સરકારના નવ વર્ષ અંગે કોંગ્રેસના નવ સવાલ પર ભાજપનો વળતો પ્રહાર
કોંગ્રેસના ૯ સવાલ જુઠ્ઠાણાનું પોટલું, કોમનવેલ્થ-બોફોર્સકાંડ કોના શાસનમાં?
૨-જી કૌભાંડ, કોમનવેલ્થ, આદર્શ, બોફોર્સ, અવકાશ, ચોપર કૌભાંડની કોંગ્રેસને યાદ અપાવતા ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ
કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતાઓએ શુક્રવારે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપને ૯ પ્રશ્નો પૂછયા છે. આ સાથે જ ભાજપે હવે કોંગ્રેસના સવાલો પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસને યુપીએ શાસનમાં થયેલા કૌભાંડોની યાદ અપાવી છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારના ૯ વર્ષ પૂરા થવા પર ૯ પ્રશ્નો પૂછયા છે, પરંતુ તે જુઠ્ઠાણાઓનું મોટું પોટલું છે. આ કોંગ્રેસની બેશરમીની પરાકાષ્ઠા છે. ટીકા કરો, પણ ટીકા કરીને દેશની અંદરનો સંકલ્પ નબળો ન કરો, એ બહુ મોટું અપમાન છે. આ તે લાખો સેવા કર્મચારીઓ, ડોકટરો, નર્સો, સફાઈ કામદારો, એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનું અપમાન છે, જેમણે કોવિડ સમયગાળા દરમિયાન દેશને બચાવવાનો પ્રયાસ કર્યો.
રવિશંકરે વધુમાં કહ્યું કે ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આજે ૧૬ હજાર કરોડ રૃપિયાની સંરક્ષણ નિકાસ થઈ રહી છે. મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટનો આંકડો ૧૦ બિલિયન ડોલર છે. ડીજીટલ ઈન્ડિયા હોય, ડીજીટલ પેમેન્ટ, જીએસટી, મોબાઈલ મેન્યુફેકચરીંગ, રોડ, એરપોર્ટ, ઈલેક્ટ્રિસીટી, ખેડૂતોની વાત, નેશનલ હાઈવેની વાત, સ્ટાર્ટઅપ ઈન્ડિયાની વાત, આજે ભારત વિકાસના દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. કોંગ્રેસને આ બધું દેખાતું નથી તો કોઈ શું કરી શકે.
કોંગ્રેસ ભ્રષ્ટાચાર પર સવાલો પૂછી રહી છે, કોના શાસનમાં ૨જી કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, આદર્શ કૌભાંડ, બોફોર્સ, અવકાશ કૌભાંડ, ચોપર કૌભાંડ જેવા ઘણા મોટા કૌભાંડો થયા હતા. કોંગ્રેસે પોતાના માટે ૪સીગ્રેડિંગ પસંદ કર્યું છે - કટ, કમિશન, કરપ્શન અને કોંગ્રેસ. આ કોંગ્રેસ છે.
કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રશ્નો પૂછી રહી છે, તે પણ ચીનના સંદર્ભમાં. કોંગ્રેસના મિત્રો સાંભળો - જે જમીન ભારતમાં ગઈ છે તે કોંગ્રેસની સરકારમાં જ ગઈ છે. આજે ભારતે ગલવાન અને ડોકલામમાં પોતાની વિશ્વસનીયતા બતાવી છે. આ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત છે, જેણે ૩૦૦ ચીની એપ્સને બ્લોક કરી છે. એ જ રીતે ઉરી હોય કે બાલાકોટ, તેણે ઘરમાં ઘુસીને માર્યા છે.