આણંદ જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સમાં કેમેરા લગાવવાની માંગ સાથે ફાર્માસિસ્ટ એસો.નું આવેદનપત્ર
જિલ્લાના ૭૦ ટકા કરતાં વધુ મેડીકલ ર્સ્ટોસમાં શિડયુલ એચ અને એકસ દવાઓનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યાનો આક્ષેપ
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ સહિત સદ્દસ્યોએ આજે જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીને આવેદનપત્ર આપી જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા લગાવવાની રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે મેડિકલ સ્ટોર્સમાં નશાના રાષ્ટ્રિય ઉપયોગમાં લેવામાં આવતી દવાનું વેચાણ અટકાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય બાળ અધિકાર કમિશન દ્વારા દરેક મેડિકલ સ્ટોર્સમા સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના આદેશ કરેલ છે. આણંદ જિલ્લાના મેડિકલ સ્ટોર્સમા એક માસની મુદતમાં સીસીટીવી કેમેરા લગાવવાનો ફેબ્રુઆરી માસમાં જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો. પરંતુ આણંદ જિલ્લામાં સિતેર ટકા કરતા વધુ મેડિકલ સ્ટોર્સ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ ૧૯૪૦ નું ઉલ્લંઘન કરી ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં જ શિડ્યુલ એચ અને એક્સ દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરાતું હોઈ સીસીટીવી કેમેરા લગાવતા નથી.
ફાર્માસિસ્ટનું માત્ર લાયસન્સ ભાડે લઈ ફાર્માસિસ્ટ વિના જ દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સના માલિકો ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદની રહેમ નજર હોઈ તેમજ ભષ્ટ્રાચાર ખુલ્લા ન પડે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રપ આણંદના અધિકારીઓ જિલ્લામાં સીસીટીવી કેમેરા લગાવવાના આદેશનો અમલ કરાવવા તસ્દી લેતા નથી. આથી સીસીટીવી લગાવેલ ન હોય તેવા મેડિકલ સ્ટોર્સને સીલ કરવા તથા સંચાલકો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની જવાબદારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને સોપવાની માગણી કરી હતી.
ગુજરાત ફાર્માસિસ્ટ એસો.ના પ્રમુખ રજનીકાન્ત ભારતીયે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં સિતેર ટકાથી વધારે મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના લાયસન્સ ઉપર ચાલે છે. ફાર્માસિસ્ટ અન્ય જગ્યાએ નોકરી કરતા હોય છે. જેની સામે આંખ આડા કાન કરવા માટે મેડિકલ સ્ટોર્સ ધારકો ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને દર દિવાળીએ પાંચથી દસ હજાર ચુકવતી હોય છે. નવા મેડિકલ સ્ટોર્સનું લાયસન્સ આપવા માટે પણ રૂ.વીસથી પચ્ચીસ હજાર લેવાતા હોય છે.