આણંદ : હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર લીધાનું સાબિત થયું છે, કલેઇમના ર.પ૦ લાખ ચૂકવો- ગ્રાહક કોર્ટ
ફરિયાદીએ દસ્તાવેજી પુરાવા સહિતના બીલ મોકલવા છતાંયે વીમા કંપનીએ કલેઇમની રકમ ન ચૂકવતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ
આણંદના મહિલાને ત્રણ વર્ષ અગાઉ શારીરિક અસ્વસ્થતા જણાતા ખાનગી હોસ્પિટલમાં પરીક્ષણ કરાવ્યું હતું. જયાં તેઓને કોવિડ-૧૯ હોવાનું ડિટેકટ થતા હોસ્પિટલમાં ૯ દિવસ સુધી દાખલ રહીને સારવાર કરાવી હતી. જેનો ખર્ચ તેઓએ લીધેલ મેડીકલેઇમમાંથી મજરે મેળવવા વીમા કંપનીને જરુરી બીલો સહિતના દસ્તાવેજી પુરાવા મોકલી આપ્યા હતા. પરંતુ વીમા કંપનીએ કલેઇમની ચૂકવણી કરી નહતી. આથી આ મામલે ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નડિયાદમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે તમામ બાબતો, દલીલોને ધ્યાને લઇને ફરિયાદી કલેઇમની પૂરેપૂરી રકમ મેળવવા હકકદાર હોવાનું જણાવીને ફરિયાદીને ર.પ૦ લાખ ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.
મળતી વિગતોમાં આણંદ રહેતા અંકિતાબેન વી.પટેલે ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિ.ની નડિયાદ શાખામાંથી કોરોના રક્ષક વીમા પોલીસી લીધી હતી. રુ.ર.પ૦ લાખના કવરેજવાળી પોલીસીની શરતો મુજબ કોવિડ ડીટેકટના કેસમાં સારવાર ખર્ચ ર.પ૦ લાખથી ઓછો કે વધારે થાય તો પણ વીમેદારને રૂ.ર.પ૦ લાખની ફીકસ રકમ મળે તેવી શરતો સાથેની આ પોલિસી હતી.
દરમ્યાન ગત નવેે.ર૦ર૦માં અંકિતાબેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં જરુરી રિપોર્ટ કઢાવ્યા હતા. જેમાં તેઓને કોરોના હોવાનું ડીટેકટ થયું હતું. આથી હોસ્પિટલમાં દાખલ થઇને નવ દિવસ સુધી સારવાર કરાવી હતી. જેનો કુલ ખર્ચ ૧.૬૩ લાખ થયો હતો. તેઓએ નિયત સમયમાં સારવાર ખર્ચન બીલો સાથેના પુરાવાનો કલેઇમ વીમા કંપનીમાં મોકલી આપ્યો હતો. પરંતુ વીમા કંપનીએ પોલીસીની શરતો મુજબ અંકિતાબેનને રૂ.ર.પ૦ ચૂકવી આપ્યા નહતા.
આથી તેઓએ ગ્રાહક કોર્ટમંા ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળી હતી અને રજૂ થયેલ પ્લીડીંગ્સ અને પુરાવાને ધ્યાને લીધા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, ખેડા જિલ્લા મુખ્ય તબીબી અધિકારીની કચેરી તરફથી કોવિડ-૧૯ અંતર્ગત એમ પેનલ તરીકે હોસ્પિટલને મંજૂરી અપાયેલ છે. જયાં દર્દીએ દાખલ થઇને સારવાર મેળવી હતી. લેબના રીપોર્ટમાં કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યો હતો. છતાં પોલિસીની શરતો મુજબ વીમા કંપનીએ કલેઇમની રકમ ન ચૂકવ્યાનું રેકર્ડ પર જણાઇ આવે છે. આથી વીમેદાર વીમાની પૂરેપૂરી રકમ મેળવવા હકકદાર થતા હોવાનું માનીને કોર્ટે હુકમ કર્યો હતો.
જેમાં ફરિયાદીને રૂ. ર.પ૦ લાખ ૭ ટકાના વ્યાજ સાથે ચૂકવવા તેમજ માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચના રૂ.૩ હજાર પણ ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.