Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
સાથે શું લઈ જઈશું?
17/09/2023 00:09 AM Send-Mail
શાના આ ઉધામા છે? શાની દોડાદોડ છે? શા માટે ભાગદોડ? શું છે એ બધું? સત્તા, સંપત્તિ કે કામનાના આવેગો દોડાવે છે, એ ક્યાં ક્યાં લઇ જાય છે? - જીવ્યા વગરનું જીવન એની પાછળ પાછળ તણાય છે - વેડફાય છે -જે મળે છે તે કંઇ સાથે આવવાનું છે? આ પ્રશ્ન આજનો નથી. યુગોથી માનવજાતને પૂછવામાં આવી રહ્યો છે. છતાં માણસ હાંફતાં હાંફતાંય દોડે છે.. હજી એને આ રહસ્ય સમજાયું નથી. દોડનારને જોઇએ તો કેવળ બે રોટલી. બે રોટલી માટે તે કેટકેટલું અનૈતિક કરી નાખે છે! સંતોષ નામનો છેડો નથી. લોહીની સગાઇ સંપત્તિથી જ વધારે દૃઢ કે મજબૂત થાય એવું તે માને છે, પણ સાવ એવું નથી, લોહીની સગાઇમાં લાગણીનું પ્રમાણ પણ ઠીક ઠીક હોવું જોઇએ. ધૃતરાષ્ટ્રે પુત્રપ્રેમની વચ્ચે સંપત્તિનો ઝોક વધાર્યો હતો. રાજા દશરથ અને રામની વચ્ચે લાગણીનું તત્ત્વ ઝાઝું હતું. કોઇ સંતાનના માતાપિતા બનવું એ અકસ્માત છે, પણ તેમાં લાગણી દ્વારા, પ્રેમ દ્વારા બાળકને મોટું કરવું, કેળવવું એ પરિશ્રમમાં માબાપ પોતાની લાયકાત બનાવે છે. ચાહના દ્વારા દિલ જીતી શકાય, દાનવનેય જીતી શકાય તો પછી લાગણી અને પ્રેમ તત્ત્વને છોડી કેમ કેવળ સંપત્તિ અને સાધનો આપવાની હોડ રચી રહ્યો છે માનવ? નિ:સ્વાર્થ પ્રેમમાં પણ ઊંડે ઊંડે અપેક્ષા તો હોય જ છે તે સાવ ખોટું નથી, પણ બંને વચ્ચે પ્રેમનો માપદંડ સદંતર ગેરહાજર ન જ હોવો જોઇએ, એ ચાહના વગરનું જીવન કેવળ શૂન્ય છે, તો કેવી રીતે જીવવું? આપણી સાથે શું આવે? એ વાતનો વિચાર કરીએ. આમ તો ખાલી હાથે આવવાનું ને ખાલી હાથે જ જવાનું છે, તેમ છતાં સાથે ને સાથે કશુંક તો રહે છે - એ શું? કવિ ઉમાશંકરે પોતાના એક કાવ્યમાં આવા આંતરઅસબાબની વાત કરી છે.

કોઇની ઠારેલી આંતરડીનો અરવ ઓડકાર, કોઇનાં લૂછેલાં આંસુથી ભીંજાયેલાં ટેરવાં, કોઇના માથે પ્રખર તડકો પડતો હોય ત્યારે છાંયો કરવા ધરેલો હાથ, કોઇની તીવ્ર ભૂખ માટે બન્યા હોઇએ અનાજનો કણ, કોઇની તૃષા માટે બન્યા હોઇએ જળનું બુંદ, કોઇને જીવવા માટે બન્યા હોઇએ નિમિત્ત, કોઇને સાંભળવા માટે બન્યા હોઇએ કાન, કોઇની સમસ્યાને હલ કરવા માટે સંભળાવ્યો હોય શબ્દ... આવાં કર્મો સહજપણે થઇ ગયાં હોય - એ સ્મૃતિમાં સચવાયાં પણ ન હોય છતાં સમાજના અને કાળના પટ ઉપર એ તમારા નામ સાથે જોડાયેલાં જ રહે છે અને તે તમારી સાથે આવે છે.

વસંતનો વૈભવ, વૃક્ષમાં છૂપાયેલો સૂરજ, હૃદયમાં ઊમટેલો ઉમળકો, સૂરજનો પાંપણ પર ફરેલો હાથ, ભેંસનું વાગોળવું, કૂતરાની પૂંછડીનો લય, પંખીનો કલરવ, કાચબાનું બખતર, બાવળના પીળા ફૂલ, ઘરના દીવામાં જોયેલું સૂરજનું શમણું, ઊઘડેલા પુષ્પની પ્રસન્નતા, રાત્રિની શાંતિ, સવારની શોભા - આ બધું સામગ્રી થઇને ઢગલારૂપે નહિ પણ કેવળ અરવ ઓડકારની લ્હેરખી થઇને તમારી સાથે અવશ્ય આવવા આતુર છે. તેવી ઘટનાઓ, તેવાં દૃશ્યો તમારી આંગળી પકડીને તમને આનંદના મલકમાં લઇ જશે, પણ આપણે એટલા બધા મોટા થઇ જઇએ છીએ કે કોઇએ પકડેલી આંગળીને ફટ દઇ આપણે છોડાવી દઇએ છીએ અને આપણે સાથે ન આવનાર ચીજ-વસ્તુ કે વ્યક્તિની આંગળી પકડીને ભટકીએ છીએ, પછી પસ્તાઇએ છીએ. કોઇ ક્ષણે ચબૂતરો થઇ પંખીને અને કીડિયારાં પુરી કીડીને ધરેલો આહાર આપણું જ ઉદર ઠારે છે એની આપણને ખબર જ નથી. કોઇનું અજાણ્યું સ્મિત આપણને જીવાડે તો આપણું સ્મિત પણ કોઇ માટે સંજીવની અવશ્ય બની શકે -આપી શકાય તો આપો - એ જ સાથે આવશે. અંધારાની આંખ થઇને ઊગતો તારો રાત્રિને ભલે દિવસ ના બનાવે, પણ અંધારાની આંખોનું આંજણ તો બને જ છે. મિત્રની મુશ્કેલીમાં કરેલી મદદ મિત્રને નહિ, આપણને કામ આવે છે. આપણી જીવનયાત્રાનું એ ભાથું છે. હાથમાં હાથ આપી હાથનો ઉધ્ધાર કરીએ તો એ હાથ જ સાથે આવશે. કોઇના ખુલ્લા હાથમાં મુઠ્ઠી વાળીને આપીએ તો આપનારની મુઠ્ઠી જ છલકાઇ જતી હોય છે. સંગીતના સૂર સાથે ભળી જઇએ તો સંગીત તન્મયતાપૂર્વક શ્વાસ સાથે સંયોજાઇ જતું હોય છે. જે કોઇ આપણા સંપર્કમાં કે સહવાસમાં આવે તેને આત્મીયતાથી ચાહવાથી જ જીવન સમૃધ્ધ થાય છે, એ જ ઐશ્વર્ય છે. જગતમાં જે નથી દેખાતું તે જોવાનું છે. જગતને જે નથી સંભળાતું તે સાંભળવાનું છે, જગતને જે નથી સમજાતું તે સમજવાનું છે - કવિઓએ અને ભજનિકોએ એ જ વાતને વળી વળીને ગાઇ છે - કહી છે - ઝરણાં ક્યારેય જંગલ, રાત્રિ અને પશુ-પ્રાણીથી ડરતાં નથી એ તો બસ દોડ્યા કરે છે કોઇ તરસ્યાની તરસ ઠારે છે - એ જ એમની મૂડી છે. સૂરજ થાકતો નથી યુગોથી ઊગ્યા કરે છે એની પ્રકાશ પાથરવાના કર્મની નિયમિતતા એની મૂડી છે. વૃક્ષ છાંયો અને ફળ આપવાની ના પાડતું નથી - આવાં પ્રકૃતિના તત્ત્વો જ આપણને જીવનનો બોધ આપે છે. બહારની સંપત્તિથી અંદરની સંપત્તિને ખોરવી નાખવા કરતાં, અંદરની સંપત્તિથી સમૃધ્ધ થવું હોય અને સાથે લઇ જવા જેવી લ્હેરખીઓને સાથે રાખી જીવીએ. ધન્યતાનો અવશ્ય અનુભવ થશે. ચપટી તાંદુલના ચમત્કારથી ‘અઢળક ઢળિયો રે શામળિયો’ પ્રચલિત પંક્તિ પ્રેમનું દૃષ્ટાંત બની બેઠી છે.

બ્રિટન : પબે બિયરની બ્રાન્ડને કુખ્યાત આતંકીનું નામ આપતા જ ગ્રાહકોનો ઘસારો, વેબસાઇટ ઠપ્પ

અમેરિકા : દુનિયાનો સૌથી ઊંચા બળદે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચીનમાં આવેલું છે દુનિયાનું સૌથી અમીર ગામ, શાનદાર ઘર સાથે થીમ પાર્ક અને હેલિકોપ્ટર ટેકસી સેવા ઉપલબ્ધ

લંડન: ફકત ૬ ફુટ પહોળાઇ ધરાવતા બે બેડરૂમનો ફલેટ વેચાયો ૮ કરોડમાં, અંદરની ચીજવસ્તુઓ આશ્ચર્યજનક

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ