ઇશ્વરનો મિસ્ડ કોલ
ઊગતા સૂર્યને જોવાનું ચૂકી ગયા તો સમજવું કે ઇશ્વરે મુકેલી પોસ્ટ કે જેમાં તમને એણે ટેગ કર્યા'તા એ જોવાની ચૂકાઇ ગઇ
કાં તો ભાગી જવું ને કાં તો જાગી જવું - આવી દ્વિધામાં જાતને ત્યાગી જવું એ જ ન સમજાય એવી સ્થિતિ-પરિસ્થિતિમાં ઘડીયાળના લોલકની જેમ લટકતા રહીને ગતિમાં રહેવું એ ઘણું અઘરૂં બની જતું હોય છે. ઊંઘી જવું એ આમ તો મૃત્યુનું જ રીહર્સલ હોય છે. કયારેક ને કયારેક તો આવું ગ્રાન્ડ -રીહર્સલ કરીને ખરેખરનો મૃત્યુનો શો ભજવી જવાનો હોય છે. બસ, આવો મૃત્યુનો શો હાઉસફૂલ જાય તો એક-એક શ્વાસનું કરેલું ઇન્વેસ્ટમેન્ટ આવા છેલ્લા શોમાં 'પૈસા વસૂલ' થઇ જાય. વળી, ઊંઘમાં ને ઊંઘમાં સપનાઓના શોટર્સ ચાલુ જ હોય. રગોમાં થનગનતી લાગણીઓ રીલ્સ બનીને બંધ આંખોન ડાર્ક સ્ક્રીન પર ઝબકારા માર્યા કરતી હોય છે. એષ્ણાઓ એલાર્મ બનીને ઉઠાડે ત્યારે ઝંબકી જવાતું હોય છે. આમ જ એક વખત ઝબકીને જોયું તો મારી ચેતનાના ટચ-સ્ક્રીન પર એક નોટીફીકેશન વર્તાય. આંખ ખોલીને જોયું તો એ હતો ઇશ્વરનો મિસ્ડકોલ. ફાળ પડી ગઇ આખ્ખાય અસ્તિત્વમાં અને તુરંત મેં કાળજાની કનેકટીવીટી ચેક કરી તો જોયું કે ધબકારાનું નેટવર્ક ઝીલાતું હતું અને સંવેદનાઓનું બેલેન્સ પણ અકબંધ હતું. એક ક્ષણની પણ રાહ જોયા વગર દિલની ડિરેકટરીમાંથી તો એન્ગેજડ હોય એવું જણાયું.હવે શું કરવું? પ્રાર્થનાના શબ્દોનો એક એસ.એમ.એસ. મોકલી દીધો ને છેલ્લે મેં લખ્યું - કોલ મી અરજન્ટલી. હવે રાહ જોઉ છું એના રીપ્લાયની. એય બાપડો, ફ્રી થાય ત્યારે રીસ્પોન્સ આપે ને. કંઇ વાંધો નહી., રાહ જોવાની તો ટેવ પડી ગઇ છે આપણને. હાશકારાના હેશટેગને ટેકો દઇને બેઠો છું. પલાંઠીવાળીને કે હમણાં મારા હૃદય પર એની રીંગ આવશે જરૂર.
ઊગતા સૂર્યને જોવાનું ચૂકી ગયા તો સમજવું કે ઇશ્વરે મુકેલી પોસ્ટ કે જેમાં તમને એણે ટેગ કર્યા'તા એ જોવાની ચૂકાઇ ગઇ. કોલાહલની વચ્ચે કોયલનો ટહૂકો ના સંભળાયો તો ઇશ્વરે એની આકાશી રીલ્સમાં મૂકેલો ઓડીયો તમારાથી મ્યુટ થઇ ગયો એમ માનવું. રસ્તે ખીલેલા ફૂલોને બે ઘડી નીરખવાની નવરાશ નથી તો સમજો કે ઇશ્વરે મોકલેલો ઇમ્પોર્ટન્ટ ઇ-મેઇલ ભૂલથી તમારા સ્પામ બોકસમાં જતો રહયો છે. જીવ જયારે મંદિરની બહાર ઉતારેલા પગરખામા રહી ગયો હોય અને ખાલી ખોળીયું જ ઇશ્વરની મૂર્તિ સમક્ષ પ્રસ્તુત થતું હોય ત્યારે કદાચ ઇશ્વર પણ આવી માંગણીઓને રીસાઇકલબીનમાંથી પણ ડિલીટ કરી દેતો હશે. જાતની સાથે કરવામાં આવતી યાત્રાનો જાત્રા કહેવાય છે. પરંતુ જાત વગરની યાત્રા તો માત્ર પ્રવાસ બની રહે છે. આવા પ્રવાસનાં અંતે ભીતરમાં કશુંક પાકવાને બદલે દેહને થાકવાનું જ સાંપડતું હોય છે. રોજબરોજની દોડધામમાં ઇશ્વરને યાદ કરવો કે ઇશ્વરને બાદ કરવો એ આપણે પોતે જોવાનું હોય છે.
કૈંક જન્મો બાદનો મિસકોલ છે
આજ તારી યાદનો મિસકોલ છે
છે બધુંએ તે છતાં કંઇ પણ નથી
એ અલખના નાદનો મિસકોલ છે
-રક્ષા શુકલા
આવા અલખના નાદનો કોલ કનેકટ કરવા અંતરનું ઇન્ટરનેટ સક્ષમ હોવું જોઇએ. ઇશ્વરીય ઊર્જાની ફ્રિકવન્સી તો પૂરા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. પરંતુ એના તરંગોને રીસીવ કરતું આપણા કાળજાનું કનેકટર કેટલું સાબૂત છે એ જોવાનું રહયું. તમે એક ચપટી માંગોને ખોબલે -ખોબલે એ આપી દે એ તો એનો સ્વભાવ છે. અઢળક આપ્યું, મબલખ આપ્યુ એણે તો, પરંતુ એને પામવાની પાત્રતા આપણે ગુમાવી બેઠા છીએ. વધુ એકવાર મિત્ર કવિયત્રી રક્ષા શુકલની જ એક રચનામાંથી કેટલીક પંકિતઓ ટાંકવાનું મન થાય છે.
આખેઆખુ જીવન આપ્યું, પળ તો લ્યો !
દરિયામાંથી પાણી સાથે, ખળખળ તો લ્યો !
ખૂબ વેપલો ચાલે છે અહીં છબછબિયાનો,
પડતર ભાવે દેવા માંગુ, એ તળ તો લ્યો !
મબલખ મોલ ઉપર કાં તારુ નામ લખાવે ?
માટી અંદરથી ઉથલાવે, એ હળ તો લ્યો !
રણનો સોદો બારોબાર પતાવી બેઠા
ઊભુ સામે સજળપણે એ મૃગજળ તો લ્યો !
રોજ બેસતો દૃશ્યોનો દરબાર સજાવી
રોજ ઊગતું આંખોમાં એ વિહવળ તો લ્યો !
પછી શબ્દના સરનામે પ્હોંચી જાવાનો
ભર્યા ભર્યા મન સાથે કોરો કાગળ તો લ્યો !
- રક્ષા શુકલ
ઇશ્વર તો જાણે આપવા જ તો બેઠો છે, આપણે લેવાપાત્ર કયારે બનીશું? શ્વાસનો હુંડી આપીને. એણે તો એનો ચમત્કાર કરી દીધો છે હવે હર એક શ્વાસને જીવી જાણવાનો ચમત્કાર આપણે કરવો રહ્યો. દરિયો માપવાની મથામણમાં પડયા વિના એ દરિયાની વિશાળતાને આપણી ભીતર ભરીએ તો કેવું ! દરિયો એ માત્ર જોવાની નહીં પરંતુ સાંભળવાની પણ ઘટના છે અને એથીય વિશેષ અનુભવવાની ઘટના છે. ખાબોચિયા જેવા દુન્યવી વ્યવહારોમાં છબછબીયા કયાં સુધી કરીશું ? તળીયામાં તાગ સુધી પહોંચવાની આપણી તાલાવેલી જીવનને તરબતર રાખે તો એના જેવો બીજો કોઇ વૈભવ ન હોઇ શકે ! જરાક અમથું કંઇક કરીએ ત્યાં તરત એના પર આપણા નામની તખ્તીઓ મૂકવાનો આપણને મોહ રહે છે. ઊભા મોલની પાછળ હળના યોગદાનને આપણે કંઇ રીતે ભૂલી શકીએ ! નદી-નાળા -જંગલ-પહાડ-ફૂલ- વૃક્ષો- જમીન- ઝરણાં- વાદળ- વરસાદ-પવન, કુદરતની આ કોઇ સંપત્તિ ઉપર ઇશ્વરે ના તો પોતાની સહી કરી છે, ના તો માલિકી બતાવી છે કે ના તો એણે એમાંના કશાયનાં કોપી રાઇટસ કરાવ્યા છે. હવે વિચારો, માણો તો આ બધી બાબતોમાં પણ તારું -મારું કરીને લડયા જ કર્યા છે., જાણે ઇશ્વરે એને કોઇ દસ્તાવેજ કરી આપ્યો હોય. આમને આમ ભરીભાદર્યી જીંદગી આપણે રણ જેવી સૂકીભઠ્ઠ કરી બેઠા. વળી આવું રણ તો આપણને ખપતું નથી. રણ અને મૃગજળ સાંગોપાંગ જોડાયેલા છે. આ રણ તો આપણે બારોબાર બીજાને પધરાવી દેવાની પેરવીમાં હોઇએ છીએ ને ત્યારે મૃગજળ પણ સજળ આંખે તમારી સોદાબાજી જોઇને અવાચક બનીને રહી જાય છે. દૃશ્યોના દરબારમાં અટવાયેલા આપણે ઇશ્વરની કેડી પર આંખોની વિહવળતા પાથરીને બેસવાની નિરાંત કયારે પામીશું ? શબ્દોની જાણે ટેવ પડી ગઇ છે આપણને અને કોરા કાગળ પર ઠલવાતું ભયુ-ભર્યુ મન વગર શબ્દથી કેટલુંય ઠાલવી દે ત્યારે એવી બિનઅક્ષરની લિપિ ઉકેલવાના આપણા ચશ્મા છે ગૂમ. ઇશ્વરે કરેલા અને આપણા પક્ષે મિસ થયેલા એના કેટલા આવા કોલ્સ હશે ! ચાલો, ઇશ્વરને માફી માંગતો એક મેસેજ પોસ્ટ કરીએ, એનો પ્રત્યુત્તર જરૂર આવશે.
Secret Key
સૂર્યને સબસ્ક્રાઇબ કરીને, ફૂલનો હું ફોલોઅર છું. નદી-પર્વત- જંગલ- દરિયાને મારી લાઇકસ મળે છે અને વાદળ માટે પવન પર હું કમેન્ટ્સ પોસ્ટ કરું છું. મારા ઇનબોકસમાં ઇશ્વર લીંક મોકલતો રહે છે.
પ્રતિભાવ : joshinikhil2007@gmail.com