મહુધા ઃ મહિસા ખાખરીયાની મુવાડીમાં ભોજાણી પરિવાર વચ્ચે ધીંગાણું ઃ૬ ને ઈજા
ખેતરમાં જવા આવવાના રસ્તા બાબતે ચાલતા ઝઘડામાં સમાધાન થઈ ગયા બાદ પણ ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચી ઃ બેને ફેક્ચર થઈ ગયા
મહુધા તાલુકાના મહીસા ગામની ખાખરીયા ની મુવાડીમાં પરમ દિવસ સાંજના સમયે ખેતરમાં જવા આવવાના રસ્તા બાબતે બે કૌટુંબીક ભોજાણી પરિવાર વચ્ચે થયેલ મારામારી મા છ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ અંગે મહુધા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ મહુધાના મહીસા ગામની ખાખરીયા ની મુવાડી માં રહેતા મહેન્દ્ર બાબુ અબુ ભોજાણી પરિવાર અને કૌટુંબી ભાઈ રમણભાઈ ભોજાણીના પરિવાર વચ્ચે ખેતરમાં જવા આવવાના રસ્તા બાબતે ઝઘડો ચાલતો હતો જે બાબતે બંને પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. દરમિયાન પરમ દિવસ સાંજના સમયે મહેન્દ્ર અને કાકાનો દીકરો ભગવાન હિંમતભાઈ ભોજાણી બાઈક પર ગામમાં શાક લેવા જતા હતા. આ સમયે કાભઈ રમણભાઈ ભોજાણી અને લક્ષ્મણ બચુભાઈ ભોજાણી સાથે ભેટો થયો હતો. આ દરમિયાન ખેતરમાં જવા આવવાના રસ્તા બાબત ના ચાલતા ઝઘડામાં સમાધાન થઈ ગયા પછી પણ તેમની વચ્ચે ગાળાગાળી સાથે ચકમક જરી હતી બાદમા મામલો ગરમાતા ભગવાનભાઈએ નજીકમાંથી લાકડી લઈ આવી કાભઈ તેમજ લક્ષ્મણ ભોજાણીને ફટકારી દીધી હતી કાભઇ અને લક્ષ્મણનું ઉપરાણું લઈ રાહુલ ધીરુભાઈ ભોજાણી, સંજય ધીરુભાઈ ભોજાણી અને સાભઇ નગીનભાઈ ભોજાણી ધારીયા-લાકડીઓ લઈ ત્યાં દોડી આવ્યા હતા અને મહેન્દ્ર અને કાકાના દીકરા ભગવાન પર તૂટી પડયા હતા. છોડાવવા વચ્ચે પડેલ રાજેશ ભોજાણીને પણ લાકડીઓનો માર માર્યો હતો
આ દરમિયાન મહેન્દ્ર અને કાકા ના દીકરાનુ ઉપરાણું લઈ દોડી આવેલ મગન ખાતુભાઈ ભોજાણી, રંગીત રણછોડભાઈ ભોજાણી અને જવાન પ્રભાતભાઈ ભોજાણીએ કાભઈ અને લક્ષ્મણને ગડદા પાટોનું માર માર્યો હતો બુમા બુમના પગલે સ્થાનિકો દોડી આવતા બંને પક્ષના લોકો એકબીજાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આપતા ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલ મહેન્દ્ર અને કાકાના દીકરા ભગવાન તેમજ રાજેશને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેશ ને ડાબા પગના થાપા ઉપર તેમજ મહેન્દ્રને ડાબા ખભા પર ફેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. મહુધા પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદના આધારે કુલ આઠ ઇસમો વિરુદ્ધ ગુનો નોધિ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.