Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
નારાયણચરણદાસજી સ્વામી સહિત અન્યો સામે સીધા આક્ષેપ
મોગર : વ્રજભૂમિ ફાઉન્ડેશનના સ્થાપક-NRI દાતાને જ સ્કૂલમાં 'નો-એન્ટ્રી'
દાતા દંપતિ પૈકીના મીનાક્ષીબેન પ્રમુખ ટ્રસ્ટી અને તેમના પતિ ડો.આસિતભાઇ કાયમી ટ્રસ્ટી હોવા છતાં કેમ્પસમાં પ્રવેશતા અટકાવાયા હતા : વર્ષ ર૦૦રમાં દાતાએ ૩ એકર-૩૧ ગુંઠા જમીન ખરીદી વ્રજભૂમિ ફાઉન્ડેશનની રચના કરી હતી અને વિદેશમાંથી ૫ લાખ ડોલરનું દાન ફાઉન્ડેશનમાં મોકલ્યું હતંં : દાતા દંપતિ ગુજરાતના ૩૬થી વધુ ટ્રસ્ટો સાથે જોડાયેલા છે અને અમેરિકામાં ડોકટર એસો.ના પ્રમુખ છે
27/05/2023 00:05 AM Send-Mail
વ્રજભૂમિ ફાઉન્ડેશનના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે અંદાજે ર.પ૦ કરોડનું દાન મોકલ્યું હતું , જેના તમામ પુરાવા અમારી પાસે છે : ડો.અસિતભાઇ વિજાપુરા : અમે નિમણૂંક ન કરી હોવા છતાં પેટકોનના અરવિંદભાઇ પટેલનું ઠરાવમાં ગેરકાયદેસર રીતે નામ જોડીને ટ્રસ્ટી તરીકે નિમણૂંક અપાઇ છે
સમગ્ર વિવાદ મામલે દાતા ડો.અસિતભાઇએ જણાવ્યું હતું કે, મોગર પાસે જમીન ખરીદ્યા બાદ વિદેશમાંથી જે તે સમયે અંદાજે ૫ લાખ ડોલર (તે સમયના ૨.૫૦ કરોડ) રૂપિયા જેટલું દાન ઉઘરાવીને વ્રજભુમિ ફાઉન્ડેશનમાં મોકલી આપ્યું હતુ. જે અંગેના તમામ પુરાવાઓ અમારી પાસે ઉપલબ્ધ છે.આ દાન થકી જ સમગ્ર સ્કૂલ અને હોસ્ટેલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ધો.૧ થી ૧૦ની અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સ્વામી નારાયણચરણદાસજીએ સમગ્ર ટ્રસ્ટ ઉપર કબ્જો જમાવી દઈને એકહથ્થુ શાસન ઉભું કર્યુ હતું. કોર્પોરેટ કક્ષાનો વહિવટ કરી રાજકોટ અને ગોંડલમાં પણ વ્રજભુમિના નામે સ્કુલો ઉભી કર્યા બાદ ગોંડલ સ્થિત સ્કૂલને કરોડો રૂપિયામાં વેચી પણ દીધી હતી. આમ, સેવાનો ઉદ્દેશ્ય બાજુ પર રહી જવા પામ્યો હતો શિક્ષણનું વેપારીકરણ થઈ જવા પામ્યું હોવાનું જણાવતા ડો.અસિતભાઇએ કહ્યું હતું કે, પેટકોનના અરવિંદભાઈ પટેલની ટ્રસ્ટી તરીકે કરાયેલી નિમણુંક પણ ગેરકાયદેર છે અને તેની અમને જાણ થયા બાદ વાંધા અરજીઓ આપતા ૨૦૧૨ થી ૨૦૨૨ સુધી આ કેસ ચેરીટી કમિશ્નરમાં ચાલ્યો હતો. આખરે અરવિંદભાઈનું નામ પીટીઆર પર ટ્રસ્ટી તરીકે આવી જવા પામ્યું છે. ખરેખર અમે અરવિંદભાઈની ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરી જ નથી, ઠરાવમાં ગેરકાયદેસર રીતે તેમનું નામ જોડીને ટ્રસ્ટી તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

એનઆરઆઇ દંપતિ દાન આપ્યાના પુરાવા આપે : સ્વામી નારાયણચરણદાસજી
વ્રજભુમિ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ટ્રસ્ટી અને હાલમાં તમામ કાર્યભાર સંભાળતા સ્વામી નારાયણચરણદાસજીએ સમગ્ર વિવાદ અંગે જણાવ્યું હતુ કે, જો દાતા દંપતિએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે તો તેના પુરાવા રજુ કરે, દાન આપ્યાની માત્ર વાતો જ છે. ટ્રસ્ટીઓ અંગે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કોઈ સત્યતા નથી. વધુમાં કહયું હતું કે, અરવિંદભાઈ પટેલની ટ્રસ્ટી તરીકે નિમણુંક કરતો ઠરાવ થયો હતો,ત્યારબાદ જ તેમની નિમણુંક થઈ છે અને ચેરીટી કમિશ્નેરે પણ પીટીઆર ઉપર નામ દાખલ કર્યુ છે એટલે તેમની નિમણુંક ગેરકાયદેસર ન ગણી શકાય. વળી એક વર્ષ બાદ સમગ્ર ઘટનાની પાવર ઓફ એટર્ની દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. જ્યારે બનાવ બન્યો ત્યારે શું પાવર ઓફ એટર્ની હોલ્ડર જગ્યા ઉપર હાજર હતા ? આથી શું ઘટના બની તે કેવી રીતે કહી શકે ? એટલે સમગ્ર ફરિયાદ પણ ખોટી રીતે દાખલ કરવામાં આવી હોવાનું વધુમાં તેમણે જણાવ્યું હતુ.

સેવાના હેતુ માટે ઊભી કરેલ વ્રજભૂમિ સ્કૂલ દ્વારા વર્ષ ૧૦થી ૧ર કરોડની ફી ઉઘરાવાતી હોવાનો આક્ષેપ
ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોને સારું શિક્ષણ આપવાના મૂળ હેતુ સાથે ઉભી કરાયેલ મોગરના વ્રજભુમિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્કૂલમાં ધો.૧ થી ૧૦ સુધી અંંગ્રેજી માધ્યમમાં ભણાવાય છે. જેમાં દર વર્ષે ૧૦થી ૧૨ કરોડ રૂપિયા જેટલી ફી ઉઘરાવવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સ્કૂલમાં ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારોને પ્રવેશ જ આપવામાં આવતો નથી. માત્રને માત્ર માલેતુજારોના પુત્ર-પૌત્રીઓને જ તગડી ફી લઈને પ્રવેશ અપાઈ રહ્યો હોવાનો મૂળ ફાઉન્ડર ટ્રસ્ટીઓ-દાતાઓ દ્વારા આક્ષેપ થઇ રહ્યો છે અને જાણવા મળ્યા મુજબ વિવાદનું મૂળ કારણ પણ આ જ છે.

આ મામલે નિવેદનો લેવા સહિતની તપાસ ચાલી રહી છે : વાસદ પીએસઆઇ
વ્રજભુમિ ફાઉન્ડેશનની રચનાના મુખ્ય દાતા એનઆરઆઈ દંપત્તિ મિનાક્ષીબેન અને તેમના પતિ આસિતભાઈ ઉપર કરાયેલા હુમલા સંદર્ભે એક વર્ષ બાદ પોલીસ ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે. પરંતુ હજી વાસ્તવિક ઝડપી કાર્યવાહીના બદલે તપાસના નામે ચલ્લકચલ્લાણું જ ચાલી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાસદના પીએસઆઈનો આ બાબતે સંપર્ક કરતા સમગ્ર વિવાદ ટ્રસ્ટીઓને લઈને ચાલી રહ્યો છે જે અંગે નિવેદનો લેવાની કાર્યવાહી ચાલી રહી છે. નિવેદનો લીધા બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

ધાર્મિક સંસ્થાઓના સંચાલનકર્તાઓ પર અન્ય કરતાં વધુ ભરોસો પ્રજાજનો કરતા હોય છે. અને તેમને જ ભગવાનના દૂત સ્વરુપે જોતા હોય છે. જેથી પોતાની પાસે અપાર સંપતિ છે પરંતુ સેવા કરવાનો સમયનો અભાવ હોય છે તેવા દાતાઓ ધાર્મિક સંસ્થાના સંચાલનકર્તાઓના ભરોસે પોતાની દાનની નાણાં કોથળીઓ છૂટી મૂકતા હોય છે. પરંતુ ત્યાં જ ભરોસો તૂટે કે મૂકેલ વિશ્વાસનું વ્હાણ ડૂબે ત્યારે છુટા હાથે દાન કરનાર દાતાઓની મુઠ્ઠી આપોઆપ બંધ થઇ જાય છે. જેની અસર દાતા સાથે જોડાયેલા અન્યો પરિવારોમાં પણ પડતી હોય છે. વધુમાં જો દાતા એનઆરઆઇ હોય અને તેની સામે સામા પક્ષ દ્વારા પોતાના પાવરનો ઉપયોગ કરીને ખોટી ફરિયાદ દાખલ કરે ત્યારે કેવી પરિસ્થિતિ નીપજે તેનો અંદાજ કળવો પણ મુશ્કેલ બની જાય છે.

આવો જ કિસ્સો આણંદ નજીક આવેલ મોગરની વ્રજભૂમિ ફાઉન્ડેશનનો બનવા પામ્યો છે. અમેરિકાના મૂળ એનઆરઆઇ દંપતિએ કરોડો ખર્ચીને જમીન સહિત ફાઉન્ડેશન-ટ્રસ્ટનું નિર્માણ ગરીબ-મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓને સારું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા કરાયું હતું. પરંતુ સમય જતા ટ્રસ્ટનો વહીવટ અન્યોએ પોતાને હસ્તગત લઇને એનઆરઆઇ દંપતિને એકાદ વર્ષ અગાઉ કેમ્પસમાં પ્રવેશતા અટકાવીને, તેમના પર હૂમલો કરીને તેમના વિરુદ્વ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ વિદેશ પરત ચાલી ગયેલ દંપતિએ તાજેતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સામા પક્ષે ગૂનો દાખલ કરીને તપાસનો દૌર આરંભતા આ વિવાદની ચર્ચાઓએ પુન: જોર પકડયું છે.

આ ચર્ચિત બનાવની મળતી માહિતી અનુસાર મૂળ ગોંડલના પરંતુ હાલ વિદેશમાં સ્થાયી થયેલા મીનાક્ષીબેન વિજાપરા વર્ષોથી રાજયમાં વિવિધ સ્થળોએ ચાલતા ૩૬થી વધુ ટ્રસ્ટો સાથે જોડાયેલા છે. જેઓ સમાજસેવા માટે આ ટ્રસ્ટોને વર્ષ કરોડો રુપિયાનું દાન આપી-અપાવી રહ્યા છે. જયારે તેમના પતિ ડો.આસિતભાઇ ફલોરિડામાં સાયક્રીયાટીસ્ટ ડોકટર છે અને ડોકટર એસો.ના પ્રમુખ છે. તેઓના પુત્ર અને પુત્રવધુ પણ તબીબ છે. જો કે બે-ત્રણ વર્ષ માદરે વતન આવનાર મીનાક્ષીબેન નિયત ટ્રસ્ટોની મુલાકાત લઇને તેઓને સમાજ, શિક્ષણ સહિતની સેવામાં મદદરુપ કરવા દાન આપતા હોય છે. આ પરંપરામાં વર્ષ ર૦૦રમાં તેઓ જૂનાગઢ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરી હતી. તે સમયે મંદિરમાં કાર્યરત શાસ્ત્રી નારાયણદાસજી ગુરુ સ્વામી શાસ્ત્રી દેવચરણદાસજીએ એક ટ્રસ્ટની રચના કરીને શિક્ષણક્ષેત્રે સેવારત બનવાની વાત કરી હતી. જેથી મીનાક્ષીબેન અને તેમના પતિએ આણંદ નજીકના મોગર ગામે નેશનલ હાઇવેને અડીને આવેલ અંદાજે ૩ એકર અને ૩૧ ગુંઠા જેટલી જમીન ખરીદી હતી અને વ્રજભૂમિ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી હતી. આ ટ્રસ્ટમાં પ્રમુખ ટ્રસ્ટી તરીકે મીનાક્ષીબેન વિજાપુરા, ઉપપ્રમુખ ટ્રસ્ટી તરીકે શાસ્ત્રી નારાયણચરણદાસજી અને કાયમી ટ્રસ્ટી તરીકે ડો.આસિતભાઇ વિજાપુરાની વરણી કરવામાં આવી છે. જો કે તે સમયે ટ્રસ્ટના બંધારણમાં આજીવન ટ્રસ્ટીઓની સંમતિથી નવા ત્રણ અને વધુમાં વધુ સાત ટ્રસ્ટીઓની વરણી કરી શકાશે તેમ નકકી કરાયું હતું. ત્યારબાદ આ સ્થળે સ્કૂલ બાંધવાનું આયોજન કરીને તેના બાંધકામનો કોન્ટ્રાકટ અરવિંદભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (પેટકોન બિલ્ડર)ને અપાયો હતો. બીજી તરફ મીનાક્ષીબેને વિદેશોમાં કાર્યક્રમો યોજીને સ્કૂલ માટે લાખો રુપિયાનું દાન એકત્ર કરીને વ્રજભૂમિ ફાઉન્ડેશનમાં મોકલી આપ્યું હોવાનું કહેવાય છે. ત્યારબાદ સ્કૂલનુ બાંધકામ પૂર્ણ થતા ધો.૧થી ૧૦ સુધીની સીબીએસઇની અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવી હતી. જો કે પંથકના ગરીબ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય તે હેતુસર સ્કૂલ શરુ કરવામાં આવી હતી. પરંતુ સ્કૂલનો વહીવટ કરતા શાસ્ત્રી નારાયણચરણદાસજી દ્વારા તગડી ફી વસૂલ કરવામાં આવતી હોવાનું અને ધનવાનના સંતાનોને જ એડમીશન અપાતું હોવાનો મિનાક્ષીબેને આક્ષેપ કર્યો હતો. દરમ્યાન વર્ષ ર૦૦૩માં પ્રમુખ ટ્રસ્ટી મીનાક્ષીબેને લંડન સ્થાયી થયેલા કેસરાભાઇ કલ્યાણભાઇ પટેલની ટ્રસ્ટી તરીકે વરણી કરી હતી. પરંતુ ચર્ચાનુસાર આ ઠરાવમાં પાછળથી ટ્રસ્ટી તરીકે અરવિંદભાઇ પટેલનું નામ પણ જોડવામાં આવતા આ વિવાદ ગત વર્ષ ર૦રર સુધી ચાલ્યો હતો. ત્યારબાદ તા. ૩ જૂન,ર૦રરના રોજ આણંદ ચેરીટી કમિશ્નરે બન્ને ટ્રસ્ટીઓના નામ પીટીઆર ઉપર ચઢાવવાનો હૂકમ કર્યો હતો. દરમ્યાન મીનાક્ષીબેન અને તેમના પતિ ડો.આસિતભાઇના જણાવ્યાનુસાર તેમની જાણ બહાર વ્રજભૂમિ ફાઉન્ડેશનનો વહીવટ કરતા શાસ્ત્રી નારાયણચરણદાસજીએ વર્ષ ર૦૦૭માં વ્રજભૂમિ આશ્રમના નામે નવું ટ્રસ્ટ રચીને તમામ નાણાંકીય વ્યવહાર આ ટ્રસ્ટના નામે કરી દીધો હતો. જેમાં ટ્રસ્ટની કોઇ સ્થાવર મિલ્કત ન હોવા છતાં ટ્રસ્ટી તરીકે શાસ્ત્રી નારાયણચરણદાસજી (પ્રમુખ), મંગલસ્વરૂપસ્વામી, અશ્વિન બજાણીયા, શિવરાજ વાળા અને કનુભાઇ પડશાળાની વરણી કરી દેવામાં આવી હતી. અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટો ખોલાવીને નાણાંની હેરેફર પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ તમામ બાબતો અંગે જાણકારી મળતાં જ દાતા દંપતિ વર્ષ ર૦૧૧માં ભારત આવ્યું હતું. વતન આવ્યા બાદ મોગર સ્થિત વ્રજભૂમિ ફાઉન્ડેશનની મુલાકાતે પહોંચેલા મીનાક્ષીબેન અને તેમના પતિને અંદર જતા અટકાવાયા હતા. પોતે આપેલ દાનથી ઉભા કરાયેલા સંકુલમાં પોતાને જ પ્રવેશતા અટકાવવાની ઘટનાથી મીનાક્ષીબેનને આઘાત પહોંચ્યો હતો. દરમ્યાન મીનાક્ષીબેને પોતાને મળેલી સત્તાની રૂએ ત્રણ ટ્રસ્ટીઓની કરેલ નિમણૂંક સહિતના ઠરાવો લઇને ગત તા. ર૩ મે,ર૦રરના રોજ વ્રજભૂમિ કેમ્પસમાં પહોંચતા અશ્વિન બજાણીયા, શિવરાજ વાળા, ડોડિયા નામના વ્યકિત સહિતના કેટલાકે હૂમલો કર્યો હતો. જેમાં ઝપાઝપી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે આ બનાવ અંગેે શાસ્ત્રી નારાયણચરણદાસજી દ્વારા મિનાક્ષીબેન સહિત અન્યો વિરૂદ્ઘ જે તે સમયે જ ફરિયાદ આપવામાં આવી હતી .જેને લઈને પોલીસે ગુનો પણ દાખલ કરી દીધો હતો. જો કે મિનાક્ષીબેને આગોતરા જામીન લઈને વાસદ પોલીસ મથકે હાજર થયા હતા. ત્યારબાદ તેમણે કોર્ટ કચેરીના કામકાજ માટે મોરબી જીલ્લાના જેતપર ગામે રહેતા કલ્પેશભાઈ ધરમશીભાઈ પંચાસરાને પાવર ઓફ એટર્ની આપતા તેમણે ગત ૧૬ મે,૨૩ના રોજ વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આમ, શૈક્ષણિક ઉદ્દેશ્ય માટે રચાયેલા વ્રજભુમિ ફાઉન્ડેશનના હજી પણ પીટીઆર ઉપર પ્રમુખટ્રસ્ટી તરીકે જ ચાલતા મિનાક્ષીબેન અને તેમના પતિ સાથે કરાયેલ ગેરવર્તણૂંકનો મામલો એનઆરઆઇ દાતાઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

બોરસદ શહેરમાં ધોળા દિવસે માત્ર ૩૦ જ મિનિટમાં ઈકો કાર સાથે રૂા.૪૦ હજારની રોકડની ચોરી

આણંદના શાસ્ત્રી બાગ પાસે વિદ્યાર્થીઓના ઝઘડામાં લારીવાળાઓએ વઘાસીના યુવાનને માર મારતાં ફરિયાદ

લાંભવેલમાં રીક્ષા બોલાવવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારીમાં બેને ઈજા

તારાપુર : સુપરટેક એગ્રો ગ્રેન્સ પ્રા.લિ.એ લોન નહીં ભરીને ૧૧.પ કરોડની ઠગાઇ કર્યાની ગાંધીનગર સીબીઆઇમાં ફરિયાદ

ચિખોદરાના કટારિયા શો-રૂમમાંથી ૧૨.૯૩ લાખની થયેલી ચોરીમાં બે ભાઈઓ દાહોદથી ઝડપાયા

વાસદ પાસેથી વિદેશી દારૂની ૧૫૬ બોટલો ભરેલી ટેમ્પી સાથે ચાલક ઝડપાયો

કરમસદના શખ્સની પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે અટલાદરાની મહિલા સાથે રૂા.૮૦ હજારની છેતરપિંડી

આણંદ અને તાપી જિલ્લાના લૂંટ, ઘરફોડ ચોરીના ૯ ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો