ બરસે ભીગી ચુનરિયા...'ની મજા એ હતી કે તેના કવિ હતા, હરિવંશરાયજી અને એ લોકગીત જેવું ગાયન તેમણે એકાદ કલાકમાં જ લખી આપ્યું હતું
ફિલ્મ સંગીતની મધુર સ્મૃતિઓનો તે દિવસે વળી એક તાર તૂટયો હતો... ૧૦મી મેના ૨૦૨૨ના રોજ સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માના સુર શાંત થઈ ગયા હતા. ૧૯૮૨માં જ્યારે 'સિલસિલા'ની સ્ટારકાસ્ટ જાહેર થઈ, ત્યારે પ્રથમ તબક્કે અમિતાભ બચ્ચન સાથે સ્મિતા પાટીલ અને પરવીન બાબીનાં નામ બહાર પડયાં હતાં. શૂટીંગ પણ કાશ્મીરમાં શરૃ થયું હતું. પણ તે પછી જયા બચ્ચન અને રેખાએ કામ કરવાનું ફાઇનલ કર્યું તે વખતે શિવ-હરિ કેવું સંગીત આપશે એ ચિંતાય હતી. કેમ કે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા બન્ને ક્લાસિકલ સંગીતના તો 'પંડિત' હતા જ; પણ ફિલ્મી સંગીત એ ભિન્ન પ્રકાર હતો. તેમાં એ કેવું મ્યુઝિક આપી શકશે એની ફિકર થવી સાવ સ્વાભાવિક હતી.
પરંતુ, જ્યારે 'સિલસિલા'ની કેસેટ માર્કેટમાં આવી, ત્યારે 'દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ...' હોય કે 'યે કહાં આ ગયે હમ, યું હી સાથ સાથ ચલતે...' કે પછી 'નીલા આસમાં સો ગયા..' એમ લગભગ તમામ ગીતોમાં રહેલી એક અનોખી શૈલીનો અનુભવ સિનેસંગીતના ચાહકો માટે સાવ આગવો હતો. એ ઓછું હોય એમ અમિતાભ બચ્ચનનો અવાજ પણ તેમાં હતો.અમિતજીએ ગાયેલા અને પછી તો દર હોળીએ નિયમિત વાગતા 'રંગ બરસે ભીગી ચુનરિયા...'ની મજા એ હતી કે તેના કવિ હતા, હરિવંશરાયજી અને એ લોકગીત જેવું ગાયન તેમણે એકાદ કલાકમાં જ લખી આપ્યું હતું. પણ આપણે 'શિવ-હરિ' પૈકીના શિવકુમારનું સ્મરણ કરીએ તો તેમની યાદ સંતુર સાથે જ તાજી થાય.
કેમ કે સિતાર, સરોદ, સારંગી, વાયોલીન, એકતારા કે તાનપુરા જેવાં તમામ તંતુવાદ્યોમાં આંગળી ઘસીને સ્વર નિપજાવવાના હોય છે; જ્યારે સંતુર એકમાત્ર એવું તંતુવાદ્ય છે જેને અખરોટની બનેલી બે કલમથી વગાડવાનું! તેને લીધે એ સુકામેવા જેવું પૌષ્ટિક અને આત્માને શાતા આપનારું એક અદભૂત વાદ્ય છે. સંતુરના સ્વર આંખ મીચીને સાંભળો તો નિર્મળ જળનાં ખળખળ વહેતાં ઝરણાં તાદ્દશ થયા વિના ના રહે! તેનો ઉછેર પણ શિવકુમારની માફક કાશ્મીરમાં. શિવકુમારનો જન્મ (૧૩મી જાન્યુઆરી ૧૯૩૮ના રોજ) થયો, ત્યારે એક ખાસ કારણસર પરિવારમાં ભારે આનંદનું વાતાવરણ હતું. તેમનાં દીદી સરલાજી (સરલા સરીન)ના જન્મ પછી વરસો સુધી તેમનાં માતા-પિતાને ત્યાં સંતાનયોગ થયો નહોતો.
લગભગ દસ વરસના અંતરાલ પછી બીજું સંતાન અને તે પણ પુત્રનો જન્મ થયો હતો. તેમના પિતાજી પંડિત ઉમાદત્ત શર્મા શાસ્ત્રીય સંગીતની દુનિયામાં બનારસ ઘરાનાની ગાયકીનું એક જાણીતું નામ. એ પંડિત બડે રામદાસજીના શિષ્ય હતા. વળી, તેમનો રાજઘરાના સાથેનો પરંપરાગત સંબંધ. તેમના દાદા કાશ્મીરના મહારાજા પ્રતાપસિંગના 'રાજ પંડિત' (ગાયક) હતા. એટલે ગોરા બલ્કે લાલ સફરજન જેવા શિવકુમારને પ્રિન્સ જેવા લાડકોડ મળતા. પરંતુ, તેનો ગેરલાભ તો દૂર બાળક શિવ લાભ પણ ના લે એવા કહ્યાગરા હતા!
પિતાજી શિવને પોતાની પાસે જ રાખે. એટલે સુધી કે તેમના શિષ્યોને સંગીતની તાલીમ આપતા હોય ત્યારે પણ વાંકળીયા વાળવાળા ગોરા ચિટ્ટા પોતાના કુંવરને પોતાની પાસે બેસાડતા. એવા ખુશખુશાલ વાતાવરણમાં એક દિવસ પિતાજીએ પ્રથમ ગુરૃ બનીને પાંચ જ વર્ષની ઉંમરથી દીકરાને શીખવવાનું શરૃ કર્યું. પરંતુ, ગાયન કરતાં બાળકનો ઝુકાવ તબલાં તરફ વધ્યો. તબલાંની માસ્ટરી એવી થવા માંડી કે સાત વર્ષની વયથી રેડિયોના પ્રોગ્રામમાં તબલાં વગાડવાનું શરુ કર્યું. એક દિવસ પિતાજીએ સંતુર આપ્યું અને શીખવાડયું કે કેવી રીતે વગાડવાનું. એ પણ સમજાવ્યું કે અગાઉ તેનું નામ 'શતતંત્રી વીણા' હતું. એવું સો તારનું વાદ્ય બીજું કોઇ નથી. તેને અત્યંત નાજુકાઇથી વગાડવાનું હોઇ બહુ લોકો એ વગાડી શકતા નથી. એટલે એ વાજીંત્રને તેનું સન્માનજનક સ્થાન અપાવવાનું દીકરાને કહ્યું અને શિવજીએ તો એ આદેશને પોતાના જીવનનો ધ્યેય જ બનાવી લીધો!
તેમણે એક કહ્યાગરા શિષ્ય તરીકે ૧૦૦ તાર એક બીજાને અડી ના જાય એવી બારીકાઇથી વગાડવાની કળા પિતાજી પાસેથી હસ્તગત કરી અને એક સંગીત મહાસંમેલનમાં તેમને એક કિશોર-સિતારા (યંગ પ્રોડીજી) તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યા. તેમણે ૧૭ વર્ષની ઉંમરે જ્યારે પરફોર્મ કર્યું ત્યારે ઓડિયન્સમાં કોણ કોણ હાજર હતું, જાણો છો? ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં, ઉસ્તાદ અમીરખાં વગેરેથી માંડીને ઉસ્તાદ અલીઅકબર ખાં, ઉસ્તાદ વિલાયત ખાં, પંડિત રવિશંકરજી વગેરે જેવા હિન્દુસ્તાની સંગીતના ઇતિહાસના 'હુઝ હુ'!! પણ એવુંય નહોતું કે આગળ જતાં પોતાની વાદ્યવાદક તરીકેની કરિયરમાં તેમણે પિતા પાસે લીધેલી તબલાંની તાલીમનો કોઇ ઉપયોગ નહોતો કર્યો.
તેમણે 'ગાઇડ' પિક્ચરના એક અદભુત ગાયન 'મોસે છલ કિયે જાય...'માં તબલાં વગાડયાં હતાં. તેમાં વહીદા રહેમાનના ચહેરાના બેમિસાલ હાવભાવ અને નૃત્યભંગિમાઓ જોવામાં શિવકુમારનું તબલાવાદન ચૂકી જવાના ચાન્સ વધારે હોય છે. તેમની તબલાં વગાડવાની કારીગરીનો અનુભવ રાહૂલદેવ બર્મનને થયો હોઇ તેમણે પપ્પા બર્મનને સૂચવ્યું અને એ ચાન્સ મળ્યો હતો. પણ સચિનદાને શિવકુમારનો પરિચય કરાવ્યો હતો, તેમના આસિસ્ટન્ટ અને ખુદ પણ સરસ સંગીતકાર એવા જયદેવજીએ! એ પછી તો દાદાની છેલ્લી ફિલ્મ સુધી શિવજીએ તેમની સાથે વગાડયું.
'ગાઇડ'ના દિવસો ૧૯૬૬માં પિતાજીએ કહ્યું કે તારી પરણવાની ઉંમર થઈ ગઈ છે. તેં કોઇ છોકરી શોધી હોય તો કહે નહીંતર અમે શોધીએ. આમ તો ફાધરે વાત નક્કી કરીને પ્રોમીસ આપી જ દીધું હતું. પણ શિવકુમારે એકવાર કન્યાને જોવાની/ વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. નક્કી થયું કે મુરતીયો અને કન્યા પિક્ચર જોવા જાય. તે વખતે જમ્મુમાં ચાલતું એક ધાર્મિક ચિત્ર 'મહાભારત' જોવા જવું. પણ કુમારને ક્યાં ખબર હતી કે એ 'મુલાકાત' કેવી થવાની હતી? (ક્રમશઃ)