નડિયાદ : પાલૈયામાં શિક્ષકના બંધ મકાનમાંથી રૂા. ૬.૯૪ લાખના મુદ્દામાલની ચોરી
વિદ્યાર્થીઓની ફીના ૧.૯૨ લાખ, શિક્ષકના ૨ લાખ તેમજ સોના-ચાંદીના દાગીના ચોરાયા
નડિયાદના પાલૈયામાં રહેતા શિક્ષક પોતાના પરિવાર સાથે પોતાના વતન ગયા અને તસ્કરો ઘરમાં ત્રાટકી સોના-ચાંદીના દાગીના, રોકડ તેમજ ટીવી મળી કુલ ૬.૯૪ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા આ સંદર્ભ નડિયાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર નડિયાદ તાલુકાના પાલૈયા તાબે ગણેશપુરામાં રહેતા પન્નાલાલ ધર્મચંદ વ્યાસ નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે વિદ્યાર્થીઓની ડિપ્લોમા ફી પેટે આવેલા રૂા. ૧.૯૨ લાખ તેમજ પોતાના રૂા. ૨ લાખ અને સોના ચાંદીના દાગીના પોતાના મકાનના બેડરૂમની તિજોરીના લોકરમાં મૂક્યા હતા અને ગત ૨૧મેના રોજ પરિવાર સાથે પોતાના વતન રાજસ્થાન મુકામે ગયા હતા. આ સમયે તસ્કરોએ લાભ લઈ તેમના બંધ મકાનમાં ઘૂસ્યા હતા.
તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ તિજોરીના લોકરમાંથી રોકડા રૂા. ૩.૯૨ લાખ , સોના ચાંદીના દાગીના અને ટીવી મળી કુલ રૂા. ૬.૯૪ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભ શિક્ષક પન્નાલાલ વ્યાસે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે