Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
કેલિફોર્નિયા : માત્ર ર૭૦ રૂપિયામાં ખરીદયા ૩ બંગલા, બનાવશે ભવ્ય આર્ટ ગેલેરી
ભૂત બંગલામાં ફેરવાતા શહેરમાં આબાદી વસાવવા સરકાર દ્વારા જૂજ કિંમતે મકાનોનું કરાતું વેચાણ
22/05/2023 00:05 AM Send-Mail
પોતાનું ઘર બનાવવા માટે મોટાભાગના વ્યકિતઓ જીવન વિતાવી દેતા હોય છે કે જીવનભરની મૂડી લગાવતા હોય છે. પરંતુ કેલિફોર્નિયામાં એક મહિલાએ માત્ર ૩.૩૦ ડોલર એટલે કે રૂપિયા ર૭૦માં ત્રણ બંગલા ખરીદયા. માનવામાં ન આવે તેવી વાત સાથે પહેલો સવાલ એ પણ થાય કે આ સોદો કેવી રીતે થયો?

૩ બંગલાનો આ સોદો એટલો ભવ્ય હતો કે મહિલા ફલાઇટ લઇને પહોંચી હતી અને ફટાફટ પોતાના નામે બંગલા કરાવ્યા હતા. તેણી જયારે સ્થળ પર પહોંચી તો પાડોશીઓની આંખમાં આંસુ આવી ગયા હતા અને સૌએ મહિલાનું ભવ્ય સ્વાગત કર્યુ. મહિલાનો ઇરાદો ઘરને ભવ્ય, આલિશાન આર્ટ ગેલેરીમાં ફેરવવાનો છે અને તે માટેની કામગીરી પણ તેણીએ શરુ કરી દીધી.

કેલિફોર્નિયાની રહિશ રુબિયા ડેનિયલે પોતાની આ વાતને ઇનસાઇડર સાથે શેર કરી હતી. તેણીએ કહયું કે, જયારે મને ખબર પડી કે ઇટલીમાં સસ્તા ઘર મળી રહ્યા છે. તો મને પોતાને ત્યાં જઇને જોવાની ઇચ્છા થઇ. આથી મેં તૈયારી કરી અને ત્રણ દિવસમાં જ ઇટલી પહોંચવા માટે ફલાઇટની ટિકીટ બુક કરાવી. આ જગ્યા ઇટલીના એક નાના શહેર મુસોમેલીમાં છે. સમગ્ર શહેર ભૂત બંગલામાં ફેરવાઇ રહયું છે. કારણ કે લોકો આ સ્થળ છોડીને અન્ય શહેરોની તરફ જઇ રહ્યા છે. સરકાર આ જગ્યાને પુન: માનવ વસવાટ માટે તૈયાર કરવાનુ આયોજન કરી રહી છે. તેથી જ અહીંના મકાનો સાવ જૂજ કિંમતોમાં વેચાણ કરવામાં આવી રહ્યા છે. બ્રાઝિલના બ્રાસીલિયાથી ૩૦ વર્ષ અગાઉ કેલિફોર્નિયા આવેલ ડેનિયલે કહયું હતું કે, આ શહેરે મને બાળપણની યાદ અપાવી છે. હું અહીંયા પહોંચી તો પાડોશીઓની આંખમાં આંસુ આવી ગયા હતા. સૌ કોઇ મારી સાથે કોફી શેર કરવા ઇચ્છતું હતું. એક બહેનની જેમ સૌએ મને પ્રેમથી ગળે લગાવી. હું અહીં દસ દિવસ રોકાઇ હતી .પરંતુ દરરોજ પાડોશીઓ મારી સાથે રહેતા હતા. આ શહેરના સમૃદ્વ ઇતિહાસની સાથોસાથ અહીંના લોકોના પ્રેમે પણ મારું દિલ જીતી લીધું છે. સૌર ઉર્જાક્ષેત્રે કામ કરતી ડેનિયલે કહયું હતું કે, તેની પાસે ત્રણ બંગલા માટે અલગ અલગ યોજનાઓ છે. જો કે સૌપ્રથમ આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. જેથી તેની મુલાકાત લઇને લોકો ખુશી અનુભવશે.