નડિયાદમાં તા.પં. કચેરીએ જિ.પંચાયત કચેરીનું બોર્ડ જોઇને અટવાતા અરજદારો
જૂની જિ.પં.ની જગ્યામાં સ્થળાંતર કરાયેલ તાલુકા પંચાયત કચેરીનું નવું બોર્ડ લગાવવાની બાબત વિચારણા હેઠળ !
નડિયાદમાં ડભાણ રોડ ઉપર થોડા મહિના અગાઉ નવીન જિલ્લા પંચાયત ભવન બનતા પવનચકકી રોડ પરની જૂની જિ.પં. કચેરીને નવા ભવનમાં સ્થળાંતર કરવામાં આવી હતી. જયારે જૂની જિ.પં.ની જગ્યામાં તાલુકા પંચાયત કચેરીને સ્થળાંતર કરવામાં આવી છે.
પરંતુ જિલ્લા પંચાયત કચેરીનું જૂનું બોર્ડ અહીંથી હટાવાયું નથી. આથી કચેરીઓની અદલાબદલીથી અજાણ અનેક અરજદારો કાળઝાળ ગરમીમાં અટવાતા હોવાનું જોવા મળે છે. જેથી સત્વરે જિ.પં.નું બોર્ડ હટાવીને નડિયાદ તા.પં.નું બોર્ડ મૂકવામાં આવે તેવી માંગ થવા પામી છે.
નડિયાદમાં ડભાણ રોડ પર બનેલ નવીન જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા પંચાયત કચેરીને સ્થળાંતર કરીને અન્ય શાખાઓને પણ આવરી લેવામાં આવી છે. આથી જૂની જિ.પં.ની કચેરીમાં તાલુકા પંચાયત કચેરીને ખસેડવામાં આવી છે. જેને લાંબો સમય વીત્યો હોવા છતાંયે તા.પં. કચેરીનું નવીન બોર્ડ મૂકવામાં આવ્યું નથી. આથી અહીં કામસર આવનાર અરજદારો જિલ્લા પંચાયત કચેરીના નામનું બોર્ડ જોઇને વિમાસણમાં મૂકાઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયત કચેરી અહીં કાર્યરત હોવાની જાણ કરતું કોઇ બોર્ડ ન હોવાના કારણે જિલ્લાના દૂરના ગામોએથી જિલ્લા પંચાયતના કામથી આવતા મોટાભાગના અરજદારો કચેરીઓની અદલાબદલીથી જાણકાર નથી. આથી તેઓને જિ.પં.ની કચેરી શોધવામાં ફાફા મારવા પડે છે.
આ સંદર્ભે તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે બોર્ડ બદલવાની કામગીરી હાથ ધરાશે, જેથી અરજદારોને કોઈ તકલીફ ન થાય.