વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા : ડાકોર મંદિરમાં ગોપાલલાલજી મહારાજ 'નાવ મનોરથ'માં બિરાજમાન
વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં પ્રભુને વિવિધ પ્રકારના મનોરથની પરંપરા જોવા મળે છે. યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડજી મંદિરમાં આજે જેઠ સુદ પાંચમના દિવસે નાવ મનોરથની આનંદ અને ઉત્સાહની છોળો વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે કીર્તનકારો દ્વારા પ્રભુ ભકિત અર્થ છેડાયેલ સુરાવલી વચ્ચે ભાવિકજનો દ્વારા રાજા રણછોડના જયજયકાર સાથે ગોપાલલાલજી મહારાજને વાજતેગાજતે નૌકાવિહાર કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકજનો પ્રભુના નૌકાવિહારના દર્શનાર્થ ઉમટયા હતા.
ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં પ્રભુને ગરમીથી બચવા માટે સેવકો દ્વારા વિવિધ પ્રકારે લાલનપાલન કરવામાં આવે છે. જેમાં આજે સોનાના લાલજી મહારાજ નાવ મનોરથમાં બિરાજમાન થયા હતા. ડાકોર મંદિરમાં વર્ષમાં બે વખત નાવ મનોરથ થાય છે. ગરમીની ઋતુમાં પ્રભુને ચંદનનો લેપ અને ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે.