નડિયાદ શ્રેયસ અન્ડરબ્રિજમાં ગટરના ગંદા પાણી ઉભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ
પાલિકાના વાંકે વધુ એક વખત પ્રજા મુશ્કેલીમાં
નડિયાદ શ્રેયસ અન્ડરબ્રિજમાં આજે ગટરના ગંદા પાણી ઉભરાતા ગરનાળામાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અપ અને ડાઉન એમ બન્ને ગરનાળામાં ગટરના ગંદા પાણી ફરી વળતાં વાહન વ્યવહાર એક ગરનાળામાં રાખવામાં આવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
નડિયાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનો શ્રેયસ અન્ડરબ્રિજમાં આજે ગટરના ગંદા પાણી ઉભરાયા હતાં. સવારથી આ ગટરના ગંદા પાણી ઉભરાતા ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો. તો વળી અહીંયા આવેલા અપ અને ડાઉનના બે અન્ડરબ્રિજ પૈકી પશ્ચિમ છેડેથી પૂર્વ તરફ આવવાના અન્ડરબ્રિજમા ગટરનું ગંદુ પાણી એટલી હદે ઉભરાયું કે વાહન વ્યવહાર અહીંયા બંધ થયો હતો. જયારે પૂર્વથી પશ્ચિમ તરફના અંડરબ્રિજ પર અપ અને ડાઉન વાહન વ્યવહાર થતાં અહીયા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ના છુટકે વાહન ચાલકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. એક તરફનો વાહન વ્યવહાર બંધ થતા ગરનાળામાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને અહીંયાથી પસાર થતાં મહિલા વાહન ચાલકોને આ ગટરના ગંદા પાણીના છાંટાથી કપડા પણ બગડ્યા હતાં. શુક્રવારે લાઈટો ન હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હતું.