ખેડા જિલ્લામાં ઘરેલુ હિંસાની બે વર્ષમાં ૧૮૮૪ અરજી પૈકી ૪૬ ગુના દાખલ
ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવાના બદલે સમાધાનને પ્રાથમિકતાના ભાગરુપે ૬ર૧ દંપતિ પુન: જોડાયા
૬૧ વર્ષના પતિ અને પ૪ વર્ષની પત્નીએ છૂટા થવાની અરજીનો સુખરૂપ નિકાલ
મહિલા પોલીસ મથકે આવતી અરજીઓ પૈકી કેટલીક અરજીઓ અલગ પ્રકારની અને આશ્ચર્ય પ્રેરતી હોય છે. જેમાં ખેડામાં ૬૧ વર્ષીય પતિ વતનમાં રહેતો હતો. જયારે તેની પ૪ વર્ષીય પત્ની, એક પુત્રી અને બે પુત્રો ખેડામાં રહેતા હતા. પરિવારના સૌ સાથે રહે તે માટેના પ્રયાસો સફળ ન રહેતા લગ્નજીવનના ૩૭ વર્ષ દંપતિએ એકમેકથી છુટા થવાની અરજી કરી હતી. અરજીની બાબતને ખાસ ધ્યાને લઇને મહિલા પોલીસે પતિ અને પત્નીને રુબરુ બોલાવીને કાઉન્સેલિંગ કરવા સહિત પરિવાર સાથે રહેવા અંગે સમજાવટ કરી હતી. જો કે ચારથી પાંચ વખત સમજણ આપવા સહિતના કાઉન્સેલિંગ બાદ આખરે પતિએ પોતાના પરિવાર સાથે ખેડામાં રહેવાની તૈયારી દાખવી હતી.
ઘરેલુ વિવાદ, કંકાસ કે કયારેક ઉગ્ર બોલાચાલી-મારામારીના કારણે મામલો મહિલા પોલીસ મથકે પહોંચતો હોય છે. અન્ય ગુનાઓની સરખામણીએ ઘરેલુ ફરિયાદો મામલે મહિલા પોલીસ દ્વારા દંપતિ વચ્ચે સમાધાન થાય તે માટે પ્રયાસરત બનતા હોય છે. જેના કારણે ખેડા જિલ્લામાં ગત બે વર્ષ દરમ્યાન આ પ્રકારની આવેલ કુલ ૧૮૮૪ અરજીઓમાંથી ૬ર૧ દંપતિઓ વચ્ચે પુન: મનમેળ કરાવવામાં આવ્યો છે. જો કે કેટલીક અરજીઓમાં મહિલા પોલીસ દ્વારા પ્રયાસ કરવા છતાંયે દંપતિ વચ્ચે સમાધાન ન થતા ૪૬ ગુના પણ દાખલ કરાયા છે.
ખેડા જિલ્લામાં મહિલા પોલીસ મથકે વર્ષ ર૦ર૧ અને ર૦રરમાં ઘરેલુ હિંસાની ૧૮૮૪ અરજીઓ આવી હતી.જે ધ્યાને લઇને ગુનો દાખલ કરતા અગાઉ દંપતિ અને તેના પરિવારજનોનું મહિલા પોલીસ દ્વારા કાઉન્સિેલિંગ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાયો હતો. જેમાં ૬ર૧ દંપત્તિઓએ પુન: સાથે રહેવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઘરેલુ હિંસાની અરજી આવ્યા બાદ બંને પક્ષના વ્યકિતઓને બોલાવીને મહિલા પોલીસ અધિકારી, કર્મચારી દ્વારા સમસ્યાનો નિકાલ લાવવા પ્રયાસ કરાય છે. જેમાં કેટલીક અરજીઓમાં બેથી ચાર વખત કાઉન્સિેલિંગ કરીને દંપત્તિનો સંસાર તૂટે નહીં તે દિશામાં કામગીરી કરાય છે. ખાસ કરીને પહેલા રજૂઆત કરનાર મહિલાની વાત સાંભળીને તેને જેની સામે વાંધો હોય તે તમામને અલગથી બોલાવીને પૂછપરછ કરવામાં આવે છે. જયારે દંપતિની એકમેક સામેની ફરિયાદમાં બંનેને સાંભળીને જેની વાત ખોટી હોય તેને સમજાવટ કરવામાં આવે છે. જો કે કેટલાક કેસમાં તપાસકર્તા પોલીસ કર્મચારીની વાત પણ દંપતિના ગળે ન ઉતરે તેવા સંજોગોમાં ઉચ્ચ અધિકારી આવી રજૂઆતમાં સમાધાન થાય તે માટે પ્રયાસ કરે છે.