કાસોરના ખેડૂત પાસેથી બે શખ્સોએ ૭ થી ૧૦ ટકા ઉંચુ વ્યાજ વસુલીને ધમકી આપતાં ફરિયાદ
ભાલેજના મહેમુદમીંયા મલેક પાસેથી ૪ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા, જે પેટે ૪.૫૧ લાખ વ્યાજ અને ૩.૪૦ લાખ મુડી ચુકવી દીધી હોવા છતાં પણ ૨.૧૦ લાખ બાકી કાઢીને ધમકી આપતા હતા: કાસોરનો નિરજકુમાર ઉર્ફે જીગો ઉર્ફે શેરા પાસેથી ૭ ટકાના વ્યાજે લીધેલા ૫૦ હજાર રૂા.ની જગ્યાએ ૧૦૫૦૦ રૂા. વ્યાજ, ૨૫ ચેકથી મુડી પરત કરી હોવા છતાં પણ ૧.૮૦ લાખ ચેકમાં ભરીને બાઉન્સ કરાવી નોટિસ આપી હતી
ઉમરેઠ તાલુકાના કાસોર ગામે રહેતા એક ખેડૂત પાસેથી ૭ થી ૧૦ ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલ કરીને બે વ્યાજખોરો દ્વારા વધુ પૈસાની માંગણી કરીને ધાકધમકીઓ આપી ચેકમાં વધારાની રકમ ભરીને બાઉન્સ કરાવી ૧૩૮ મુજબ કેસ કરવાની લીગલ નોટિસ મોકલાવતા આ અંગે ભાલેજ પોલસે બન્ને વ્યાજખોરો વિરૂદ્ઘ નવા કાયદા મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી હિતેષભાઈ રમેશભાઈ પટેલ ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. સને ૨૦૨૦માં તેમને પોલ્ટ્રીફાર્મના ધંધા માટે નાણાંની જરૂરીયાત હોય ભાલેજના સલાબતવાડા ખાતે રહેતા મહેમુદમીંયા સિકંદરમીંયા મલેક પાસેથી ૨૯-૭-૨૦ થી ૩-૩-૨૦ સુધી અલગ-અલગ સમયે કુલ ૪ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે પેટે આજદિન સુધી માસિક ૧૦ ટકા લેખે કુલ ૪.૫૧ લાખ રૂપિયા જેટલું વ્યાજ તેમજ મુડી પેટે ૩.૪૦ લાખ રૂપિયા ચુકવી આપ્યા હોવા છતાં પણ પોતાના મળતિયા નિરજકુમાર ઉર્ફે જીગો ઉર્ફે શેરો હરેશભાઈ પટેલ પાસે ૨.૧૦ લાખ રૂપિયા બાકી પડે છે તેમ જણાવીને ૨૩-૪-૨૩ના રોજ ચાર જેટલા કોરા ચેકો લખાવી લીધા હતા.
હિતેશભાઈએ જીગરકુમાર ઉર્ફે શેરા પાસેથી ૫૦ હજાર રૂપિયા સાત ટકાના માસિક વ્યાજે લીધા હતા. જેપેટે ૧૦૫૦૦ રૂપિયા વ્યાજ તેમજ મુડી પેટે ૨૫ હજાર રૂપિયા ચેકથી ચુકવી દીધા હોવા છતાં પણ આપેલા કોરા ચેકમાં ૧.૮૦ લાખની રકમ ભરીને ચેક ખાતામાં ભરાવી અપુરતા બેલેન્સના કારણે રીટર્ન કરાવીને લિગલ નોટિસ મોકલી બાકી પડતા પૈસાની પઠાણી ઉઘરાણી ચાલુ કરી દીધી હતી.
દરમ્યાન રૂબરૂ તેમજ ફોન ઉપર ગમે તેવી ગાળો બોલી હતી. જે અંગે હિતેષભાઈએ ગઈકાલે ભાલેજ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.