અઝરબૈજાનો આર્મનિયા પર હુમલો : ૨૪ કલાકમાં કારાબાખ પ્રદેશ પર કબજો કર્યો, ૨૦૦ના મૃત્યુનો દાવો
-રશિયાએ યુદ્ઘવિરામ કરાવ્યો -નાગોર્નો-કારાબાખ ક્ષેત્ર આર્મનિયા અને અઝરબૈજાન વચ્ચે ૨૦ કરતા વધુ વર્ષથી વિવાદ
અઝરબૈજાને ૨૪ કલાકની અથડામણ બાદ નાગોર્નો-કારાબાખ પ્રદેશ પણ ફરીથી કબજો કરી લીધો છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ ગુરુવારે આની જાહેરાત કરી હતી. અલગતાવાદી દળોના આત્મસમર્પણ બાદ તેમણે સેનાના જુસ્સાના વખાણ કર્યા હતા.
૧૯ સપ્ટેમ્બરના રોજ, અઝરબૈજાને આર્મનિયાના નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં અલગતાવાદીઓ સામે હૂમલો કર્યો હતો. અઝરબૈજાને કહ્યું કે જયાં સુધી નાગોર્નો-કારાબાખના અલગાવવાદીઓ આત્મસમર્પણ નહી કરે ત્યાં સુધી આ લડાઇ ચાલુ રહેશે.
અહેવાલ અનુસાર, કારાબાખમાં હાજર અલગતાવાદીઓએ આર્મનિયા તરફથી કોઇ મદદ ન મળતાં આત્મસમર્પણ કર્યુ. આર્મનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હૂમલામાં ૭ નાગરિકો સહિત ૩૨ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦ લોકો ઘાયલ થયા હતા.
જયારે આર્મનિયા અલગતાવાદીના માનવાધિકાર અધિકારીઓના જણાવ્યા અનુસાર હૂમલામાં લગભગ ૨૦૦ લોકોના મોત થયા છે, જયારે ૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, આ આંકડાની પુષ્ટિ થઇ નથી. અઝરબૈજાનના જણાવ્યા અનુસાર, યુદ્ઘવિરામ પહેલા તેની સેનાએ અલગતાવાદીઅની લગભગ ૯૦ જગ્યાઓ પર કબજો કરી લીધો હતો.
૨૦ સપ્ટેમ્બરના રોજ, રશિયન પીસકીપર્સ દ્વારા બંને પક્ષો વચ્ચે યુદ્ઘવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અઝરબૈજાનની શરતોપર આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારથી, અઝરબૈજાનની સેનાએ આર્મનિયા પર તેની સૈન્ય કાર્યવાહી બંધ કરી દીધી છે. કરાર અંગે બંને પક્ષોની પ્રથમ બેઠક ૨૧ સપ્ટેમ્બરે અઝરબૈજાનના યેવલાખ શહેરમાં યોજાશે. કરાર અનુસાર,કરાબાખ દળોને વિખેરી નાખવામાં આવશે અને તેમના શસ્ત્રો જપ્ત કરવામાં આવશે. આ સિવાય આર્મનિયન સેનાને પણ આ વિસ્તારમાંથી પીછેહઠ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, આર્મનિયાની સરકારે દાવો કર્યો છે કે તેના દળોને કારાબાખ ક્ષેત્રમાં કયારેય તૈનાત કરવામાં આવ્યા નથી.
આ હુમલા બાદ આર્મનિયાની રાજધાની યેરેવાનમાં વડાપ્રધાન નિકોલ પશિનાન વિરૂદ્ઘ પ્રદર્શન થયું હતું. લોકોએ પશિયાનના રાજીનામાની માંગ કરી હતી. કારણ કે તે પરિસ્થિતિ સંભાળી શકયા ન હતા. સુરક્ષાદળો અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
નાગોર્નો-કારાબાખ ક્ષેત્ર આર્મનિયા અને અઝરબૈજાન વચ્ચે ૨૦ વર્ષથી વધુ સમયથી વિવાદનું કારણ છે. કોઇ દેશ તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપતો નથી. ૧૯૮૮થી, બંને યુરેશિયન દેશો નાગોર્નો-કારાબાખ વિસ્તાર પર કબજોકરવા માંગે છે. આ પ્રદેશ આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈજાનનો ભાગ છે, પરંતુ૧૯૯૪થી આર્મનિયાના વંશીય જૂથો દ્વારા કબજો કરવામાં આવ્યો છે. તે ઇરાન, રશિયા અને તુર્કીની સરહદ પર દક્ષિણ કાકેશસમાં એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક વિસ્તાર છે.