ખેડા ચોકડી પર પાર્ક કરેલ કન્ટેનરમાંથી રૂા. ૨૦.૮૭ લાખના અમૂલ ઘીના પાઉચના બોક્સની ચોરી
અમૂલ ડેરીના ભરૂચ ખાતેના પ્લાન્ટેથી ઘીના કુલ ૧૬૪૭ બોક્સો ભરીને અસલાલી લઈ જવામાં આવતો હતો : ડ્રાયવર ખેડા ચોકડી પાસે આવેલા સોમનાથ મહાદેવ મંદિર પાસેની ખુલ્લી જગ્યામા કન્ટેનર પાર્ક કરીને ઘરે જતો રહ્યો અને તસ્કરો કળા કરી ગયા
ખેડા ચોકડી પર પાર્ક કરેલ કન્ટેનરમાંથી ૨૦.૮૭ લાખની કિંમતના અમૂલ ઘીના બોક્સની ઉઠાંતરી થવાની ઘટના ઉજાગર થતા ચકચાર મચી જવા પામી છે. ઘીનો જથ્થો ભરૂચથી લાવી અસલાલી સ્થિત ગોડાઉનમાં પહોંચાડવાનો હોય કન્ટેનર ચાલકે રાત્રે વાહન પાર્ક કરી પોતાના ઘરે આવતા તસ્કરો કળા કરી જતા સમગ્ર મામલે ખેડા શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના હાડગુડ ગામના ૩૦ વર્ષિય જબીઉલ્લાહ અબ્દુલરજાક સૈયદ બુરાક લોજીસ્ટીકમાં મેનેજર તરીકે છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે. આ ટ્રાન્સપોર્ટના માલિક યુનુસઅલી અગુલામહૈદર મોમીન (રહે. આણંદ)ના છે અને આ ઓફિસ સામરખા ચોકડીએ આવેલ છે. ટ્રાન્સપોર્ટની ટ્રકો અમૂલ ડેરીમાં કોન્ટ્રાક્ટ સીસ્ટમથી ફરે છે. ગત ૧૨ મેના રોજ આ ટ્રકો પૈકી કન્ટેનર નં. જીજે-૨૩, એક્સ-૯૫૩૯ની ઉપર છેલ્લા ચારેક માસથી ડ્રાઈવર તરીકે નોકરી કરતા ગુલામમોહસીન ગુલામનબી મોમીન (રહે. મોમીનવાડ, ખેડા)નાઓ કન્ટેનર લઈને ઉપરોક્ત ઓફિસે
આવેલા અને તેમની સાથે ચંદ્રકાંત જશભાઈ પટેલ (રહે. બી/૪૬, ઠક્કર રેસિડેન્સી, ંગંગોત્રી રેસિડેન્સી પાછળ, સોખડા, ખેડા, માતર)ના આવ્યા હતા.
ગુલામમોહસીને મેનેજરને જણાવેલ કે મારે આંખના મોતીયાનું ઓપરેશન કરાવવાનું છે જેથી મારી જગ્યાએ ચંદ્રકાંત જશભાઈ પટેલ ડ્રાઈવર તરીકે દસ દિવસ રહેશે તેવું જણાવતા મેનેજરે શેઠને જાણ કરી જરૂરી વિધિ કરી હતી.
ત્યારબાદ ઉપરોક્ત કન્ટેનરમાં મોગર બાલઅમુલમાંથી અમૂલ લોટની બોરીઓ ભરીને સુરત-પલસાણા અમૂલના ગોડાઉનમાં મોકલવાની હોય મેનેજરે તેમને બોરીની બીલ્ટી બનાવીને ચંદ્રકાંતભાઈને આપી હતી. જે ડિલિવરી કરી ગત ૧૮મી મેના રોજ ભરૂચની અમૂલ ડેરીના પ્લાન્ટમાંથી ઘીનો માલ ભરી અસલાલી સ્થિત આવેલા ગોડાઉનમાં મૂકવા જવા ઉપરોક્ત કન્ટેનરમાં ચંદ્રકાંતભાઈ રવાના થયા હતા.
કન્ટેનરમાં ૧ લીટર ઘીના ૩૯૨ બોક્સ જેમાં એક બોક્સમાં ૧૨ નંગ લેખે ૪૭૦૪ ટીન, ૫૦૦ મીલીના ઘીના ૧૦૦૦ બોક્સ જે એક બોક્સમાં ૨૦ નંગ લેખે ૨૦,૦૦૦ પાઉચ તેમજ ૫ લીટર ઘીના ડબ્બાના ૨૫૫ બોક્સ જે એક બોક્સમાં ૪ નંગ લેખે ૧૦૨૦ નંગ મળી કુલ બોક્સ નંગ ૧૬૪૭ હતા. દરમ્યાન બીજા દિવસે સવારે આ કન્ટેનર ચાલક ચંદ્રકાંતભાઈનો ફોન આવ્યો હતો અને મેનેજરને જણાવ્યું હતું કે આ કન્ટેનરમાં ચોરી થઈ છે.
મેનેજર તેમજ અન્ય લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકે જણાવ્યું હતું કે રાત્રિના આશરે સાડા અગિયાર એક વાગ્યાના સુમારે ખેડા આવીને ચોકડી પાસે સોમનાથ મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં આ કન્ટેનર મૂકીને ઘરે જતો રહ્યો હતો અને અત્યારે આવીને કન્ટેનર જોયેલ તો કન્ટેનરના પાછળના દરવાજાને મારેલ સીલ તૂટેલ હતું.
તપાસ કરતા આ કન્ટેનરમાંથી અજાણ્યા તસ્કરોએ ઘીના ૩૯૬ બોક્સની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેની કુલ કિંમત રૂા. ૨૦,૮૭,૮૧૨ની થવા જાય છે. આ બનાવ સંદર્ભ મેનેજર
જબીઉલ્લાહ અબ્દુલરજાક સૈયદે અજાણ્યા ચોર ઈસમ સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ
ધરી છે.