Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
હવા કા ગીત મધ્ધમ હૈ સમય કી ચાલ ભી કમ હૈ, નીલા આસમાં સો ગયા...!
શિવકુમારે બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસીયા અને ગીટારિસ્ટ બ્રીજભૂષણ કાબરા જોડે ૧૯૬૭માં 'કૉલ ઓફ ધી વેલી' રેકોર્ડ બહાર પાડી અને સનસનાટી થઈ ગઈ! તેમના જાહેર કાર્યક્રમો દેશ-વિદેશમાં થવા લાગ્યા. તેમને યશ ચોપ્રાએ પોતાની ફિલ્મ 'સિલસિલા' માટે સંગીત આપવા ઓફર કરી, ત્યારે શિવકુમારે શરત મૂકી કે પોતે એકલા નહીં હોય, તેમના સાથીદાર હરિપ્રસાદજી પણ જોડે હશે અને જન્મ થયો 'શિવ-હરિ'ની જોડીનો!
09/04/2023 00:04 AM Send-Mail
(ગતાંકથી આગળ) જ્યારે શિવકુમારને પોતાની થનાર પત્ની મનોરમા સાથે પિક્ચર જોવા જવાની મંજૂરી મળી, ત્યારે તેમને એમ હતું કે ત્રણેક કલાક એકાંતના મળશે. તેમાં એ પોતાના સંગીતને કરિયર બનાવવાના પ્લાનની ચર્ચા કરશે. કેમ કે તેમને એટલી ખબર હતી કે જમ્મુની વિમેન્સ કોલેજમાં ભણેલી કન્યા સિતાર સારી રીતે વગાડી શકતી હતી. પણ 'મહાભારત' જોવા ટોકિઝે જવા નીકળ્યા, ત્યારે મુરતિયા સાથે તેમના ત્રણ-ચાર પરિવારજનો અને મનોરમાની સુરક્ષા માટે પણ ચાર-પાંચ સગાં મળીને ડઝનેકનો કાફલો હતો. પરિણામે ઇવન ઇન્ટરવલમાં પણ બેઉ વચ્ચે એક શબ્દની પણ આપ-લે ના થઈ શકી! એ ઝમેલાથી નજર ચુકવીને એકથી વધુ વખત કન્યાને જોઇ અને સંતોષ હતો કે છોકરી ખૂબસુરત હતી. જમ્મુના રાજવીના રાજ પુરોહિત એવા દાદાજીએ નક્કી કરેલી તારીખ ૨૯મી મે, ૧૯૬૬ના રોજ એ મનોરમા સાથે લગ્નગ્રંથીથી જોડાયા. હવે દુલ્હનને કાશ્મીરના શાંત વાતાવરણમાંથી ધમાલિયા મુંબઈમાં સેટ થવાનું હતું, જ્યાં શિવકુમારને સંગીત ઉપરાંત એક્ટીંગની પણ ઓફર થતી હતી! શિવકુમારે કહ્યા મુજબ, તેમને વ્હી.શાંતારામ, કમાલ અમરોહી અને ખ્વાજા એહમદ અબ્બાસ જેવા દિગ્દર્શકોએ રોલ ઓફર કર્યા હતા. અબ્બાસ સાહેબે તો એ ઊંચા ગોરા મ્યુઝિશ્યન જુવાનિયાને 'સાત હિન્દુસ્તાની'માં પણ રોલ ઓફર કર્યો હતો! જો તેનો સ્વીકાર થયો હોત તો? અમિતાભ બચ્ચન સાથે શિવેન્દ્ર (તેમના મૂળ નામ)ની પણ સિલ્વર સ્ક્રિન પર ધર્મેન્દ્ર અને જીતેન્દ્રના જમાનામાં એન્ટ્રિ થઈ હોત! જો કે તેમને ફિલ્મોના સંગીતની દુનિયામાં પ્રથમ પ્રવેશ તો વ્હી. શાંતારામની 'ઝનક ઝનક પાયલ બાજે' વખતે સંગીતકાર વસંત દેસાઇએ કરાવ્યો હતો. તે સમયે કોલેજના અભ્યાસ દરમિયાન ૧૯૫૫ના પ્રતિષ્ઠિત હરિદાસ સંમેલનમાં પોતાનો પરફોર્મન્સ આપવા જ મુંબઈ આવેલા શિવકુમારે પ્રથમ માત્ર તબલાં અને પછી સંતૂર એમ બે અઘરાં વાદ્યો લગભગ એકાદ કલાક વગાડીને ક્લાસિકલના જાણકાર જે ઓડિયન્સને ઘેલું કરી દીધું હતું; તેમાં શાંતારામજીની દીકરી મધુરા પણ હતી.

મધુરા પરફોર્મન્સની બીજી સવારે શિવકુમારના ઉતારે પહોંચી ગયાં. (મધુરાજીની બીજી ઓળખાણ એ પણ ખરી કે પછીનાં વર્ષોમાં એ પંડિત જસરાજનાં જીવનસાથી બન્યાં હતાં) મધુરા એ નવા આર્ટિસ્ટને પોતાના પિતાજી પાસે લઈ ગયાં. શાંતારામ અને વસંત દેસાઇએ કલાકવાર સુધી સંતૂર પહેલીવાર સાંભળ્યું. તેમણે એ નવતર વાદ્યનો ઉપયોગ પોતાની ફિલ્મના સંગીતમાં કરવાની દરખાસ્ત કરી. પણ શિવકુમાર તો ત્યારે ભણતા હતા. એ પોતાની સંપર્ક વિગતો આપીને જમ્મુ જતા રહ્યા. તેમની પરીક્ષા પત્યાના બીજા જ દિવસે સ્ટુડિયો તરફથી તેમને મુંબઈ આવવાનો ટેલીગ્રામ મળ્યો! ફિલ્મમાં ગોપીકૃષ્ણના એક ડાન્સનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક શિવકુમારે કમ્પોઝ કર્યું. તેમના એ કામથી અત્યંત પ્રભાવિત થયેલા શાંતારામજીએ તેમને પોતાની નવી ફિલ્મ 'તુફાન ઔર દિયા'માં મ્યુઝિક આપવા સાથે એક્ટીંગનીય ઓફર કરી! શિવજીએ બેઉ ઓફરનો ઇનકાર કરી દીધો. એ ભણી રહ્યા પછી પરત મુંબઈ આવ્યા, જ્યાં ફિલ્મસંગીતની દુનિયામાં એ એકમાત્ર સંતૂરવાદક હતા! એ મોનોપોલીને લીધે પછી તો તેમણે મ્યુઝિશ્યન તરીકે હિન્દી સિનેમાના લગભગ તમામ મોટા સંગીતકારો સાથે કર્યું. શિવકુમારે બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસીયા અને ગીટારિસ્ટ બ્રીજભૂષણ કાબરા જોડે ૧૯૬૭માં 'કૉલ ઓફ ધી વેલી' રેકોર્ડ બહાર પાડી અને સનસનાટી થઈ ગઈ! તેમના જાહેર કાર્યક્રમો દેશ-વિદેશમાં થવા લાગ્યા. તેમને યશ ચોપ્રાએ પોતાની ફિલ્મ 'સિલસિલા' માટે સંગીત આપવા ઓફર કરી, ત્યારે શિવકુમારે શરત મૂકી કે પોતે એકલા નહીં હોય, તેમના સાથીદાર હરિપ્રસાદજી પણ જોડે હશે અને જન્મ થયો 'શિવ-હરિ'ની જોડીનો! શિવ-હરિની યશ ચોપ્રા સાથેની ફિલ્મોનાં કેટલાંક ગાયનો આજે પણ લોકપ્રિય છે જ ને? 'સિલસિલા'નું આલ્બમ કે પછી 'ચાંદની'માં 'મેરે હાથોં મેં નૌ નૌ ચુડિયાં...' અને 'ચાંદની ઓ મેરી ચાંદની...' તથા 'ડર'માં 'જાદુ તેરી નજર...' તેમજ આનંદ બક્ષીએ પ્રેમીઓની મીઠી મુંઝવણના લખેલા શબ્દો 'તુ મેરે સામને, મૈં તેરે સામને, તુઝકો દેખું કે પ્યાર કરું...'? પણ એ વાદકોની 'લમ્હેં' (મોરની, બાગાં મેં બોલે આધી રાત કો) અને 'પરંપરા' બોક્સઓફિસ પર નિષ્ફળ ગઈ એટલે કોમર્શિયલ ફિલ્મોની દુનિયામાં ગળાકાપ હરિફાઇ અને રાજકારણમાં સ્માર્ટ ન હો તો ટકવું મુશ્કેલ બની જાય. જ્યારે શિવકુમાર તો સીધા-સાદા એવા કે પોતાની જીવનભરની બચત એક સંગીતશાળા બનાવવા જમીન ખરીદવામાં રોકી અને તેના પર કામ શરૃ કર્યા પછી નોટીસ મળી ત્યારે ખબર પડી કે ગોરેગાંવની એ જમીન તો મુંબઈ મહાનગરપાલિકાની હતી! (તેમને છેતરી જનાર ઓર્ગેનાઇઝર હાથમાં ન આવ્યા, નેચરલી!)

'ડર' પછી યશ ચોપ્રા જોડેથી અલગ થવાનું કદાચ એટલું સુખરૃપ નહીં રહ્યું હોય. કેમ કે ફિલ્મોમાં તેમનાં પચાસ વર્ષને વધાવતા અને યશજીની હયાતિમાં ૨૦૦૨માં પ્રસિદ્ધ થયેલા તેમની જીવનકથાના પુસ્તકમાં શિવ-હરિનો ઇન્ટરવ્ય઼ુ તો ઠીક યશ ચોપ્રા દ્વારા ઉલ્લેખ સુધ્ધાં નથી! એ તો જગજાહેર હકીકત હતી કે શિવ-હરિએ 'દિલ તો પાગલ હૈ'ના મ્યુઝિકની ઓફર ઠુકરાવી પછી ઉત્તમસિંગની એન્ટ્રિ થઈ હતી. ફિલ્મોથી અલગ થયા પછી તેમણે સંતૂરનો વારસો સચવાય તે માટે શિષ્યો તૈયાર કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની પાસે તાલીમ લેવામાં નાનો દીકરો રાહૂલ પટ્ટશિષ્ય બન્યો, જ્યારે મોટો રોહિત ન જોડાયો. પણ તેમના હાથ નીચે તૈયાર થયેલા સતીશ વ્યાસ, નંદકિશોર મૂળે, આર. વિશ્વેસરન્, સુરેન્દ્ર નાર્લેકર જેવા ભારતમાં અને જાપાન, જર્મની, લંડન, શ્રીલંકા તથા ઇરાનમાં વસતા અન્ય શિષ્યો સંતૂરની લોકપ્રિયતાને અકબંધ રાખી રહ્યા જ છે. જીવનનાં પાછલાં વર્ષોમાં શિવજી આધ્યાત્મિકતા તરફ વધારે વળ્યા હતા. મનોરમાજીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની જરૃરિયાતો બહુ સાદી હતી. પરંતુ, શિવકુમારને તેમનું એકાંત અવશ્ય જોઇએ, જ્યાં એ રિયાઝ અને ધ્યાન કરી શકે. શિવકુમાર હવે અનંત એકાંતમાં સરી ગયા છે, ત્યારે અવકાશમાંથી જાણે કે અમિતાભ બચ્ચનના સ્વરમાં શબ્દો સંભળાય છે... હવા કા ગીત મધ્ધમ હૈ, સમય કી ચાલ ભી કમ હૈ, નીલા આસમાં સો ગયા...!