ટેલર બર્ડ : ચાંચ વડે કપડાંની જેમ પાંદડા સીવીને સુરિક્ષત માળો તૈયાર કરતું પક્ષી
વિશ્વમાં જાતજાતના અને કદમાં નાના, મોટા અગણિત પક્ષીઓ વસવાટ કરે છે. જે પૈકી કેટલાક પોતાની સુંદરતા, કેટલાક અવાજ તો કેટલાક શિકાર કરવાની ખાસિયત સહિતની બાબતોએ જાણીતા છે. મોટાભાગના પક્ષીઓ પોતાના વસવાટ માટેના માળા જાતે તૈયાર કરતા હોય છે. જેમાં ટેલર બર્ડ તરીકે ઓળખાતું પક્ષી અજાયબીભરી રીતે પોતાનો માળો તૈયાર કરે છે. દરજી જેમ સોયદોરાની મશીનથી કાપડને સિલાઇ કરે છે તેવી જ રીતે આ પક્ષી પોતાની ચાંચ વડે પાંદડાઓને સીવીને માળો તૈયાર કરે છે.
વૃક્ષ, પહાડ કે જીવ-જંતુ તમામમાં કુદરતે કોઇને કોઇ ખાસિયત આપી છે. સાથોસાથ સમયાંતરે પ્રાકૃતિક ખૂબસુરતી અને પ્રતિભાઓને પણ જોઇને મનુષ્ય આશ્ચર્ય અનુભવતો હોય છે. હાલ ઉનાળાની ઋતુમાં મોટાભાગના પક્ષીઓ પોતાનું રહેઠાણ-માળો તૈયાર કરતા હોવાનું જોવા મળે છે. જેમાં દરજીની જેમ પાંદડા સીવીને માળો બનાવતા ટેલર બર્ગનો વિડીયો ટવીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. જેને ૪૩ હજારથી પણ વધુ લાઇક મળ્યા છે. ટેલર બર્ડ માળો ગુંથવા માટે દોરા જેવી બારીક ચીજોને ચાંચ વડે પકડીને પાંદડાઓને સીવતી હોવાનું વિડીયોમાં જોવા મળે છે. માળો તૈયાર થઇ ગયા બાદ તે તેમાં ઇંડા મૂકે છે. જો કે અન્ય પક્ષીઓ કરતાં ટેલર બર્ડનો માળો ખાસ ઢંગથી તૈયાર કરવામાં આવે છે. નાનકડા પંખીનું પોતાના રહેઠાણ માટેનું આવિષ્કારભર્યુ કામ નિહાળીને અનેક યુઝરોએ વિવિધ પ્રકારની કોમેન્ટનો મારો પણ ચલાવ્યો હતો.