નડિયાદમાં અઢી વર્ષ બાદ પણ પ્રગતિનગરમાં નવા આવાસો ન બન્યા મામલે કોંગ્રેસનું આવેદનપત્ર
ધરાશાયી થયેલ આવાસોને બે વર્ષમાં રી-ડેવલપમેન્ટ કરવાની તંત્રની બાહંેધરી છતાંયે કામ ન થયું
નડિયાદમાં એસ.ટી.નગરની નજીક આવેલા વર્ષોજૂના પ્રગતિનગર ફલેટ પૈકીનો પુનેશ્વર ફલેટ થોડા વર્ષ અગાઉ ધરાશાયી થઇ જતા ૬થી વધુ નાગરિકોએ જીવ ગૂમાવ્યો હતો અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ રાજય સરકાર દ્વારા અહીં આવાસો બનાવવાની જાહેરાતને અઢી વર્ષ પૂર્ણ થવા છતાંયે ઇંટ સુદ્વા ન મૂકાઇ હોવાના આક્ષેપ સાથે આજે પાલિકાના અપક્ષ સભ્ય ગોકુલભાઇ શાહ, શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કાર્યકરોએ મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર ડે.કલેકટરને આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે, અગાઉ રહિશોની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના ફલેટ ખાલી કરાવ્યા બાદ તે સમયે સરકારે ૬૧ કરોડના ખર્ચ આવાસોનું બે વર્ષમાં રી ડેવલપમેન્ટની જાહેરાત કરી હતી. પરંતુ અઢી વર્ષ પૂર્ણ થવા છતાંયે કોઇ કાર્યવાહી થઇ નથી. આથી રાજય સરકાર દ્વારા તાત્કાલિક પ્રગતિનગરના આવાસોનું રીડેવલપમેન્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.