ખંભાત તાલુકાના કોડવામાં શ્રી હડકબાઇ માતા મંદિરને પૂર્ણ કરવા હરિજન આગેવાનોની માંગ
મંદિરનું કામ અધૂરું રખાતા ટ્રસ્ટીઓ સામે વિરોધ સાથે મંદિર પરિસરમાં ઉપવાસ આંદોલન
ખંભાત તાલુકાના કોડવા ગામમાં આવેલ શ્રી હડકબાઈ માતાના મંદિરનું પાંચ વર્ષથી અધૂરું કામ ટ્રસ્ટીઓએ પૂર્ણ ન કરતા હોવાથી સત્વરે મંદિર પૂર્ણ કરવાની માંગ સાથે હરિજન સમાજના કેટલાક આગેવાનો મંદિર પરિસરમાં ત્રણ દિવસ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. કોડવા ગામમાં આવેલ શ્રી હડકબાઈ માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનું બાંધકામ ૧.૩૫ કરોડના ખર્ચ કરવાનું ઠરાવ્યું હતું. આ માટે વર્ષ ૨૦૧૮માં મંદિર ટ્રસ્ટ પાસે ૧.રપ કરોડનું ભંડોળ હતું. તેમ છતાં લાંબા સમયથી મંદિરનું કામ પૂર્ણ નહીં કરાતા હરિજન સમાજના કેટલાક આગેવાનોએ મંદિરનું કામ પૂર્ણ કરવાની માંગ સાથે છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે અગાઉ પણ વર્ષ ૨૦૧૭માં હરિજન સમાજના આગેવાનો દ્વારા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરનું કામ અધુરુ રખાતા ટ્રસ્ટીઓ સામે ઉપવાસ આંદોલન કર્યું હતું. તેમ છતા મંદિરનું કામ આગળ નહિ વધતા સમાજના આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે કોડવા ગામમાં આવેલ હડકબાઈ માતાના મંદિરે હરિજન સમાજ ઉપરાંત દેવીપૂજક સમાજના આસ્તિકો મોટી સંખ્યામાં રવિવાર, મંગળવાર અને વાર તહેવારે દર્શન અને માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. પરંતુ મંદિર પરિસરમાં પૂરતી સુવિધા ન હોવાથી દર્શનાર્થીઓનેે અગવડ પડી રહી છે. જેને લઈને સમાજના મુંબઈ રહેતા કેટલાક આગેવાનો અને જિલ્લાના હરિજન સમાજના આગેવાનો ઉપવાસ પર બેઠા છે.
નડિયાદ તાલુકાના માંઘરોલીના અને હાલમાં મુંબઈમાં રહેતા હસમુખભાઈ રામજીભાઈ સોલંકી(હરિજન)એ જણાવ્યું હતું કે શ્રી હડકબાઈ માતા સેવા સમિતિના ૧૫ જેટલા ટ્રસ્ટીઓ છે અને સમગ્ર ગુજરાત હરિજન સમાજ દ્વારા ભંડોળ એકત્રિત કરી ટ્રસ્ટમાં જમા કરાવ્યું છે. વર્ષ ૨૦૧૮માં ટ્રસ્ટ પાસે ૧.૨૫ કરોડનું ભંડોળ હતું અને મંદિર ૧.૩૫ કરોડના ખર્ચ બાંધવાનું આયોજન કરાયું હતું. પરંતુ છેલ્લા ૬ વર્ષથી મંદિરનું બાંધકામ ટ્રસ્ટીઓ દ્વારા પૂર્ણ કરાતું નથી પાંચ વર્ષ અગાઉ જે કરાયેલ બાંધકામ તે જસ્થિતિમાં છે. જેથી રતિલાલ ખુશાલભાઈ વાલેન્દ્રા, હસમુખભાઈ ધનજીભાઈ સોલંકી, રાજેશભાઈ ગોરધનભાઈ વાઘેલા, કમલેશભાઈ ગોરધનભાઈ વાઘેલા, હેમંત ચૌહાણ મુલેશ્વરી તથા સુરેશભાઈ બચુભાઈ સોલંકી વગેરએ મંદિરનું કામ પૂર્ણ કરવા માટે ચેરિટી કચેરીમાં રજૂઆત કરી હતી. પરંતુ ચેરિટી કચેરીના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરી નહોવાનું અને ટ્રસ્ટના રૂ. ૧.રપ કરોડના ભંડોળનો હિસાબ પણ ટ્રસ્ટીઓ પાસે માંગવામાં આવ્યો ન હોવાના આક્ષેપ સાથે ૧પ જેટલા હરિજન અગ્રણીઓએ ઉપવાસ આંદોલન છેડયું છે.