ઇમરાન ખાન અને બુશરા બીબીને પાકિસ્તાન છોડવા પર પ્રતિબંધ, નો ફલાઇંગ લિસ્ટમાં નામ દાખલ
આ બંનેની સાથે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અન્ય ૮૦ સભ્યના નામ પણ નો-ફલાઇંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે
પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને બુશરા બીબી પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ બંનેની સાથે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અન્ય ૮૦ સભ્યના નામ પણ નો-ફલાઇંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ લોકો પર ૯ મેના રોજ ઇમરાન ખાનની ધરપકડ બાદ દેશમાં થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ છે.
ઇમરાન ખાને પાકિસ્તાનના અનેક પ્રાંતોમાં કલમ ૨૪૫ લાગુ કરવા માટે સરકાર વિરૂદ્ઘ અરજી દાખલ કરી છે અને તેને અઘોષિત માર્શલ લો ગણાવી છે. પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ ૨૪૫ અનુસાર, દેશની સુરક્ષામાં નાગરિક પ્રશાસનની મદદ માટે સેનાને બોલાવી શકાય છે. ઇમરાન ખાને પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન અને ઇસ્લામાબાદમાં કલમ ૨૪૫ના અમલીકરણને પડકારતી અરજી દાખલ કરી છે અને તેને અઘોષિત માર્શલ લો ગણાવ્યો છે.
પાકિસ્તાન તહરીક-એ -ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટીના વડાએ કહયું કે આર્મી એકટ, ૧૯૫૨ હેઠળ નાગરિકોની ધરપકડ, તપાસ અને ટ્રાયલ ગેરબંધારણીય, અમાન્ય છે અને તેની કોઇ કાનૂની અસર નથી. તેમણે કહયું કે આ બંધારણ, કાયદાના શાસન અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને નકારવા સમાન છે. ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે ખાને તેમની ધરપકડ બાદ ૯ મેના રોજ ફાટી નીકળેલી હિંસા તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવાનો આદેશ આપવા માટે સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે.
પીટીશનમાં વડાપ્રધાન શહેબાઝ શરીફ, પીએમએલ -એનના વડા નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ, પૂર્વ રાષ્ટ્રપતિ આસિફઅલી ઝરદારી, જેયુઆઇ-એફના વડા મૌલાના ફઝલુર રહેમાન અને અન્યને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. દરમિયાન, વડાપ્રધાન શેહબાઝ શરીફે કહયું છે કે ૯ મેના હુમલાખોરોએ પાકિસ્તાનના ગૌરવ પર હૂમલો કર્યો અને દેશના દુશ્મનોને ઉજવણી કરવાનો મોકો આપ્યો. 'હું ૯ મેની દુ:ખદ ઘટનાઓને માત્ર એક પ્રદર્શન તરીકે જોતો નથી જે હિંસક બની ગયો. તેમણે એક ટિવટમાં કહયું. આ કાવતરું ઘડનારા લોકો નાપાક ઇરાદા ધરાવતા હતા. શરમજનક ઘટનાઓ સ્પષ્ટ રીતે ગોઠવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્રએ જોયું છે કે કેવી રીતે સત્તા માટે થોડા લોકોની લાલસાએ તેઓને એવા કાર્યો કરવા મજબૂર કર્યા જે પહેલા કયારેય બન્યું ન હતું.