કઠલાલ : કઠાણા પાસે મોટર સાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું મોત
વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં રસ્તામાં જ મોત
કઠલાલ પાસેના અમદાવાદ ઈન્દોર હાઈવે પર મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે કઠલાલ પોલીસે ગુન દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર નડિયાદ શહેરમાં રહેતા પ્રતાપભાઈ રાવજીભાઈ તળપદાના પિતરાઈ ભાઈ ગોપાલભાઈ નટુભાઈ તળપદા ગત ૧૬ મેના રોજ પોતાની સાસરી બાલાસિનોર મુકામે જવા નીકળ્યા હતા. ગોપાલભાઈ પોતાનું મોટર સાયકલ નં. જીજે-૦૭, ઈએચ-૭૧૭૭ ચલાવીને બપોરના સુમારે ખેડા જિલ્લાના કઠલાલ પંથકના અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન કઠાણા પાસેના પેટ્રોલપંપ પાસે એકાએક ગોપાલભાઈએ મોટર સાયકલના સ્ટેરીંગ પરનો કાબૂ ગૂમાવતા મોટર સાયકલ સાથે રોડ પર સ્લિપ ખાઈ ગયા હતા. જેમાં ગોપાલભાઈ તળપદાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થ નજીકની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો કે ગોપાલભાઈની તબિયતમાં કોઈ સુધારો ન જણાતાં વધુ સારવાર અર્થ અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં રસ્તામાં ગોપાલભાઈનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે પ્રતાપભાઈ રાવજીભાઈ તળપદાએ કઠલાલ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.