નડિયાદ : સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રમતવીરોને મેડલ અને પ્રમાણપત્ર એનાયત
સંસદ ભવનના લોકાર્પણનો બહિષ્કાર એ લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે : મુખ્યમંત્રી
નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહનો ૧૯ વિપક્ષી દળો દ્વારા બહિષ્કારનો નિર્ણય નિંદનીય હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહયું હતું કે, વિરોધ પક્ષોનું આ પગલું લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હૂમલો છે તા. ર૮ મે,ર૦ર૩ના રોજ સંસદ ભવનનું લોકાર્પણ નિશ્ચિત છે. લોકતંત્રમાં સંસદ પવિત્ર સંસ્થા અને લોકશાહીના હૃદયન ધબકારા સમાન છે. ભૂતકાળમાં વિપક્ષી દળોએ સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. દેશ હિતમાં આયોજીત જીએસટી વિશેષ સત્ર સહિત અનેક સત્રોનો વિપક્ષે બહિષ્કાર કર્યો છે.
નડિયાદમાં સ્પોર્ટસ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુદી જુદી સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચેલા ખેલાડીઓનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિવાદન કર્યુ હતું અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ સૌપ્રથમ વોલીબોલ મેચ માટેનો ટોસ ઉછાળીને તેમજ વોલીબોલ કોર્ટમાં બોલની પ્રથમ સર્વિસ કરીને રમતની શરુઆત કરાવી હતી. ઉપરાંત મહિલાઓની રસ્સાખેંચ ટીમને ફલેગ ઓફ કરાવીને ખેલની શરુઆત કરાવી હતી.
આ પ્રસંગે તેઓએ વિવિધ રમતોના ખેલાડીઓને રાજય સરકારની પ્રોત્સાહક સહાય મળી રહે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાનું જણાવીને કરાટે અને સ્કેટીંગના કુલ ૧ર રમતવીરોને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત ૧ મે,ર૦ર૩થી શરુ થયેલ સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખોખો જેવી રમતોમાં ૧૦ હજાર રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં વિવિધ રમતોમાં ૧પ૦ જેટલા યુવાનો ફાઇનલ સુધી પહોંચ્યા હતા. આજના કાર્યક્રમમાં સાંસદ અને કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લાના ધારાસભ્યો, કલેકટર, જિ.પં.પ્રમુખ સહિત પદાધિકારીઓ, મહાનુભાવો સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.