કપડવંજ : ‘મારવાડીઓનું કોઈ નામ લેશે તો જીવતા નહીં છોડીએ’ કહી ચાર યુવકોએ બેને મેથીપાક આપ્યો
કૂતરાઓને ભગાડવા મારેલા છુટા પથ્થરો ઘર પર પડતા ઠપકો આપવાની રીસમાં કરાયેલો હુમલો
કપડવંજ તિરુપતિ સોસાયટીના નાકે ગઈકાલે રાત્રિના સમયે ઠપકો આપવાની રીસ રાખી ચાર મારવાડી યુવકોએ બે સલાટ યુવકોને
લાકડાના ડંડાનો માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કપડવંજ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ
ધરી છે.
મળતી માહિતી મુજબ કપડવંજ નગરમાં તિરુપતિ સોસાયટીના નાકે રહેતા સુમિતભાઈ જીવણલાલ સલાટ (ઉં.વ.૧૯) ઘર આગળથી ગઈકાલે રાત્રિના સમયે ગોપાલપુરાનો ચૂચો મારવાડી અને રાહુલ મારવાડી એક્ટિવા પર જતા હતા. આ સમયે એક્ટિવા પાછળ કૂતરાએ ભસતા એક્ટિવા ઉભું રાખી બંનેએ કૂતરાઓને મારેલ છૂટા પથ્થર સુમિત સલાટના ઘર પર પડ્યા હતા. જેથી તેના પિતા જીવણભાઈએ તેમને છૂટા પથ્થરો નહીં મારવા જણાવતા ગુસ્સે ભરાયેલા ચૂચો મારવાડી અને રાહુલ મારવાડી જીવણભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને પછી ત્યાંથી ચાલ્યા ગયા હતા.
ત્યારપછી ગોપાલપુરામાં રહેતા ચૂચો મારવાડી, ભજો મારવાડી, રાહુલ મારવાડી અને રાકો મારવાડી હાથમાં લાકડાના ડંડા લઈ બે બાઈક પર સવાર થઈ ત્યાં પરત આવ્યા હતા અને સુમિત અને કાકાના દીકરા નરેશ રતિલાલ સાથે ગાળો બોલી તમે આ જગ્યાના દાદાઓ થઈ ગયા છો તમારા બાપનો રોડ છે ? તેમ કહી ઝઘડો કર્યો હતો અને હાથમાંના લાકડાના ડંડાનો માર મારી સુમિત અને કાકાના દીકરા નરેશને ઈજા પહોંચાડી હતી.
દરમ્યાન આજુબાજુના લોકો દોડી આવતા ચૂચો, ભજો, રાહુલે આજે તો તમે બચી ગયા છો પરંતુ ફરીથી અમારા મારવાડીઓનું કોઈ નામ લેશો તો તમોને જીવતા રહેવા દઈશું નહીં તેવી મારી નાંખવાની ધમકી આપી બાઈક પર ફરાર થઈ ગયા હતા.