નડિયાદમાં ઇન્દિરા નગરી પાસે પેવર બ્લોકનું કામ ટેન્ડર મુજબ ન થયાની રજૂઆત
નડિયાદ શહેરમાં ઈન્દિરાનગરી વિસ્તારમાં પાલિકા દ્વારા નવા પાર્કીગની કામગીરી ચાલી રહી છે. જેમાં ટેન્ડર મુજબ પેવર બ્લોકના કામ ન થતા હોવાની પાલિકાના અપક્ષ સભ્ય ગોકુલ શાહે પાલિકાના સીઓને લેખિતમાં રજૂઆત કરીને સ્થળ નિરીક્ષણ કરવા માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરના ઈન્દીરા નગરી તળાવ પાસે એક પ્લોટમાં પાર્કિગ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં પેવર બ્લોકની રૂ. ૪૨.૨૨ લાખની કામગીરી હાથ ધરવામા આવી છે. જેમાં ટેન્ડરમાં પીસીસી વર્ક કરવાનું જણાવ્યું છે. પરંતુ સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું પીસીસી વર્ક કરવામાં આવતું નથી. જેથી એન્જિનિયર સ્થળની મુલાકાત લે અને યોગ્ય ગુણવત્તાવાળી કામગીરી થાય તે માટે કોન્ટ્રાક્ટરને રજૂઆત છે.
વધુમાં કાઉન્સિલર તરીકે મને જાણ કરી મારી હાજરીમાં સ્થળ નિરીક્ષણ કરવું, નિરીક્ષણ કર્યા બાદ યોગ્ય ગુણવત્તાયુક્ત કામ થાય તો જ એજન્સીને ચુકવણું કરવું અન્યથા ચુકવણું કરવું નહી તેવી પણ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે.