શિક્ષણ વિભાગે જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર મુજબ
સ.પ.યુનિ.માં ર૧ જૂનથી નવું સત્ર શરુ થવાના અણસાર નહીં
હજી સુધી ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું નથી : ફાઇનલ રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓને અંદાજે ૧૦ દિવસનો સમય આપવા સહિતની પ્રકિયા સમયસર ન જળવાયની સ્થિતિ
એકેડેમિક કેલેન્ડરમાં વાર્ષિક પરીક્ષા લેવા અંગે સ્પષ્ટતા નથી
યુનિ. સૂત્રોનુસાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડરમાં કોલેજોએ વાર્ષિક પરીક્ષા કયારથી લેવી તે અંગે કોઇપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોલેજોની આંતરિક પરીક્ષા, પ્રોજેકટ વર્ક ૩૦ એપ્રિલ સુધીમાં પૂરા કરવાની સૂચના આપવામાં આવી છે. જો કે ૩૦ એપ્રિલ સુધીમાં કોલેજો ઇન્ટરનલ પરીક્ષા પૂરી કરે તો વાર્ષિક પરીક્ષા મે માસમાં એટલે કે ઉનાળુ વેકેશનમાં જ લેવાની સ્થિતિ ઉભી થાય તેમ છે.
ગત અઠવાડિયે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ગતરોજ ધો.૧૦નું પરિણામ જાહેર કરાયું છે. જો કે વર્ષોથી ધો.૧ર વિ.પ્ર. અને સા.પ્રવાહનું પરિણામ સાથે કે એક બાદ એક જાહેર કરાતા હોય છે. પરંતુ હજી સુધી ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું નથી. ત્યાં રાજય શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી માટે વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં યુજી અને પીજીમાં શૈક્ષણિક સત્ર ર૧ જૂનથી શરુ કરવાની સૂચના આપવામાં આવી છે. જો કે, આ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે વિદ્યાનગર સ્થિત સ.પ.યુનિ.માં પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ થાય તેમ નથી. યુનિ. સૂત્રોનુસાર ધો.૧ર સા.પ્રવાહનું પરિણામ આવ્યા બાદ આશરે ૧પ દિવસ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ, કોલેજ પસંદગી સહિતની બાબતોમાં પસાર થતો હોય છે. ત્યારબાદની પ્રક્રિયામાં સ્હેજેય ૧પ દિવસનો સમય આપવો પડે. જેથી ર૧ જૂન અગાઉ આ પ્રકિયા પૂર્ણ કરવી લગભગ શકય નથી. રાજય શિક્ષણ વિભાગે વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેલેન્ડર બનાવવાની જરુર હતી.
વધુમાં યુનિ. સૂત્રોનુસાર શિક્ષણ વિભાગે જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં સેમેસ્ટર ૩,પ અને પીજી સેમેસ્ટર ૩ માટે ૧પ જૂનથી, યુજી,પીજીમાં નવા પ્રવશે લેનારા વિદ્યાર્થીઓ માટે ર૧ જૂનથી પ્રથમ સત્ર શરૂ કરવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે હજી સુધી ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું નથી. પરિણામ આવ્યા બાદ ફાઇનલ રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓને અંદાજે ૧૦ દિવસનો સમય આપવો પડે તેમ છે.
આ ઉપરાંત પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ અને મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગનો સમય આપ્યા બાદ તેનું પરિણામ જાહેર કરવાની પ્રક્રિયામાં પાંચથી સાત દિવસનો સમય પસાર થાય છે. ફાઇનલ સીટ મેટ્રિકસ, ફાઇનલ મેરિટલીસ્ટ અને પ્રથમ રાઉન્ડમાં ચોઇસ માટે પાંચ દિવસનો સમય આપવામાં આવે અને એલોયમેન્ટ થાય ત્યાં સુધીમાં ર૧ જૂનની સમયમર્યાદા પૂરી થઇ જાય છે. આ સ્થિતિમાં ર૧ જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરુ થઇ શકે તેવી કોઇ શકયતા નથી.