તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ...
'મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી...'ના કવિ ગુલશન બાવરાનું જીતેન્દ્ર અને નંદાની ફિલ્મ 'પરિવાર'નું એક ગીત દર સાલ બીજી ઓક્ટોબરે મોટેભાગે સાંભળવા મળે જ... 'આજ હૈ દો અક્તુબર કા દિન આજ કા દિન હૈ બડા મહાન, આજ કે દિન દો ફુલ ખિલે જિનસે મેહકા હિન્દુસ્તાન...' પછી તેમાં જેમના જન્મદિન તે દિવસે આવતા હોય છે એ મહાત્મા ગાંધીજી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને યાદ કરતાં 'એક કા નારા અમન' અને 'એક કા જય જવાન જય કિસાન'! એ મહાન વિભુતિઓને વંદન. પણ સિનેમાનેય એ જ દિવસ બીજી ઓક્ટોબરે '૬૦ અને '૭૦ના દાયકાની ગ્લેમરસ હિરોઇન આશા પારેખની પ્રાપ્તિ થઈ હતી; એ દિવસ તેમનો પણ બર્થડે હોય છે! ૧૯૪૨માં જન્મેલાં આશાજી ૮૦ વટાવીને જીવનના નવમા દાયકામાં પ્રવેશી ચૂક્યાં છે, ત્યારે તેમનાં ગીતોની હલકી સી ઝલક પણ સિનેસંગીતના ચાહકોને રોમાંચિત કરી દે છે!
આશા પારેખનાં લોકપ્રિય યુગલ ગીતો પણ એટલાં જ છે. પરંતુ, આજે આપણે તેમનાં 'લો આ ગઈ ઉનકી યાદ વો નહીં આયે...' (દો બદન) અને 'ઓ મેરે સોના રે સોના...' (તીસરી મંઝિલ) જેવાં સોલો ગીતોનું જ સ્મરણ કરીએ જે મહદ્અંશે લતા મંગેશકર અને આશા ભોંસલેએ ગાયાં છે. તેમાં 'બહારોં કે સપને'નું 'આજા પિયા તોહે પ્યાર દું...' તેના આ શબ્દોને લીધે કાયમનું ફેવરીટ છે, 'હોને દે રે જો જુલ્મી હૈ, પથ તેર ગાંવ કે, પલકોં સે ચુન ડાલુંગી મૈં કાંટે તેરે પાંવ કે...'! આંખોની પાંપણોથી કાંટા વીણવાની કલ્પના મજરૃહ સુલતાનપુરીને શું ખાઇને આવી હશે? એ જ શાયરની 'ચિરાગ' ફિલ્મની રચના, 'તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ...' એ પંક્તિ આશાજીનાં અત્યંત આકર્ષક અને બોલકાં નયનોને ઔર બ્યુટીફુલ રીતે પ્રસ્તુત કરે છે. પણ શું તમે જાણો છો કે તે પંક્તિ ઉર્દૂના એક સિનિયર બળવાખોર શાયર ફૈઝ એહમદ ફૈઝની બહુ જાણીતી નઝમની શરૃઆત પરથી લઈને મજરૃહ સાહેબે પોતાની આ ખુબસૂરત કવિતાનો ઉપાડ કર્યો હતો?( એ જ નઝમની પેલી ફેમસ લાઇનો, 'ઔર ભી દુઃખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા'!)
તેમનાં લતાજીએ ગાયેલાં (મર્યાદિત જગ્યાને લીધે) ગણત્રીનાં જ ગીત યાદ કરીએ તો પણ 'સુનો સજના પપીહે ને કહા સબસે પુકાર કે.... (આયે દિન બહાર કે)થી દિલ બાગ બાગ થઈ જાય. તો 'મેરા ગાંવ મેરા દેશ'માં લક્ષ્મી છાયાને 'માર દિયા જાય કે છોડ દિયા જાય...' જેવાં હિટ ગીતો મળ્યા છતાં આશા પારેખે 'સોના લઈ જા રે, ચાંદી લઈ જા રે...'થી પોતાનો ગોલ્ડન ટ્રેક રેકોર્ડ બરકરાર રાખ્યો હતો. જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટના સમયમાં આવેલા ગાયન 'ઝિંદગી કિતની ખુબસુરત હૈ, આઇયે આપકી જરુરત હૈ... (બિન બાદલ બરસાત)થી 'ઉપકાર'ના 'હર ખુશી હો વહાં તુ જહાં ભી રહે...' સુધીમાં લતાજીના અવાજે આશા પારેખનાં ગીતોમાં પણ કર્ણપ્રિયતાનો અનરાધાર મેઘ વરસાવ્યો છે. તો આશા ભોંસલે? તેમનું ગાયેલું 'જાઇયે આપ કહાં જાયેંગે, યે નજર લૌટ કે ફિર આયેગી...' આજે પણ મ્યુઝિકના રિયાલિટી શોમાં ગવાતું હોય છે. તેમનું 'શિકાર'નું પોપ્યુલર ગાયન 'પર્દે મેં રહને દો, પર્દા ના ઉઠાઓ...' આશા ભોસલેને ફિલ્મફેર એવોર્ડ અપાવી ગયું હતું.
ત્યારે સવાલ એ થાય કે સંગીતના બેહિસાબ ફાળા છતાં રાજેન્દ્ર કુમાર અને રાજેશ ખન્નાની સળંગ સિલ્વર જ્યુબિલીઓ આપનાર હિરોલોગની સફળતાની કાયમ ચર્ચા થતી હોય છે. પણ આશાજીની હિટ ફિલ્મોનો રેકોર્ડ તો કોઇ જુએ? તેમની સામે હિરો દેવ આનંદ, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, રાજેશ ખન્ના જેવા ટોપસ્ટાર્સ હોય કે જોય મુકરજી અથવા બિસ્વજીત હોય કોઇ પ્રોજેક્ટને આશા પારેખે સાઇન કર્યાના ન્યૂઝ પ્રસરે તેની સાથે ડિસ્ટ્રીબ્યુટર્સ ખરીદી લે અને તેમને માટે એ લોટરી જ સાબિત થાય. ક્યાંક સફળતામાં ૧૯-૨૦ થયું હોય ત્યાં પણ આશાજીના કામમાં કે તેમના ગ્લેમરમાં કોઇ ખાંચો ના કાઢી શકે! એ કોઇ નાનીસુની સિદ્ધિ ના કહેવાય. જો કે આશા પારેખ તેમના સ્વભાવ અનુસાર એવી કોઇ ક્રેડિટ માટે કે એવોર્ડ માટેના કોઇ કાવાદાવામાં કદી પડયાં નહીં.
પણ તેમની કરિયર પર નજર નાખતાં ઉડીને આંખે વળગે એવી આ હકીકત પ્રત્યે સિનેમાના પંડિતોએ કેમ ધ્યાન આપ્યું નહી હોય? કે પછી પુરૃષપ્રધાન ઇન્ડસ્ટ્રીમાં એક ગુજરાતી અભિનેત્રીને તેની ડયુ ક્રેડિટ આપવામાં જે તે સમયના વિશ્લેષકો ચૂકી ગયા હતા? ગુજરાતના મહુવામાં જેમનું બાળપણ વિત્યું અને તે સમયે ભાવનગરના દરિયા કિનારે પ્રકૃતિને માણનાર એ ગુજરાતી અભિનેત્રીએ પોતાના સાલસ સ્વભાવ અને 'કામથી કામ' (નો નોનસેન્સ!)ના અભિગમથી નિર્માતા-નિર્દેશકોમાં કેવી આગવી જગ્યા ઉભી કરી હશે કે કેટલાક તો વારંવાર તેમને રિપિટ કરતા? જેમ કે નાસિર હુસૈનની 'જબ પ્યાર કિસીસે હોતા હૈ'થી 'તીસરી મંઝિલ' અને 'પ્યાર કા મૌસમ' તથા 'કારવાં' સુધીની ફિલ્મોની એ હિટ હિરોઇન. (નાસિર સા'બ સાથે પોતે દિલથી પણ જોડાયેલાં હતાં એમ તેમણે પોતાની આત્મકથામાં સ્વીકાર્યું છે) તેમ તો રાજ ખોસલાની 'દો બદન', 'મેરા ગાંવ મેરા દેશ', 'મૈં તુલસી તેરે આંગન કી' અને 'ચિરાગ' એ દરેકમાં હિરો અલગ હતા; પણ હિટ ગર્લ તો આશા પારેખ!
આશા પારેખનાં લગ્ન માટે એક વાર એનઆરઆઇ પ્રોફેસર મુરતિયા સાથે મમ્મીએ દરખાસ્ત ચલાવી હતી. વાત એકબીજાને જોવા સુધી અને લગ્નની તૈયારીઓ સુધી પહોંચી હતી. એ પ્રપોઝલ જો સફળ થઇ હોત તો આશાજી પણ વિદેશમાં સ્થાયી થયાં હોત. પણ તો શું એ કાયમ ત્યાં ટકી શક્યાં હોત કે પછી માધુરી દીક્ષિતની જેમ...?