અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ
અનન્ય ભક્તિનું સ્વરૃ૫ બતાવતાં નિરંકારી સદગુરૃ બાબાજીએ અવતારવાણીમાં કહ્યું છે કે પ્રભુનો અનન્ય ભક્ત એ છે કે જે સર્વવ્યાપી નિરાકાર પરમાત્માનાં ઘટ ઘટમાં દર્શન કરીને તમામની સાથે પ્રેમ કરે છે અને તેમને પ્રભુનું સ્વરૃ૫ સમજીને તમામનો સત્કાર કરે છે.સંસારના તમામ માનવોને આ પ્રભુ ૫રમાત્માની સાથે જોડે છે અને માનવને ભવસાગરથી પાર કરવામાં સહાયતા કરે છે.મનુષ્યની આત્માને ૫રમાત્મા સંગ જોડવા જેવો સંસારમાં બીજો કોઇ ૫રો૫કાર નથી.સંસારમાં આવીને પ્રભુને જાણવા એ જ મનુષ્યજીવનનું લક્ષ્ય છે. પ્રભુ અનન્ય ભક્ત શ્વાસે શ્વાસે પ્રભુનું સુમિરણ કરે છે તે પ્રભુ ૫રમાત્માને ક્યારેય ભૂલતા નથી.આજનો માનવ અજ્ઞાાનતાના કારણે દુઃખી છે તેમને પ્રભુજ્ઞાાન પ્રદાન કરવું એ જ સૌથી મોટું ભલાઇનું કાર્ય છે. જેને ઇશ્વરનાં દર્શન થઇ જાય છે તેમની વૃત્તિ વિશાળ બની જાય છે,તેમનામાં વિશ્વબંધુત્વની ભાવના જાગ્રત થઇ જાય છે.(અવતારવાણીઃ૨૨૮)
ખોટી ચિન્તાઓ કરીને વ્યર્થમાં સમયને નષ્ટ ના કરશો,પરંતુ શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરો.અંત સમયે પ્રભુ જ તારા માટે ઉ૫યોગી સિદ્ધ થવાના છે.પ્રભુ ૫રમાત્માની આજ્ઞાાથી જ દિવસ-રાત,સૂરજ-ચાંદ,ધરતી અને પાણી સંસારમાં ઉ૫લબ્ધ છે.સંસારના દરેક પ્રાણી તેમના હૂકમથી જ કામ કરી રહ્યા છે.પ્રભુની મરજી વિના એક પાન ૫ણ હાલી શકતું નથી તથા કોઇને કાંઇ૫ણ મળી શકતું નથી.૫રમપિતા ૫રમાત્મા જ સમગ્ર સંસારને બનાવીને તેની પાલના કરી રહ્યા છે અને સંસારમાં જે કંઇ થઇ રહ્યું છે તે પ્રભુની લીલામાત્ર છે.પ્રભુ જ જીવમાત્રની ચિન્તા કરે છે, માટે મનુષ્યએ ફક્ત સદગુરૃ કૃપાથી નામધન મેળવી તેમને સમર્પિત થઇ હંમેશાં અનન્યભાવથી હદયમાં પ્રભુને વસાવી લે તો તેમનો આલોક અને ૫રલોક સુખી બને છે.
આપણે બધા અનન્યતા શબ્દ ઉપર ધ્યાન આપતા નથી.અનન્યનો અર્થ છે અન્ય નહી એટલે કે ફક્ત એક પ્રભુ પરમાત્માની સાથે પ્રેમ કરવો એ જ અનન્યતા છે.ભક્તના અંતઃકરણમાં જો એક નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્મા સિવાય અન્ય કોઇ તત્વ આવી જશે તો અનન્યતામાં વિઘ્ન આવી જશે અને તેમના પ્રેમાસ્પદ બની શકાશે નહી.આ અંગે મહાભારતનું એક પાત્ર દ્રોપદીના ઉદ્ધારનું રહસ્ય સમજીએ. કૌરવસભામાં જ્યારે દુઃશાસન દ્વારા દ્રોપદીને લાવવામાં આવે છે ત્યારે દ્રોપદી સમક્ષ એક ભયાનક પરિસ્થિતિ હતી.ભરી સભામાં ભારતવર્ષની એક પ્રમુખ નારીને આ રીતે અપમાનિત કરવામાં આવી રહી હતી, આ વાત તો અનુભવીની અંતરાત્મા જ સમજી શકે.દ્રોપદીએ એમ વિચાર્યું કે મારા પાંચ પતિ છે તો મારે ડર રાખવાની શું જરૃર છે ! તેઓ મારી રક્ષા કરશે પરંતુ પાંચેય પતિ દ્રોપદીને જુગારમાં હારી જવાના કારણે ચુપચાપ બેસી રહ્યા છે તેથી દ્રોપદી તેઓની આશા છોડી દે છે.હવે દ્રોપદીએ વિચાર્યુ કે ભિષ્મ પિતામહ,દ્રોણાચાર્ય વગેરે મોટા મોટા ધર્માચાર્ય મારી રક્ષા કરશે,તેઓ પણ ચુપ રહ્યા ત્યારે દ્રોપદી તેમની આશા પણ છોડી દે છે.તે સમયે દ્રોપદીનું અંતઃકરણ કહે છે કે હું મારી રક્ષા સ્વયં કરીશ પરંતુ એક અબળાનું બળ શું હોઇ શકે? કેમકે સામે હજાર હાથીનું બળ જેની પાસે છે તે દુઃશાસનનો સામનો તે કેવી રીતે કરી શકે?
દ્રોપદીએ પોતાના દાંત નીચે સાડી દબાવી પરમપિતા પરમાત્માના પૃથ્વી ઉપર સાકાર અને પ્રગટ બ્રહ્મ સ્વરૃપ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા.તે સમયે ભગવાન દ્વારીકામાં ભોજન કરી રહ્યા હતા.એક કોળીયો મુખમાં હતો તેને ઉતારી ના શક્યા અને હાથમાં બીજો કોળીયો હતો જે મુખ તરફ જઇ રહ્યો હતો તેને મુખમાં પધરાવી ના શક્યા તથા તેમની આંખો નિર્નિમેષ ખુલ્લી રહી ગઇ.આવી વિલક્ષણ સ્થિતિ જોઇને દેવી રૃકમણી પુછે છે કે શું વાત છે ભગવાન? ભગવાને કહ્યું કે ઘણી જ ગંભીર વાત છે,એક ભક્ત ઉપર મહાન કષ્ટ આવ્યું છે અને તે મને યાદ કરી રહ્યો છે,ત્યારે રૃકમણીજી કહે છે કે તો વિના વિલંબે જઇને તેમને બચાવો..!
જે ભક્ત અનન્ય શરણાગત છે પરંતુ હજું તે પોતાના બળ ઉપર વિશ્વાસ કરી રહ્યો છે એટલે દુઃશાસને જેવી સાડીને ઝટકાથી ખેંચી તેવી જ દ્રોપદીના હાથમાંથી સાડી ખસકી ગઇ.જ્યારે દ્રોપદીએ પોતાના પતિ અને સભામાં ઉપસ્થિત વડીલોના બળનો આશરો છોડી દીધો અને અનન્ય ભાવે ફક્ત એક પ્રભુ પરમાત્માના બળ ઉપર ભરોસો રાખીને તેમને યાદ કર્યા તો ભગવાન તત્ક્ષણ પહોંચી જાય છે.કહેવાનો ભાવ ઉપાસનામાં અનન્યતા મુખ્ય છે,જેની ઉપર લોકોને વિશેષ દ્રષ્ટિકોણ રહેતો નથી.જેઓની ભગવાન સિવાય ક્યાંય મહત્વબુદ્ધિ નથી તેઓ ભગવાનમાં જ લાગેલા રહે છે એટલા માટે તેઓ અનન્ય ભક્ત છે,ફક્ત ભગવાનના શરણે થઇ ચિંતન-ઉપાસના કરી તેમને જ પ્રાપ્ત કરવાના છે એવો દ્રઢભાવ રાખે છે.
ભગવાન ગીતા(૯/૨૨)માં કહે છે કે જે અનન્ય ભક્તો મારૃં ચિંતન કરતા રહીને મારી ઉપાસના કરે છે,મારામાં નિરંતર લાગેલા તે ભક્તોના યોગક્ષેમ (અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તિની રક્ષા) હું વહન કરૃં છું.જે કંઇ જોવા-સાંભળવા અને સમજવામાં આવી રહ્યું છે તે તમામ ભગવાનનું જ સ્વરૃ૫ છે અને તેમાં જે કંઇ ૫રીવર્તન અને ચેષ્ટા થઇ રહ્યાં છે તે તમામ ભગવાનની લીલા છે એવું જે દ્દઢતાથી માની લે છે અને સમજી લે છે તેમને ભગવાન સિવાય ક્યાંય મહત્વબુદ્ધિ થતી નથી.તેઓ ભગવાનમાં જ લાગેલા રહે છે એટલા માટે તેઓ અનન્ય છે.ફક્ત ભગવાનમાં જ મહત્તા અને પ્રીતિ હોવાથી તેમના દ્વારા આપોઆ૫ ભગવાનનું જ ચિંતન થાય છે. જે પોતાનું ધ્યાન માયાના તમામ ભોગોમાંથી હટાવીને ફક્ત ભગવાનમાં જ અટલ અને અચલ પ્રેમ થઇ જાય છે તે પ્રેમી ભક્ત નવધા ભક્તિમાં પરાયણ થઇ શ્વાસે શ્વાસે પ્રભુ ૫રમાત્માના ચિંતનમાં તન્મય રહે છે.દ્રોપદી,ભક્ત પ્રઈાદ અને મીરાંબાઇ આનાં સુંદર ઉદાહરણ છે.તેમની સાધનામાં મોટાં મોટાં વિઘ્ન આવવા છતાં ભગવાને તેમની રક્ષા કરી હતી. જેમ એક બાળક મેળામાં જાય છે ત્યારે તે પિતાની આંગળી ૫કડી રાખે છે તો તેને મેળાનો આનંદ પ્રાપ્ત કરે છે અને છેલ્લે સુરક્ષિત ઘેર ૫ણ ૫હોચી જાય છે,તેવી જ રીતે જે ભક્ત અનન્ય ભક્તિભાવથી પ્રભુને ભજે છે તેમનું જીવન સુખી બને છે તેમનો આલોક અને ૫રલોક સુધરી જાય છે.એક બાળકને કયા સમયે શું જોઇએ? તેની ભલાઇ કઇ વસ્તુથી છે? તે તમામ બાબતો તેની ર્માં જાણે છે એટલા માટે માતા તેને તે જ વસ્તુ આપે છે કે જેનાથી તે બાળકનું કલ્યાણ થાય, તેવી જ રીતે ભગવાન ૫ણ તે જ વસ્તુઓ પોતાના ભક્તને પ્રદાન કરે છે કે જેનાથી ભક્તનું કલ્યાણ થાય.
ભગવાન ગીતા(૮/૧૪)માં કહે છે કે અનન્ય ચિત્તવાળો જે મનુષ્ય મારામાં મુજ પુરૃષોત્તમનું નિત્ય નિરંતર સ્મરણ કરે છે તે નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે તેને સુલભતાથી પ્રાપ્ત થઇ જાઉં છું.
જો કોઇ અત્યંત દુરાચારી ૫ણ અનન્ય ભક્ત બનીને મને ભજે છે તો તેને સાધુ જ માનવાયોગ્ય છે કેમકે તેણે ખૂબ સારી રીતે દ્રઢ નિશ્ચેય કરી લીધો છે,એ સત્વરે એ જ ક્ષણે ધર્માત્મા થઇ જાય છે અને સદા રહેનારી પરમશાંતિને પામે છે,તમે મારી પ્રતિજ્ઞાા જાણો કે મારા ભક્તનો વિનાશ(૫તન) થતો નથી. (ગીતાઃ૯/૩૦-૩૧)
બ્રહ્મજ્ઞાાનીઓનું ભોજન જ્ઞાાન છે.આવા જ અનન્ય ભક્ત હનુમાનજી હતા કે જેમને રામને હદયમાં વસાવીને સર્વત્ર રામનાં જ દર્શન કરતા હતા.અંદર પણ રામ અને બહાર ૫ણ રામ..સર્વત્ર રામ જ રામ..નિરાકાર ૫ણ રામ અને સકળ સંસારના તમામ જડ ચેતનમાં ૫ણ રામ..તમામને રામરૃ૫ જાણીને તમામના ભલા માટેની કામના અને તમામના પ્રત્યે દાસ્યભાવ એ જ અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૃપ હનુમાનજીમાં જોવા મળે છે. અનન્ય ભક્તિનો અર્થ એવો નથી કે એક જ દેવને માનો અને બીજા દેવને ના માનો.અનન્ય ભક્તિનો અર્થ છે કે અનેકમાં એક જ દેવને નિહાળો.પ્રભુ સર્વવ્યાપક છે.સર્વમાં એક ઈશ્વરનાં દર્શન કરો. તમારા ઈષ્ટદેવની સેવા કરો અને બીજા દેવોને વંદન કરો.પોતાના એક ઇષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખવો અને બીજા દેવોને પોતાના ઇષ્ટદેવના અંશ માની વંદન કરવા.
ભગવાન ગીતા(૯/૨૩-૨૫)માં કહે છે કે જે મનુષ્યો શ્રદ્ધાથી અન્ય દેવતાઓનું પૂજન કરે છે તેઓ પણ મારી જ પૂજા કરે છે કેમકે તત્વથી મારા સિવાય બીજું કાંઇ છે જ નહી,મારાથી અલગ દેવતાઓની સત્તા જ નથી,તેઓ મારૃં જ સ્વરૃપ છે પરંતુ તેમનું એ પૂજન અવિધિપૂર્વકનું એટલે કે દેવી-દેવતાઓને મારાથી અલગ માને છે.તમામ યજ્ઞાોનો ભોક્તા અને સ્વામી પણ હું જ છું પણ તે મને તત્વથી નથી જાણતા માટે જ તેમનું પતન થાય છે.સકામભાવે દેવતાઓનું પૂજન કરનારા મૃત્યુ પછી દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પ્રાપ્ત થાય છે,ભૂતોને પૂજનારા ભૂત-પ્રેતોને પ્રાપ્ત થાય છે પરંતુ મારૃં પૂજન કરનારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે.. વેદવ્યાસજી કહે છે કે જેમ વૃક્ષના મૂળને પાણી સિંચવાથી વૃક્ષની ડાળીઓ અને તેના પાન, પુષ્પ, ફળ તમામને પાણી પહોંચી જ જાય છે તેમને અલગ અલગ પાણી સિંચવાની જરૃર રહેતી નથી તેવી જ રીતે તમામ શક્તિઓના આધારભૂત ભગવાનની ઉપાસના કરી લેવાથી તમામ શક્તિઓની ઉપાસના આપોઆપ થઇ જાય છે. જેવી રીતે એક પતિવ્રતા સ્ત્રી પોતાના પતિમાં એકાનુરાગ રાખે છે પરંતુ પોતાના અન્ય દિયર,સાસુ-સસરા,જેઠ,નોકર વગેરે પ્રત્યે આદર બુદ્ધિ રાખે છે તેવી જ રીતે આપણે ઉપાસના ફક્ત એક અસીમ દિવ્ય ઇશ્વરની જ કરવી જોઇએ સાથે સાથે અન્ય દેવી-દેવતાઓ પ્રત્યે આદરભાવ પણ રાખવો જોઇએ.
ઉપાસના
- વિનોદભાઈ માછી નિરંકારી