ઝારોલા સીમમાંથી રૂા. ૫૭ હજારના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
વિદેશી દારૂની ૧૧૪ બોટલો મળી આવી: તારાપુરના નગીનભાઈ પાસેથી વિદેશી દારૂ લાવ્યાની મેહૂલ પરમારની કબૂલાત
ભાદરણ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે ઝારોલા ગામની સીમમાં આવેલા કાંસ પાસે છાપો મારીને એક શખ્સને વિદેશી દારૂની ૧૧૪ બોટલો સાથે ઝડપી પાડીને કુલ બે શખ્સો વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર પોલીસને ગઈકાલે રાત્રીના સુમારે માહિતી મળી હતી કે, રાસ ગામે રહેતા મેહુલ જયંતિભાઈ પરમારે ઝારોલા ગામની સીમમાં રાસ તરફ જવાના રોડ ઉપર આવેલા કાંસની ઝાંડી ઝાંખરામાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે.
જેથી પોલીસે છાપો મારતાં મેહુલ પોલીસને જોઈને ભાગ્યો હતો. જો કે પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને કાસમાં તપાસ કરતા અંદરથી મીણીયાની કોથડીઓ મળી આવી હતી. જેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૧૪ બોટલો મળી આવી હતી.જેની કિંમત ૫૭ હજાર રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે મેહુલની અટકાયત કરીને પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂનો જથ્થો બે દિવસ પહેલા તારાપુર ખાતે રહેતા નગીનભાઈ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી બન્ને વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.