વ્રજભૂમિ ફાઉન્ડેશનનો વિવાદ વકર્યો : નારાયણચરણદાસજીએ નવા નિમાયેલા ટ્રસ્ટીને ધમકી આપતાં પોલીસમાં અરજી
'મેટરમાંથી હટી જા, નહીં તો ખોવાઈ જઈશ' તેવી અભદ્ર ભાષામાં અરવિંદભાઇ ગોલને આપેલી ધમકી
આણંદ તાલુકાના મોગર ખાતે વ્રજભુમિ ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી મંડળને લઈને ચાલી રહેલો વિવાદ દિન-પ્રતિદિન વધુને વધુ વકરતો જઈ રહ્યો છે. એક વર્ષ પહેલા એનઆરઆઈ દાતા અને પ્રમુખ ટ્રસ્ટી સહિત અન્યો સાથે મારામારી અને ઝપાઝપીની ઘટના બાદ બન્ને પક્ષે નોંધાયેલી ફરિયાદની તપાસ હજી ચાલી રહી છે ત્યાં તો નવા નીમાયેલા ટ્રસ્ટીને ઉપપ્રમુખ ટ્રસ્ટી નારાયણચરણદાસજીએ ફોન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો છે.
પ્રમુખ ટ્રસ્ટી મીનાક્ષીબેન વિજાપુરાએ કરમસદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા રાધા બંગલોમાં રહેતા અરવિંદકુમાર ગોલ,ગોંડલ તાલુકાના કિશોરભાઈ છગનભાઈ અંદીપરા અને હિરેનભાઈ ભીખુભાઈ ઘેટીયાની ગત તારીખ ૧૮ મે,ર૦૨૨ના રોજ ટ્રસ્ટીઓ નિમવાનો ઠરાવ કર્યો હતો અને ફેરફાર રીપોર્ટ આણંદની ચેરીટી કમિશ્નર કચેરીમાં રજુ કર્યો છે.૨૩ મે,ર૦૨૨ના રોજ અરવિંદભાઈ ગોલ, મીનાક્ષીબેન વિજાપુરા તથા આસિતભાઈ વિજાપુરા વ્રજભુમિ ફાઉન્ડેશન ખાતે ગયા હતા ત્યારે સ્વામી નારાયણચરણદાસજીના માણસો અશ્વિન બજાણીયા, શિવરાજ વાળા,ડોડીય તેમજ અજાણ્યા શખ્સે તેમને ગેટ પર અટકાવ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ૨૬ મે,ર૦૨૩ના રોજ પોલીસને ગુમરાહ કરીને મીનાક્ષીબેન સહિત અન્યો વિરૂદ્ઘ ગુનો દાખલ કરાવ્યો હતો. જો કે મીનાક્ષીબેન કલ્પેશભાઈ પંચાસરાને પાવર ઓફ એટર્ની આપીને તેમના મારફતે ગત તારીખ ૧૬ મે,ર૦૨૩ ક્રોસ ફરિયાદ આપીને ગુના દાખલ કરાવ્યો હતો. જેની વિગતો સમાચાર પત્રોમાં છપાતા તેની રીસ રાખીને શાસ્ત્રી નારાયણચરણદાસજીએ ૧૮ મે,ર૦૨૩ના રોજ સવારના ૮.૩૦ કલાકે અરવિંદકુમાર ગોલને ફોન કરીને ગંદી ગાળો આપી તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને તુ આ મેટરમાંથી હટી જા, નહીં તો ખોવાઈ જઈશ તેવી ધમકી આપી હતી. જેથી તેઓએ વિદ્યાનગર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપીને ભુતકાળમાં તેમના પર હુમલો કરાવ્યો હોય, ફરીથી હુમલો કરાવી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી.