Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
જુનિયર કેજી, સિનિયર કેજી માટે રાજ્ય સરકારની નવી નીતિ : પ્રિ-પ્રાયમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન ફરજિયત
નિયમોના ભંગ બદલ ૧થી ૨૫ હજાર સુધીના દંડની જોગવાઈ પણ આ નવી પોલીસીમાં કરવામાં આવી છે
23/05/2023 01:05 AM Send-Mail
રાજ્યમાં હજારોની સંખ્યામાં ખાનગી ધોરણે મંજૂરી વિના પ્રિ-પ્રાયમરી સ્કૂલો નર્સરી, સિનયર, જુનિયર કેજી, બાલ વાટીકા ધમધમી રહી છે. ત્યારે પ્રિ-પ્રાયમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારે નવી પોલિસી બનાવી છે. જે મુજબ રાજ્યમાં હવે પ્રિ-પ્રાયમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે સરકારમાં ૫ હજાર રૃપિયા રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવવી પડશે.

રાજ્ય સરકારની નવી પોલિસીમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામ વિસ્તારમાં આવેલી પ્રિ-પ્રાયમરી સ્કૂલોનું સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારી અને મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી નર્સરી, સિનયર, જુનિયર કેજીનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરશે.

વર્તમાન સમયમાં જે ખાનગી સંસ્થાઓ આ પ્રકારની સ્કૂલો ચલાવે છે, જે નોન ગ્રાન્ટેડ છે તેવી સંસ્થાઓએ એક વર્ષમાં નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંત કોઈ નવી સંસ્થા પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે નોંધણી કરાવ્યા વિના શરૃ થઈ શકશે નહીં. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ૩ વર્ષથી ૬ વર્ષના બાળકોને પ્રવેશ આપી શકાશે. આ ઉપરાંત ઓથોરિટીની મંજૂરી વગર કોઈ સંસ્થા બંધ કરી શકાશે નહીં. જો કોઈ પ્રિ-પ્રાયમરી વર્ગો બંધ કરવા માંગે છે તો તેમણે ૬ મહિના અગાઉ આ અંગની જાણ કરવાની રહેશે. નિયમોના ભંગ બદલ હજારથી ૨૫ હજાર સુધીના દંડની જોગવાઈ પણ આ નવી પોલિસીમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક અંદાજા મુજબ ગુજરાતભરમાં અત્યારે ૫૩૦૦૦ની આસપાસ નર્સરી, સિનયર, જુનિયર કેજી ચાલે છે. જેમાં અંદાજે ૨૦ લાખ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.