ખેડા : કાપડના વેપારી પાસેથી ગઠિયાઓએ યુ ટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈબના બહાના હેઠળ ૧.૫૨ લાખ પડાવ્યા
ખેડામાં વેપારીને ગઠિયાએ યુ ટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈબના બહાના હેઠળ જુદા-જુદા ટાસ્ક ધરી ૧.૫૨ લાખ પડાવી લઈને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતા આ અંગે ખેડા શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ખેડા શહેરમાં મોમીનવાડા વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષિય યાસીનભાઈ સીરાજભાઈ વ્હોરા ખેડા બજારમાં કાપડની દુકાન ધરાવે છે. ગત ૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી તેમના નામજોગ એક મેસેજ આવ્યો હતો. જેનો બીજા દિવસે યાસીનભાઈએ વો્ટસએપ મારફતે જવાબ આપ્યો હતો. આથી સામેવાળી વ્યક્તિએ વોટ્સએપ મારફતે જણાવ્યું હતું કે હું ચાર્વી એચ.આર. ડિપાર્ટમેન્ટ ઓફ વાઈટ રીવર્સ મીડિયા એજન્સી મુંબઈથી બોલું છું તેમ કહી ટેલીગ્રામ ઉપર યુ ટ્યૂબ ચેનલોની લીંક મોકલી આ લિંક જો સબસ્ક્રાઈબ કરો તો તમને નાણાં મળશે તેવી વાત કરી હતી. આથી યાસીનભાઈએ સબસ્ક્રાઈબ કરતા ખરેખર નાણાં મળ્યા હતા. જેથી યાસીનભાઈને વિશ્વાસ આવતા સામેવાળા ગઠીયાએ અલગ અલગ ટાસ્ક આપી રૂપિયા ખંખેરવાનો પેતરો શરૂ કર્યો હતો. શરૂઆતમાં નાની નાની રકમમાં ૫૦૦ રૂપિયાનો ઉમેરો કરી પરત મોકલી આપતો પરંતુ આ બાદ મોટી-મોટી રકમો લેવાનું ગઠીયાએ શરૂ કર્યું હતું. યાસીનભાઈએ ટુકડે-ટુકડે રૂા. ૧,૫૨,૬૮૦ ઓનલાઈન આપી દીધા હતા અને જે નાણાં પરત ન આવતા અંતે યાસીનભાઈ વ્હોરાને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં આ મામલે આજે ખેડા ટાઉન પોલીસમાં ઉપરોક્ત અજાણ્યા મોબાઈલધારક સામે ફરિયાદ નોંધાવી હતી.