ઉમરેઠમાં પ્રિ-મોનસુન કામગીરી વિસરાઈ! ચોમાસામાં મુશ્કેલી સર્જાવાની સ્થાનિકોમાં ભીંતિ
ઉમરેઠમાં વરસાદી પાણીના નિકાલ કાંસમાં ઝાંડી ઝાંખરા અને કાદવ છવાયો છે. નિકાસ કાંસ પુરાઈ જવાની સ્થિતિમાં વરસાદી પાણીનો નિકાલ ના થઈ શકે તો ચોમાસામાં નગરમાં પાણી ભરાઈ જવાની સ્થિતિમાં નગરજનોને મુશ્કેલીમાં મુકાઈ જવાની સ્થિતિ ઉદ્ભવવાની ભીંતિ નગરજનો અનુભવી રહ્યા છે.
જૂન મહિનામાં સંભવિત વરસાદને પગલે ગુજરાતભરની નગરપાલિકાઓ દ્વારા પ્રિ. મોનસુન કામગીરી અંતર્ગત નગરની ગટરો અને પાણીના નિકાસ કાંસની સફાઈ કરવામાં આવે છે. ૧૫મી જૂન બાદ સંભવિત ચોમાસું બેસી જતુ હોય છે ત્યારે ઉમરેઠ નગરપાલિક દ્વારા હજુ પ્રિ. મોનસુન કામગીરી શરૂ કરી નથી. ઉમરેઠના માર્કેટ યાર્ડ વિસ્તારથી મામલતદાર કચેરી તરફ જતો કાંસ તેમજ ઓડ ચોકડી પાસે ખાણી પીણીની લારીઓ પાસેનો કાંસ ઉપરાંત ખારવાવાડી સહિતના કેટલાક વિસ્તારમાં કાંસ કચરા અને વનસ્પતિથી લથબથ થઈ ગયા છે. પાલિકા તંત્ર આ કાંસની સાફ સફાઈ કરાવવાનું ચુકશે તો ચોમાસામાં ઉમરેઠમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાશે તેમ સ્થાનિકો ભય વ્યક્ત કરી રહ્યા છે. ઉમરેઠ પંથકમાં પ્રિ. મોનસુન કામગીરી માત્ર કાગળ પર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. પાલિકા સહિત હાઈવે ઉપર આવેલા કાંસ પણ લાગતા વળગતા તંત્ર દ્વારા સત્વરે સાફ કરવામાં આવે તેવી લોક માંગ પ્રવર્તમાન બની છે.