બીલપાડ મર્ડર કેસ : ગણપત અને પત્નીને પણ લાકડાના ડંડાથી માર માર્યો હતો
હત્યા કર્યા બાદ ભરતભાઈ પઢિયાર કરજણ તાલુકાના પીંગલવાડા ફરાર થઈ ગયો હતો
આંકલાવ તાલુકાના બીલપાડ ગામે પત્ની સાથે આડો સંબંધ ધરાવતો હોવાનો વહેમ રાખીને મિત્રને લાકડાના ડંડાથી આખા શરીરે ઢોર માર મારીને હત્યા કરીને ફરાર થઈ ગયેલો ભરતભાઈ પઢિયાર કરજણ તાલુકાના પીંગલવાડા ખાતેથી ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર મરણ જનાર ગણપતભાઈ મગનભાઈ પઢિયાર અને હત્યારા ભરતભાઈ મોહનભાઈ પઢિયાર બન્ને ગાઢ મિત્રો હતા. તેમના ખેતરો નજીક-નજીકમાં જ આવેલા હોય સાથે જ ખાતા-પિતા હતા. ગત ૨૫મી તારીખના રોજ રાત્રીના સુમારે ગણપત મિત્ર ભરતના ખેતર સ્થિત ઘરે આવ્યો હતો જ્યાં ગણપત, ભરત અને તેની પત્ની મીનાબેન સાથે જમ્યા હતા. વાત-વાતમાં ભરતે ગણપતને તુ મારી પત્ની સાથે આડો સંબંધ ધરાવે છે તેમ કહેતા જ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા ભરતે ઘરમાં પડેલો લાકડાનો ડંડો લઈને ગણપતભાઈને બન્ને હાથે-પગે,બરડામાં, છાપા ઉપર તેમજ શરીરના અન્ય ભાગોએ જેમ ફાવે તેમ મારવાનું ચાલુ કરી દીધું હતુ. તેની પત્ની વચ્ચે પડતા તેણીને પણ લાકડાના ડંડાથી માર માર્યો હતો. ગણપતને આડેધડ આખા શરીર લાકડાના ડંડાનો માર મારતાં તે બેભાન જેવો થઈ ગયો હતો. એ સાથે જ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પીંગલવાડા ખાતે પહોંચી ગયો હતો.
પોલીસે તેનું પગેરું દબાવીને ઝડપી પાડ્યો હતો અને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના ગુનાનો એકરાર કરી લીધો હતો.