હાઈકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા છૂટાછેડાની અરજી ફગાવી
લાંબા સમય સુધી સેક્સનો ઈન્કાર માનસિક ક્રૂરતા: અલાહાબાદ હાઈકોર્ટ
પત્નીએ પતિ સાથે વૈવાહિક જવાબદારી નિભાવવાનો ઈન્કાર કર્યો હોવાની અલાહાબાદ હાઈકોર્ટની સ્પષ્ટતા
અલાહાબાદ હાઈકોર્ટે, ફેમિલી કોર્ટ દ્વારા છૂટાછેડાની અરજીને ફગાવી દેવા સામે એક વ્યક્તિની અપીલની સુનાવણી કરતી વખતે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે પૂરતા કારણ વિના લાંબા સમય સુધી જીવનસાથીને સેક્સનો ઇનકાર કરવો એ માનસિક ક્રૂરતા સમાન છે. હાઈકોર્ટે કહ્યું હતું કે રેકોર્ડ પરથી તે સ્પષ્ટ છે કે, લાંબા સમયથી પતિ અને પત્ની બંને અલગ રહેતા હતા અને પત્નીએ વૈવાહિક જવાબદારી નિભાવવાનો ઇન્કાર કર્યો હતો.
જસ્ટિસ સુનીત કુમાર અને જસ્ટિસ રાજેન્દ્ર કુમાર-ૈંફ ની બેન્ચે સેક્શન ૧૩ હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ હેઠળ તેની છૂટાછેડાની અરજી ફગાવી દેતા ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી છૂટાછેડાની અરજીને મંજૂરી આપી હતી.
આ કેસની વિગત મુજબ દંપતીએ ૧૯૭૯માં લગ્ન કર્યા હતા. પતિના જણાવ્યા અનુસાર, તેની પત્નીએ તેના વૈવાહિક જીવનની જવાબદારી પૂરી કરવાનો ઇન્કાર કર્યો હતો અને પછી તે તેના માતાપિતાના ઘરે જતી રહી હતી. પતિએ દાવો કર્યો કે તેણે તેને મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા. પરંતુ પત્નીએ પતિ સાથે કોઈ શારીરિક સંબંધ બાંધ્યો ન હતો.
જ્યારે પતિએ તેની પત્નીને તેના વૈવાહિક જીવનની જવાબદારી નિભાવવા અને વૈવાહિક બંધનને માન આપવા માટે વૈવાહિક ઘરે પાછા આવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે પાછા આવવાનો ઇન્કાર કર્યો હતો.
ત્યારબાદ, જુલાઈ ૧૯૯૪માં, ગામમાં એક પંચાયત સમક્ષ પત્નીને ભરણપોષણની રકમ ચૂકવ્યા બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા. બાદમાં પત્નીએ બીજા લગ્ન કરી લીધા હતા.
પતિએ માનસિક ક્રૂરતા અને ત્યાગના આધારે છૂટાછેડા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, ટ્રાયલ કોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડા આપવાનો ઇન્કાર કર્યો હતો. વ્યથિત થઈને પતિએ ફેમિલી કોર્ટના આદેશ સામે અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી.
ન્યાયાધીશ સુનીત કુમાર અને રાજેન્દ્ર કુમારની બેન્ચે ગુરુવારે પતિને છૂટાછેડાનો હુકમ આપતાં કહ્યું હતું કે, "નિઃશંકપણે, પૂરતા કારણ વિના, લાંબા સમય સુધી જીવનસાથીને તેમના પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી ન આપવી એ માનસિક ક્રૂરતા સમાન છે.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે રેકોર્ડ પરથી તે સ્પષ્ટ છે કે લાંબા સમય સુધી પતિ-પત્ની અલગ રહેતા હતા, અને પતિના જણાવ્યા મુજબ, પત્નીને વૈવાહિક બંધન માટે કોઇ માન નહોતું. તેણે તેની વૈવાહિક જવાબદારી નિભાવવાનો ઇન્કાર કર્યો હતો. આમ તેમના લગ્નજીવનમાં સંપૂર્ણપણે ભંગાણ થયું હતું.
જેને લગ્નસંબંધમાં રહેવું જ ના હોય તેને ફરજ પાડી શકાય નહી, એમ જણાવતા અલાહાબાદ હાઇ કોર્ટે પતિની છૂટાછેડાની અરજી મંજૂર રાખી હતી.