વડતાલધામ દ્ઘારા શિક્ષણતીર્થ વિદ્યાનગરમાં નિ:શુલ્ક છાત્રાલયનું લોકાર્પણ
ર લાખ સ્કવેરફૂટમાં ફેલાયેલા પરિસરમાં ૧પ૦ રૂમો સાથે ૭ માળના છાત્રાલયમાં ૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહી શકશે ત્ન:આ છાત્રાલય શિક્ષા, સંસ્કાર અને સમાજની સેવાનું ઉત્તમ કાર્ય છે : આચાર્ય પૂ.રાકેશપ્રસાદદાસજી મહારાજ : ગરીબ-મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ નાણાંકીય મુશ્કેલીના લીધે ભણતર અધૂરું ન મૂકે તે હેતુ સાથે આ છાત્રાલય શરુ કર્યુ છે : પૂ.નિત્યસ્વરૂપ સ્વામી
વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા વલ્લભ વિદ્યાનગરમાં મોટા બજાર ખાતે બનાવવામાં આવેલ અત્યાધુનિક નિ:શુલ્ક છાત્રાલયનું આજે આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજ, સરધારધામના પૂ.નિત્યસ્વરુપદાસજી તેમજ સંપ્રદાયના વડીલ સંતો, અગ્રણીઓના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે પૂ. આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજે કહયું હતું કે, આ છાત્રાલય શિક્ષા, સંસ્કાર અને સમાજની સેવાનું ઉત્તમ કાર્ય છે. વડતાલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ નિ:શુલ્ક છાત્રાલય સેવાના ભેખધારી પૂ.નિત્યસ્વરુપ સ્વામી અને દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.
બે લાખ સ્કવેર ફુટમાં ફેલાયેલા પરિસરની પાંચ માળની હોસ્ટેલમાં કુલ ૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ નિ:શુલ્ક રહી શકશે.
આ હોસ્ટેલ સરધારધામના પૂ.નિત્યસ્વરુપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ચાલશે. હોસ્ટેલના મુખ્ય દાતા અરજણભાઇ ધોળકીયા (શ્રીરામકૃષ્ણ ડાયમંડ,સુરત) સાથે જ્ઞાનજીવન સ્વામી-કુંડળધામ, વિશ્રામભાઇ વરસાણી-સીસલ્સ, ઘનશ્યામભાઇ શંકર(સુરત), અશ્વિનભાઇ ગોલવિયા (ન્યાલકરણ ગૃપ,વડોદરા), કાંતિભાઇ રાખોલિયા (સુરત), જીવરાજભાઇ ગાબાણી (ખોપાળા), પ્રાગજીભાઇ જોટીંગડા, ઘનજીભાઇ રાખોલિયા, કેશુ ભગત (સુરત), મગનભાઇ ભંડેરી, શંભુભાઇ ટ્રસ્ટી વગેરે દાતાઓને વડીલ સંતો સાથે આચાર્ય મહારાજ અને લાલજી મહારાજે આશિર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત વિદ્વાન સંતો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંતોએ આ છાત્રાલયના માધ્યમથી આવનારી પેઢીમાં હિન્દુ ધર્મના સંસ્કારો ઉજાગર થશે અને સ્વામીનારાયણ સંપ્રદાયના ગૌરવને વધારશે તેમ જણાવ્યું હતું.
સાથોસાથ કહયું હતું કે, આ છાત્રાલયમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ભગવાનનો સાચો ભકત બનવાની સાથે દેશનો સાચો નાગરિક બનશે અને દેશનું નામ ઉજાગર કરશે.
ઉલ્લેખનીય છે કે, સામાજીક કાર્યોમાં અગ્રેસર પૂ.નિત્યસ્વરુપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ હાલમાં સરધાર, ભાવનગર અને મહુવામાં
૧ર૦૦ જેટલા કોલેજીયન વિદ્યાર્થીઓને અદ્યતન છાત્રાલયની સુવિધા સંપૂર્ણ નિ:શુલ્ક આપવામાં આવે છે.
આ પ્રસંગે વિહિપના અગ્રણી અશોકભાઇ રાવલ, અશ્વિનભાઇ, કૌશિકભાઇ પટેલ, પૂ.બાપુ સ્વામી, પૂ. નૌતમ સ્વામી, પૂ.દેવનંદન સ્વામી, પૂ.મોહનપ્રસાદ સ્વામી, પૂ.ઘનશ્યામ સ્વામી, ભાસ્કર ભગત, જુનાગઢ, ગઢડા, વડતાલ, ધોલેરાના સંતો, આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઇ પટેલ સહિત અગ્રણીજનો ઉપસ્થિત રહ્યા હતા.