ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને મોદીને 'બોસ' ગણાવ્યા
ભારત મધર ઓફ ડેમોક્રેસી, સમગ્ર વિશ્વ અમારા માટે એક પરિવાર : મોદી
પ્રધાનમંત્રીના કાર્યક્રમ અગાઉ સ્ટેડિયમમાં અનેક રંગારંગના કાર્યક્રમો બ્રિસ્બેનમાં ભારતીય દૂતાવાસ શરૂ કરવાની મોદીની જાહેરાત : આ કાર્યક્રમ માટે ટ્રેનો અને ખાનગી ચાર્ટર દ્વારા લોકોને સિડની લાવવામાં આવ્યા હતા, જેને મોદી એરવેઝ અને મોદી એકસપ્રેસ નામ આપવામાં આવ્યું
ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીનું 'સ્મોકિંગ સેરેમની' દ્વારા સ્વાગત કરાયું
ઓસ્ટ્રેલિયામાં કોઇપણ મહત્વપૂર્ણ અથવા શુભ પ્રસંગની શરૂઆત સ્મોકિંગ સેરેમનીથી કરવામાં આવે છે. જે અહીંનો પરંપરાગત રિવાજ છે. આ રિવાજમાં સ્થાનિક છોડ (ઔષધીય)ના પાંદડાઓથી ધુમાડો કરવામાં આવે છે. આ ઔષધીય ધુમાડા વિશે એવી માન્યતા છે કે તે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ઘિ તરફ દોરી જાય છે. એવું માનવામાં આવે છે કે સ્મોકિંગ સેરેમનીથી દુષ્ટ આત્માઓ દૂર થાય છે. અગાઉ તે બાળકના જન્મ સમયે અથવા દિક્ષા સમયે, ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કરવામાં આવતો હતો. હવે વિદેશી મહેમાનોના સ્વાગત દરમિયાન સ્મોકિંગ સેરેમની પણ કરવામાં આવે છે. આ વિધિ ઘણીવાર આદિવાસી સમુદાયના સભ્ય દ્વારા કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સિડનીના કુડોસ બેંક એરેનામાં ભારતીય મૂળના ૨૦,૦૦૦ લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું - ભારત લોકશાહીની માતા છે. અમારા માટે આખું વિશ્વ એક કુટુંબ છે. ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો વિશ્વાસ અને સન્માન પર આધારિત છે.
પીએમ મોદીએ કહયું - મે ૨૦૧૪માં છેલ્લી મુલાકાત દરમિયાન વચન આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ ફરીથી ભારતીય પીએમ માટે ૨૮ વર્ષ રાહ જોવી પડશે નહી.
મોદીએ કહયું - જયારે પણ દુનિયામાં સંકટ આવે છે ત્યારે ભારત મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. કોઇપણ આપત્તિ આવે, ભારત મદદ માટે આગળ આવે છે. આજે ભારત ફોર્સ ઓફ ગ્લોબલ ગ્રોથ હેઠળ કામ કરી રહયું છે. અમે વિશ્વને એક કરવા માટે કામ કરી રહયા છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ.. આ અમારી સરકારનો આધાર છે. આ જ અમારી દૃષ્ટિ છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ આબ્લેનીઝે મોદીના વખાણ કર્યા અને કહયું - 'મોદી બોસ છે.' આ પહેલીવાર બન્યું છે કે ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાનનું આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હોય. પીએમ મોદીમારા ખૂબ સારા મિત્ર છે. અમે બંને દેશોના લોકતાંત્રિક મૂલ્યોના આધારે સંબંધોને વધુ મજબૂત કરીશું.
પીએમ મોદીએ ભાષણમાં ઘણી મહત્વની જાહેરાતો પણ કરી છે. તેમણે માહિતી આપી હતી કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકબીજાની ડિગ્રીને માન્યતા આપવા પર વાતચીત આગળ વધી છે. તેનાથી બંને દેશના વિદ્યાર્થીઓને ફાયદો થશે. તેમજ, બ્રિસ્બેનમાં ભારતનું નવું દૂતાવાસ ખોલવામાં આવશે.
વધુમાં જણાવ્યું કે ભારતમાં ક્ષમતાની કમી નથી. ભારતમાં પણ સંસાધનોની કોઇ કમી નથી. આજે વિશ્વની સૌથી મોટી અને સૌથીનાની ટેલેન્ટ ફેકટરી ભારતમાં છે. મને જાણીને આનંદ થયો કે તમે બધાએ પણ આઝાદીના અમૃત મહોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી કરી છે. અમારા ક્રિેકેટ સંબંધોને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. ક્રિકેટના મેદાન પરની હરિફાઇ છે, એટલી જ ઊંડી અમારી મેદાનની બહારની મિત્રતા છે. ગયા વર્ષ જયારે મહાન ક્રિેકેટર શેન વોર્નનું નિધન થયુંં ત્યારે ઓસ્ટ્રેલિયાની સાથે લાખો ભારતીયોએ શોક વ્યકત કર્યો હતો. એવું લાગતું હતું કે અમે કોઇ પોતાનું ગુમાવ્યું છે.
આ કાર્યક્રમ માટે લોકોને ટ્રેનો અને ખાનગી ચાર્ટર દ્વારા સિડની લાવવામાં આવ્યા હતા, જેને મોદી એરવેઝ અને મોદી એકસપ્રેસ નામ આપવામાં આવ્યું હતું. પીએમના સંબોધન પહેલા ઓલિમ્પિક પાર્કમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં મોદીની હાજરી દરમિયાન હેરિસ પાર્ક વિસ્તારનું નામ બદલીને 'લિટલ ઇન્ડિયા' રાખવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે પીએમ અલ્બેનીઝે કોઇ કસર છોડી ન હતી. પીએમ મોદી સિડનીના કુડોસ બેંક એરેના ખાતે પહોંચ્યા ત્યારે પીએમ એન્થોનીઅબ્લેનીઝ દ્વારા તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીનું પરંપરાગત 'સ્મોકિંગ સેરેમની' થી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની ચર્ચા સર્વત્ર છે.