આણંદની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ ગુજારનાર વિધર્મી શખ્સની ધરપકડ
પોલીસે રાત્રે છાપો મારતાં સાહિલ વ્હોરા નશો કરેલી હાલતમાં મળી આવ્યો : વોટ્સએપ ચેટીંગના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતીને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારાયું
આણંદ ખાતે રહેતી એક યુવતીને અઢી વર્ષ પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવીને વોટ્સએપ ચેટીંગના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને તેણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવકની શહેર પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી એક દુકાનમાં નોકરી કરતી ૨૫ વર્ષીય પરિણીતાને ટાઈટન શો રૂમમાં નોકરી કરતા સાહિલ રફીકભાઈ વ્હોરા (રે. સલાટીયા રોડ, આશાનગર)સાથે પરિચય થતા મિત્રતા થઈ હતી. જેથી સાહિલે પરિણીતાનો મોબાઈલ નંબર મેળવીને મોબાઈલ ફોનથી ટેલિફોનીક વાતચીત તથા વોટ્સએપ પર ચેટીંગ કરવાનું શરૂ કરી દીધુ હતુ. પરિણીતા બસમાં અપડાઉન કરતી હોય સાહિલ દ્વારા તેણીનો વારેઘડીએ પીછો પણ કરવામાં આવતો હતો.
જેથી તેણીએ પીછો નહીં કરવા માટે જણાવતા તારાથી જે થાય તે કરી લેજે, તુ મને ગમે છે એટલે તને મેળવીને જ ઝંપીશ અને જો તુ કોઈને આ બાબતે જાણ કરીશ તો ચેટના ફોટા પાડીને વાયરલ કરી દઈશ. તેમજ તારા પતિને ખોટી વાતો કરીને તારુ જીવન બદતર કરી નાંખીશ તેવી ધમકી આપી હતી.
ધમકીને વશ થઈ ગયેલી પરિણીતાને ત્યારબાદ સાહિલ હોટલોમાં લઈ જતો હતો અને ત્યાં તેણીની ઉપર દુષ્કર્મ ગુજારતો હતો, જો આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની પણ ધમકીઓ આપતો હતો.
દરમ્યાન ગઈકાલે સાહિલે ફોન કરીને પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ભાંડો ફુટ્યો હતો અને પરિણીતાએ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.
પોલીસે zગુનો દાખલ કરીને સાહિલ વ્હોરાના સલાટીયા સ્થિત નિવાસસ્થાને છાપો મારતાં સાહિલ ઘરેથી જ પુષ્કળ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.
જેથી આ અંગે પણ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ
ધરી છે.