અમદાવાદમાં આતંકી સંગઠન અલ-કાયદાનો પ્રચાર કરી રહેલા ચાર બાંગ્લાદેશી ઝડપાયા
-આ આતંકી ફંડિંગઅને યુવાનોને ઉશ્કેરવાનું ષડયંત્ર રચતા હતા -આરોપીઓ વિરૂદ્ઘ યુએપીએની કલમ ૩૮, ૩૯ અને ૪૦ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી
ગુજરાત એટીએસએ અમદાવાદમાંથી ચાર આંતકીઓની ધરપકડ કરી છે. સોમવારે ગુજરાતના એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના અધિકારીએ જણાવ્યું કે ચારેય આતંકીઓ અલ-કાયદાના સભ્યો છે. ચારેય બાંગ્લાદેશના રહેવાસી છે.જેઓ હાલ અમદાવાદમાં રહે છે.
ગુજરાત એટીએસ દિપન ભદ્રને જણાવ્યું કે ચારેયને ભારત મોકલતા પહેલા બાંગ્લાદેશમાં તેમના કમાન્ડરોએ તાલીમ આપી હતી. આ ચાર પર અલકાયદા માટે ભંડોળની વ્યવસ્થા કરવાની જવાબદારી હતી, જે સંગઠનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ખર્ચવામાં આવે છે. આ ઉપરાંત ચારેયને સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી બનાવવાની સાથે સાથે તેમને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે સમજાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યુંકે આરોપીઓ વિરૂદ્ઘ યુએપીએની કલમ ૩૮, ૩૯ અને ૪૦ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. ભદ્રને જણાવ્યું કે આતંકવાદીઓને જિલ્લાના જુદા જુદા ભાગોમાં પકડવામાં આવ્યા છે. જેમના નામ મોહમ્મદ સોજિબ, મુન્ના ખાલિદ અન્સારી, અઝહરુલ ઇસ્લામ અન્સારી અને મોમિનુલ અન્સારી છે.
અધિકારીએ કહયું કે અમને માહિતી આપી હતી. જેના આધારે અમે સૌથી પહેલા અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા સોજિબની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરવામાં આવી હતી. સોજીબે જણાવ્યું કે તે તેના અન્ય ત્રણ સાથીઓ સાથે બાંગ્લાદેશથી આવ્યો હતો. તે અલ કાયદા માટે કામ કરે છે. સોજીબને મળેલી માહિતી મુજબ એટીએસે જિલ્લાના નારોલ વિસ્તારમાંથી મુન્ના, અઝહરુલ અને મોમિનુલની ધરપકડ કરી છે. ચારેય ભારતીય નાગરિક તરીકે કારખાનામાં કામ કરતા હતા. એટીએસે જણાવ્યું કે આરોપીના રૂમમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને આતંકવાદી સંગઠનનું કેટલુંક સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.
સોજીબે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ભારત આવતા પહેલા તેને એનિક્રિપ્ટેડ ચેટ એપ્લિકેશનઅને વીપીએનના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. તેની પાસે બનાવટી દસ્તાવેજોથી બનેલું આધાર અને પાન કાર્ડ પર મળ્યું હતું. એટીએસ અધિકારીના જણાવ્યા અનુસાર તેણે આ બે લોકોને કટ્ટરપંથીપણ બનાવ્યા હતા. આ ઉપરાંત તે વિવિધ રાજયોના યુવાનોના સંપર્કમાં હતો. ટીમ અન્ય મુદ્દાઓની તપાસ કરી રહી છે. જેમાં તેમને બાંગ્લાદેશથી ભારતમાં લાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં કોણ મદદ કરી હતી.