નડિયાદમાં વરસાદી કાંસની ઉપર છલ્લી સફાઇ, તળિયે ગંદકી-કચરાના ઢગ
થોડા સમય અગાઉ સાફ કરાયેલ કાંસમાં કચરો, જંગલી વનસ્પતિ યથાવત છતાંયે કાગળિયે સફાઇ કામગીરી પૂર્ણ !
નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે નકકર આયોજન ન હોવા સાથે શહેરમાંથી પસાર થતા કાંસની સાફસફાઇ પણ માત્ર કાગળિયે થતી હોવાથી ચોમાસામાં ભરપૂર વરસાદ ટાણે શહેરીજનોને પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડે છે.
દર વર્ષની જેમ આ વર્ષ્ેો પણ પ્રિમોન્સૂન પ્લાનીંગ હેઠળકાંસ વિભાગે વરસાદી કાંસની સાફસફાઇ હાથ ધરી છે પરંતુ શરુઆતમાં જયાં સફાઇ કરવાનું કાગળિયે કોતરવામાં આવ્યું છે તે કાંસમાં જંગલી વનસ્પતિ અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીને આગળ વધવામાં આ કચરો, વનસ્પતિ અંતરાયરુપ બનવાથી કાંસ છલકાઇને આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી જવાની પણ ભીતિ સ્થાનિકો વ્યકત કરી રહ્યા છે.
નડિયાદમાં કેટલાક વિસ્તારો પૈકીના એક એવા રબારી વાસમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાય છે. જો કે આ વિસ્તારમાંથી પસાર થતા ખુલ્લા વરસાદી કાંસની યોગ્ય રીતે સફાઇ થતી ન હોવાથી પાણીનો નિકાલ થતો નથી. તાજેતરમાં આ કાંસની સફાઇ કરાયા બાદ પુન: જંગલી વનસ્પતિ જોવા મળી રહી છે. ત્યારે વાસ્તવમાં કાંસ સફાઇની કામગીરીની જવાબદાર અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવી હશે કે કેમ? તે સવાલ ચર્ચાઇ રહ્યો છે. આ ઉપરાંત શહેરના ફતેપુરા રોડ પરના કાંસમાં પણ કચરાના ઢગ ખડકાયેલા છે. ઉલ્લેખનીય છે કે, નડિયાદ પાલિકાએ વરસાદી પાણીના નિકાલના કાંસની સફાઇનો ૩ વર્ષનો કોન્ટ્રાકટ સમયમર્યાદા પૂર્ણ થતા નવું ટેન્ડરીંગ કરવાના બદલે જૂનું ટેન્ડર જ રીન્યુ કર્યુ છે. આ મામલે વિરોધપક્ષે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. જેમાં આ નિર્ણય રદ કરીને નવેસરથી ટેન્ડર ફાળવવા માંગ કરવામાં આવી છે.