મહેમદાવાદ : વરસોલા પાસે દારૂ લઈ જતી કારે પોલીસની ખાનગી કારને ટક્કર મારતાં બે પોલીસ જવાનો ઘાયલ
ટક્કર માર્યા બાદ કાર રોડની સાઈડમાં ઉતરીને ઝાડ સાથે ભટકાઈ : ચાલક સહિત અંદર સવાર શખ્સો ફરાર, કારમાંથી વિદેશી દારૂના ૪ ક્વાર્ટરીયા મળ્યા
નડિયાદ ગ્રામ્ય પોલીસે ગઈકાલે કમળા ચોકડીથી એક કારનો પીછો કરીને મહેમદાવાદના વરસોલા ખાતે આંતરી હતી, દરમ્યાન પોલીસની ખાનગી કારને ટક્કર મારતાં કાર પલ્ટી મારી ગઈ હતી જેમાં સવાર બે પોલીસ કર્મીઓને વત્તાઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. ટક્કર માર્યા બાદ કાર ઝાડ સાથે ભટકાઈ હતી. એ સાથે જ કારનો ચાલક અને અંદર સવાર શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. કારમાંથી વિદેશી દારૃની ૪ બોટલો મળી આવતા જપ્ત કરીને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતાં એલ.આર.પો.કો પ્રશાંત ચાવડા, જૈનિલભાઈ તથા પ્રહલાદસિંહ સહિતની ટીમ ગતરોજ રાત્રીના સમયે ખાનગી વાહનમા કમળા ચોકડી ખાતે પેટ્રોલીંગમાં હતાં. આ દરમિયાન નડિયાદ તરફથી આવતી એક કાર નં ય્ત્ન-૦૧, ઇઉ-૩૩૯૬ને શંકાને આધારે અટકાવી આ કારના ચાલકની પુછપરછ હાથ ધરી હતી. દરમ્યાન ચાલકે એકદમ જ તેની ગાડી પુરપાટ ઝડપે મહેમદાવાદ તરફના માર્ગે ભગાડી મુકી હતી. જેથી પોલીસે ખાનગી વાહન મારફતે આ કારનો પીછો કર્યો હતો અને મહેમદાવાદના વરસોલા ચોકડી નજીક ઓવરટેક કરી, તે ગાડીને આડશ કરી રોકવાનો પ્રયત્ન કરાયો હતો. ગાડીના ચાલકે પોલીસની ખાનગી ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેથી પોલીસની ખાનગી ગાડી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી તેમાં સવાર પોલીસ કર્મી પ્રશાંત ચાવડા અને જૈનિલભાઈને શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. ટક્કર માર્યા બાદ ગાડી રોડની સાઈડમાં ઉતરી ઝાડ સાથે ભટકાઈ હતી. જોકે અકસ્માત કરનાર ચાલક અને અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વરસોલા ગામના સરપંચ સહિત કેટલાક સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. જે બાદ બંને પોલીસ કર્મીઓએ ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત કરનાર કારની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૃના ચાર ક્વાર્ટરીયા મળી આવ્યાં હતાં. મહેમદાવાદ પોલીસે આ કાર ચાલક સામે ગુનો નોંધી તેના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.