Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
ચૈત્રની ચમક-દમક
ખેતરને શેઢે કે બાગમાં, ગામને પાદરે કે ફૂટપાથ ઉપર જયાં લીમડો હશે ત્યાં એ નૂતનરૂપે અભિવ્યકત થતો દેખાય એટલે સમજી જ લેવાનું કે ચૈત્ર બેસી ગયો છે. ચૈત્ર એની ચાલ બદલે છે, હાલ બદલે છે. લીમડાના અંગેઅંગમાં યૌવન પાંગરે છે. ફાગણના વાસંતી વાયરાની અસરો - ફાગણના મિલનના દહાડા પૂરા થયા પછી પ્રકૃતિમાંય પ્રસન્નતાનો જે ગાળો શરૂ થાય છે એ ચૈત્રનો ગાળો છે
09/04/2023 00:04 AM Send-Mail
ફાગણની વાસંતી લહેરો હજુ માંડ શમી હતી અને ત્યાં પવનની બદલાતી ચાલ ઉપરથી કહેવું પડે કે લ્યો ચઇતર બેઠો ! ચૈત્રનું સમગ્ર આકાશ આસમાની નજરે પડે વાદળ વગરનું, એકાંત માણતું આભ સૂનકારાતી અભિવ્યકિત કરે છે એમ પણ કહી શકાય કે આકાશ મૌન પાળે છે. ચૈત્રના દિવસો એ દૈવી દિવસો છે માતાજીના દહાડા છે. આ ઋતુમાં 'નીમાહાર'નો મોટો મહિમા છે, બ્રહ્માની પૂજા થાય છે. ખેતરને શેઢે કે બાગમાં, ગામને પાદરે કે ફૂટપાથ ઉપર જયાં લીમડો હશે ત્યાં એ નૂતનરૂપે અભિવ્યકત થતો દેખાય એટલે સમજી જ લેવાનું કે ચૈત્ર બેસી ગયો છે. ચૈત્ર એની ચાલ બદલે છે, હાલ બદલે છે. લીમડાના અંગેઅંગમાં યૌવન પાંગરે છે. ફાગણના વાસંતી વાયરાની અસરો - ફાગણના મિલનના દહાડા પૂરા થયા પછી પ્રકૃતિમાંય પ્રસન્નતાનો જે ગાળો શરૂ થાય છે એ ચેત્રનો ગાળો છે. પાનખરનો પ્રસાદ ધરતીની હથેળીમાં ઝીલાતો હવે ઓછો થઇ રહ્યો છે. તોરણની જેમ પાંદડાંની સેરથી સોહતા આસોપાલવ નૂતનરૂપે દેખાઇ દઇ રહયા છે. વરરાજાનો ઉત્સાહ અને કન્યાની કુમાશનું મિશ્રરૂપ લઇને આસોપાલવના પાન કુમાશ અને ચળકાટની અભિવ્યકિત કરી રહયા છે. કંૂપાળો દ્વારા કાયા વિસ્તાર અને પ્રસન્નતાના પરિવેશનો જે માહોલ રચાયો છે એ ભાગ્ય ચૈત્રને ફાળે જાય છે. દીવામાં દીવેટ બોળીને તૈયાર કરી હોય. જયારે દીવાસળી પ્રગટે પછી દીવો થાય... એમ વૃક્ષેવૃક્ષે વેલીએ વેલીએ દીવા-થાળ સજ્જ થઇ ગયા છે... થોડાક જ દિવસોમાં કળીઓનું પુષ્પમાં રૂપાંતરણ થઇ જશે અને વૃક્ષેવૃક્ષે વેલીએ વેલીએ દિવાળી !! છ તો નવરાત્રિ માતાજીની પ્રકૃતિ વધામણી કરે છે આ રીતે ! સુગંધ પ્રસરી રહી છે. પ્રગટતા દીવાની વાસ કેવી હોય ? કૂટતા લીમડાના મ્હોરની વાસ કેવી હોય ? કૂટતા લીમડાના મ્હોરની વાસ કેવી હોય ? આમ્રમંજરીની મ્હેંક મનને માંજી નાખે છે. ચૈત્રની આંખોમાં ફાગણના સપનાનું વાવેતર થઇ ગયું છે.

સોળ વરસની કન્યા મુગ્ધતાનો થપ્પો દઇને યૌવન ઊંબરે આવીને ઊભી હોય, એના ચહેરા ઉપર શરમ અને ચમક ઉત્તમ ભાવો હોય અને ચૈત્રનો ચહેરો નજરે ચઢે છે. મહિનો અને માસ શબ્દના મૂળમાં મોહ શબ્દ છે. એ સંદર્ભે ચૈત્ર બેઠો છે. શાલિવાહન શકનો પ્રારંભ ચૈત્રી પડવાથી થયો છે ભગવાન રામચંદ્ર અને હનુમાનજીના પ્રાગટયનો મહિનો છે. રામચંદ્રે વાલીના જુલમમાંથી દક્ષિણ બાજુની ભૂમિ મુકત કરાવેલી એના આનંદમાં આ દિવસે ધ્વજ ચઢાવાય છે. સ્વતંત્રતાનો ધ્વજ એ ધ્વજને મહારાષ્ટ્રમાં અને દક્ષિણમાં ગૂડી કહે છે. ગૂડી પડવો એ રીતે આર્યો અને દ્રવિડો બેસતા વર્ષ તરીકે ઉજવે છે. ગુજરાતમાં વસતી મરાઠી પ્રજા આ તહેવારનો અનોખો આનંદ માણે છે. હિંદુ પ્રજાનું આ બેસતુ વર્ષ છે. હોળીની આગ ઓસરી ગઇ છે પણ એનો પ્રતાપ હજુ વરતાય છે. ઢોલ વાગી ગયા પછી હૃદયમાં જે પડઘો પડે છે એ પડઘો લઇને ચૈત્ર ઊભો છે. ભ્રમર, પતંગિયાં લઇને ઊડતો ચૈત્ર પુષ્પના પક્ષે હશે કે ભ્રમરના ! સહજ અવઢવમાં આવી જવાય એવી પળો છે. કોયલના સ્વર વિલંબિત થયા છે. શિરીષ છાબ લઇને નીકળી પડયો છે. છાબમાં કલગી છે કે શું ? ચંપોય બોલવા માંડયો છે અને મોગરાય ઝાલ્યા રહેતા નથી. લીમડાની કડવી મંજરી અને આંબાની કેરીના સ્વાદનો ભ્રમ રચતી મંજરી ચાંદની રાતમાં નૃત્ય કરવા માંડે છે એટલે જ દિવસ કરતાં રાત્રિ વધારે મોહક લાગે છે. આ દિવસોમાં ! અફાટ સીમ વિસ્તારમાંથી રાયડાના દીવા રાખ થઇ ગયા છે અને ઘઉંની વાદળિયો વિખરાવા માંડી છે.. રાજગરોય જઉ જઉ કરી રહયો છે. ચણાના પાન પીળાં પડી ગયાં છે. ખળાં તૈયાર થઇ ગયાં છે.. તડકો વરસે છે.. અનાજ ઉપણાય એમ રાત્રે ચાંદનીના ઢગ થાય છે. ખેતરો ખુલ્લાં થઇ રહયાં છે. અનાવૃત થવું એટલે સહજ થવું સાહજિકતા જ પ્રકૃતિનો ધર્મ છે. એ ધર્મમાં દર્શન ચૈત્રના દિવસોમાં કોક જાત્રાળુને અવશ્ય થવાના.. પ્રકૃતિ માત્ર ધરાના પ્રેમની અભિવ્યકિત છે.. એમાં જ ધરાનોય ધબકાર સાંભળી શકાય.

ચૈત્રની સવાર સુંવાળી, બપોર રાતોચોળ અને રાત રળિયામણી જોવા મળે છે. મહુડોય કેફ ખેરવે છે અને ગરમાળા અને કેસુડાઓ પોતાના હૃદયખલમાં એ કેફ ઘૂંટે છે. બદામડીય કુંવારાપણું સહી શકતી નથી. ખાટી આમલી ફળવતી થઇ ગઇ છે અને ગોરસ આંબલીને દહાડા ગણાય છે. ચૈત્રના 'ચ' સાથે 'ચીકુ'ના 'ચ'ને ગાઢ દોસ્તી છે એની પ્રતીતિઆ દિવસો કરાવે છે.. શેરડીના કોલે કોલે લોકો ચૈત્ર ગટગટાવે છે અને દ્રાક્ષની વેલીઅ વેલીએ ચૈત્રના ઝુમખા લટકે છે એમ કહેવું વધારે યોગ્ય લાગે છે!ખેતરોમાં ઉનાળુ બાજરી શૈશવ વળોટી કિશોરી- તરુણી બની રહી છે. આંબાની કૂખમાં સારા દિવસોના શુભ સંકેતોની સ્થાપના થઇ ચૂકી છે. સૂકા સવારે વધારે દેખાય છે. બપોરે સૂનકાર દેહે ઊભરી આવે છે. ચંપો અંધારી રાત્રિનો દીવો થઇને ઊઘડે છે.. ફૂલોમાં કૂપળોમાં, કળીઓમાં જે અનામી સુવાસ મ્હેંકે છે વાતાવરણ જેને લીધે તર-બતર થઇ જાય છે એ સદ્ભાગી માસ ચૈત્ર છે... ચૈત્રના ઉદરમાં જે નવાંકુરો જન્મ પામે છે, અથવા ધરતીનો પ્રેમ. ચૈત્રના સદ્ભાગ્યમાં લખાયો છે એટલે પ્રેમ પ્રગટ કરાવાનો મહિનો બની રહે છે. વૈદકની દૃષ્ટિએ લીમડાની કૂંપળો ખાવાનો ખાસ વિધિ આ દિવસો સાથે જોડાઇ ગયો છે. ઓખાએ અનિરૂદ્ઘ જેવાનું હરણ પણ આ જ મહિનામાં કરેલું. ત્યારથી 'અલૂણા'નો મહિમા છે. ચૈત્ર વિક્રમ સંવતનો છઠ્ઠો પણ શક સંવતન પ્રથમ મહિનો છે. ચૈત્ર મહિનાના પ્રારંભને ગૂડી પડવો કહી તેનો મહિમા કરાયો છે, નવા વર્ષ તરીકે તેની ઉજવણી થાય છે. નવરાત્રિનો ઉપવાસ કરી ભાવિક ભકતો તેના મહાત્મ્યના ગુણગાન કરે છે. આંધ્ર અને કર્ણાટકમાં પણ આ ઉત્સવ 'ઉગાડી' તરીકે ઉજવાય છે. ખેડૂતને ચૈત્રથી ભરોસો બેસવા માંડે છે કે મૌસમ કેવી રહેશે ! રામજન્મ આ મહિનામાં હોવાનું કારણ પણ ચૈત્રી જ હશે એમ દૃઢપણે માનવા મન પ્રેરે છે.