કનેવાલ તળાવમાં એક સપ્તાહ ચાલે તેટલું પાણી,દરરોજ ૧૦૦ મિલિયન લિટર પાણીનો વપરાશ
ખંભાત પાલિકા, તારાપુર તાલુકાના ૪પ તેમજ સૌરાષ્ટ્રના ૪૦થી વધુ ગામોને કનેવાલ તળાવમાંથી અપાતું પીવાનું પાણી
૧૫ જૂન બાદ ડાંગરના ધરૂવાડીયા માટે નહેરમાં પાણી છોડાય છે
ચોમાસાની ઋતુમાં રોપણીલાયક વરસાદ થાય એટલે ડાંગરની રોપણી કામ થઈ શકે તે માટે ખેડૂતોને ડાંગરનું ધરૂ નાખવા માટે પાણીની જરૂરિયાત ઊભી થાય છે. ખેડૂતોની માંગ મુજબ દર વર્ષ ૧૫ જૂન બાદ નહેરોમાં પાણી છોડવામાં આવે છે. આ પાણીથી ભાલ પંથકના ખેડૂતો ડાંગરનું ધરૂ નાખે છે.
ખંભાત પાલિકા વિસ્તાર, તારાપુર તાલુકાના ૪૫ ગામો અને સૌરાષ્ટ્રના ૪૦થી વધુ ગામોને પાણી પુરુ પાડતાં કનેવાલ તળાવમાં હાલમાં એક સપ્તાહ ચાલે તેટલુ જ પાણી બચ્યું છે. વરસાદ ખેચાય અને કડાણા ડેમમાંથી પાણીનો જથ્થો ઉપલબ્ધ ન થવાના સંજોગોમાં આગામી જૂન માસમાં પીવાના અને સિંચાઈ માટે આપવાના થતાં પાણીના જથ્થા ઉપર કાપ મૂકાશેની સંભાવના વ્યકત થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કનેવાલ તળાવમાંથી દરરોજ ૧૦૦ મિલિયન લિટર પાણીનો વપરાશ થાય છે.
તારાપુર તાલુકાના વલ્લી, ખાખસર, ઈસનપુર, રેલ અને વરસડા ગામને અડીને આવેલ કનેવાલ તળાવ તેના વિસ્તારને લઈને સૌરાષ્ટ્ર સુધી જાણીતું છે આ તળાવમાંથી તારાપુર તાલુકાના ૪૫ ગામો, ખંભાત શહેર અને સૌરાષ્ટ્રના ૪૦ થી વધુ ગામોને પીવાનું પાણી પુરુ પાડ્વામા આવે છે. તળાવમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૪૫ ફુટની છે. પરંતુ સલામતીને ધ્યાનમાં રાખી તળાવમાં ૪૩ ફુટ સુધી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કરાયેલ પાણી તારાપુર તાલુકાના ગામો, ખંભાત શહેર અને સૌરાષ્ટ્ર વિસ્તારના ગામોને પીવા માટે અપાય છે. તળાવમાં પાણીનો પૂરતો જથ્થો જળવાઈ રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા અવાર-નવાર નહેર મારફતે કડાણા ડેમનું પાણી ભરવામાં આવે છે. હાલમાં ઉનાળાની ઋતુમાં પાણીનો વપરાશ વધતા કનેવાળ તળાવની પાણીની સપાટી ઝડપથી ઘટી રહી છે. તળાવની હાલની સપાટી ૩૯.૨૦ ફુટે પહોંચી છે. આ પાણીનો જથ્થો લગભગ એક સપ્તાહ સુધી ચાલે તેટલો હોવાનું અનુમાન સિંચાઈ વિભાગ, તારાપુરનું છે.
સિંચાઈ વિભાગ તારાપુરના ભાવેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે ખંભાત શહેર તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને સૌરાષ્ટ્ર પંથકના ગામોમાં રોજનું ૧૦૦ મિલિયન લિટર પાણી આપવામાં આવે છે. પાણીની જાવક પ્રમાણે તળાવમાં હાલમાં સંગ્રહ કરાયેલ પાણીનો જથ્થો એક સપ્તાહ ચાલે તેટલો છે એટલે વરસાદ ખેંચાય તો તળાવને નહેર મારફતે ભરવાની ફરજ પડી શકે છે. કનેવાળ તળાવમાં કડાણા ડેમનું પાણી આવતુ હોઈ ડેમમાં પાણીના જથ્થાને ધ્યાનમાં રાખી આગામી તા. ૧૫ જૂનથી સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવું કે નહિ તેનો નિર્ણય ઉપલી કક્ષાએથી લેવાશે પરંતુ તળાવમાં પીવાના પાણીના જથ્થાની ઉપલબ્ધતાના આધારે પીવાના પાણીના જથ્થામાં વધ-ઘટ થઈ શકે છે.