Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
‘પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન યે ઈસ કરિયર કે તીન સ્તંભ હૈ!’
અમિતાભ બચ્ચન આ ઓક્ટોબરમાં જીવનના નવમા દાયકામાં પહોંચી ચૂક્યા છે. ત્યારે તેમના વિશે, તેમની એનર્જી અંગે કે જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમ બાબતે અને સતત દેખાતી તેમની સૌજન્યશીલતાને વખાણવા નવું શું લખી શકાય? પણ એક જમાનામાં બોક્સ ઓફિસ અને તેના અપ્રતિમ કલેક્શન્સને લીધે 'વન મેન ઇન્ડસ્ટ્રી' તરીકે ઓળખાયેલા સુપર સ્ટાર છેલ્લાં વીસ વરસમાં જે રીતે વિવિધ ફિલ્મોમાં તેમના અભિનય અને ટીવીના પ્રસ્તુતકર્તા તરીકે વધુને વધુ પરિપકવ થયા છે તેની યોગ્ય નોંધ તો લઈ જ શકીએ ને?
24/09/2023 00:09 AM Send-Mail
અમિતાભ બચ્ચન આ ઓક્ટોબરમાં જીવનના નવમા દાયકામાં પહોંચી ચૂક્યા છે. ત્યારે તેમના વિશે, તેમની એનર્જી અંગે કે જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમ બાબતે અને સતત દેખાતી તેમની સૌજન્યશીલતાને વખાણવા નવું શું લખી શકાય? પણ એક જમાનામાં બોક્સ ઓફિસ અને તેના અપ્રતિમ કલેક્શન્સને લીધે 'વન મેન ઇન્ડસ્ટ્રી' તરીકે ઓળખાયેલા સુપર સ્ટાર છેલ્લાં વીસ વરસમાં જે રીતે વિવિધ ફિલ્મોમાં તેમના અભિનય અને ટીવીના પ્રસ્તુતકર્તા તરીકે વધુને વધુ પરિપકવ થયા છે તેની યોગ્ય નોંધ તો લઈ જ શકીએને? સૌ જાણે છે એમ, 'એબીસીએલ'ના ધબડકાને કારણે દેવાદાર થઈ ગયેલા બચ્ચને યશ ચોપ્રા પાસે જઈને કામની રીતસર માગણી કરી હતી અને પરિણામે આવ્યું 'મોહબ્બતેં'. તેમાં એક શિક્ષણ સંસ્થાનના આચાર્ય તરીકે કડકાઇથી બોલાતા આ ફેમસ શબ્દો 'પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન યે ઇસ ગુરૃકુલ કે તીન સ્તંભ હૈ'! એવા જ સદગુણો અમિતાભની પ્રલંબ કરિયરને, ખાસ કરીને નવા મિલેનિયમના છેલ્લાં વીસ વર્ષ કરતાં વધુ સમયને પણ લાગૂ પડી શકે. પણ એ બધાના પ્રારંભના મૂળમાં હતો ટીવીના એક નવા માધ્યમને પણ કરિયર તરીકે સ્વીકારવાનો પોઝિટીવ એટીટયુડ! એ વર્ષ હતું ૨૦૦૦નું અને અખબારોમાં પ્રચારનો એક ધમાકો શરૃ થયો... 'નૌ બજ ગયે ક્યા?' એ તે વર્ષે ત્રીજી જુલાઇના રોજ શરૃ થનાર ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ના પ્રથમ એપિસોડની જાહેરાતો હતી. ત્યાં સુધીમાં સિનેમા અને ટીવી હરીફ માધ્યમો ગણાતાં.એટલે ટીવીના ગેમશોમાં 'સાંપ સીડી' વાળા મોહનકપૂર કે 'અંતાક્ષરી' રમાડતા અનુ કપૂરનાં નામ થયાં હતાં. પરંતુ, ફિલ્મ સ્ટાર માટે તો તેને 'ઇડિયટ બોક્સ' કહી ઉપાલંભમાં નાકનું ટીચકું ચઢાવવાનો સહેલો વિકલ્પ હતો. એટલે તેમાં મોટા પર્દાની ૭૦ એમ. એમ.ની 'લાર્જર ધેન લાઇફ' ઇમેજને બદલે પોતાને (ત્યારે તો) ૨૦-૨૫ ઇંચના 'ડફોળ ડબ્બા'માં સમાવવાનું બહુ મોટું જોખમ હતું. છતાં 'યે પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં હૈ' અને 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં' જેવા ખુદ્દારીભર્યા ડાયલોગથી ઉભી થયેલી સ્ક્રિન ઇમેજને બદલે ટીવીને તેના શરૃઆતના દૌરમાં એક વૈકલ્પિક માધ્યમ તરીકે સ્વીકારનારા લાચાર અભિનેતા દેખાવાની તૈયારી સાથે તેમાં ઝંપલાવવાની બચ્ચનસરની હિંમતનું સાચુ મૂલ્યાંકન કેટલા વિવેચકોએ કર્યું હશે?

એજ રીતે, એક્ટીંગમાં પણ બીજી ઇનિંગ્સમાં પહેલા દાવ કરતાં સંખ્યાબંધ મજબૂત પાત્રો સતત પરંપરાગત અનુશાસન અને નિષ્ઠાપૂર્વક ભજવવાના તેમના ટ્રેક રેકોર્ડની નજીક (હોલીવુડ સહિતના!) વિશ્વના કોઇ એક્ટર આવે એમ નથી એમ અમારું નમ્રતાપૂર્વક માનવું છે! એની દલીલમાં એ મોટી ઉંમરના દરેક પાત્રમાં કેવા દિલથી ઢળી જાય છે તેનાં 'બ્લેક'થી શરૃ કરીને ૨૦૨૦ના 'ગુલાબો સીતાબો' સુધીનાં કેરેક્ટર વિશે પ્રસ્તુતિ કરી શકાય. 'બ્લેક'માં અલઝાઇમરથી પીડાતા વૃદ્ધ 'મિસ્ટર સહાય'ના સતત ઝુકેલા ખભા, હાલતી ડોકી અને ધ્્રુજતા હાથની બૉડી લેંગ્વેજ ૨૦ વરસ પછી પણ કોણ ભૂલી શક્યું હશે? તો છેલ્લે 'ગુલાબો સીતાબો'માં એ પોતાની પત્નીના લાલચી શૌહર 'મિરઝા' તરીકે વધેલી સફેદ દાઢી, મોટું નાક, જાડાં ચશ્માં, લઘરવઘર વસ્ત્રો સાથે એ જ્યારે લખનૌમાં શૂટીંગ કરતા ત્યારે કહેવાય છે કે શરૃઆતમાં તો લોકોએ તેમને ઓળખ્યા નહોતા. તો 'પિકુ'માં એ કલકત્તામાં જાહેર રોડ પર સાયકલ ચલાવતા રહ્યા ત્યારે તેમની વેશભૂષા તેમ જ વળેલા ખભે પેડલ મારતા જોનારને એ કોઇ રિયલ સિનિયર સિટિઝન લાગતા હતા! 'પિકુ'નો કબજિયાતના પેશન્ટ તરીકેનો અભિનય કરવો અને એટલા જ સરસ કલાકારો દીપિકા અને ઇરફાન 'આયા ક્યા?' એમ કહી મળત્યાગ વિશેની પૃચ્છા કરે. ત્યારે પોતે દરેક વાતને એ સુગ ચઢી શકે એવા વિષય વિશે પોતાના તર્ક સાથે દલીલ પ્રસ્તુત કરે તેમ છતાં એ ફિલ્મને સૌ એન્જોય કરે એ કેટલી મોટી સિધ્ધિ કહી શકાય? જ્યારે 'પિંક'માં જે ગંભીરતાથી એ કહે છે, 'ના સિર્ફ એક શબ્દ નહીં... અપને આપ મેં પુરા વાક્ય હૈ' ત્યારે સેક્સ એન્જોય કરવાના મુદ્દે મહિલાઓના અધિકારને હાઇલાઇટ કરવાના સામાજિક બદલાવને સ્વીકૃત કરવામાં એ ફિલ્મે અને પ્રભાવી ઢંગથી પેશ કરાયેલા એવા સંવાદોએ આપેલા પ્રારંભિક યોગદાનને સોશ્યલ સાયન્ટિસ્ટોએ નોંધવાનું પૂણ્યકાર્ય વેળાસર કરવું જોઇએ. તો 'પા' માટેની તેમની સિન્સયરિટી?

'પા'માં હિન્દી સિનેમાના ઇતિહાસનો સૌથી અઘરો પ્રોસ્થેટિક લગાડીને કરવાના મેક અપ અને ગેટઅપમાં પ્રવેશતાં કલાકો લાગતા અને છતાં કોઇ ફરિયાદ નહીં. એ ઉંમર વધવા છતાં શરીર નહીં દર્દીઓને યોગ્ય સહાનુભૂતિ પૂરી પાડવામાં સહાયક થઈ શકે એવી ફિલ્મ હતી. તેમાં તેમને પોતાના પુત્ર અભિષેક બચ્ચનના દીકરા બનવાનું હતું! તો પોતાનાં સંતાનો માતાપિતાને નથી સાચવતાં એ સામાજિક મુદ્દાને હાઇલાઇટ કરતી 'બાગબાન' પણ નવા મિલેનિયમની જ ફિલ્મ. તેમાં 'માબાપ જિંદગી કે પેડ કી જડેં હૈં'ના કેન્દ્રીય વિસ્તારવાળો છેલ્લો (જાવેદ અખ્તરે લખી આપેલો) મોનોલોગ આબાલવૃદ્ધ સૌની આંખો ભીની કરાવી જતો હતો. તેમાં પણ 'તુમ હો તો સબ કુછ હૈ, તુમ નહીં તો કુછ ભી નહીં... કુછ્છ ભી નહીં' કહેતા એ સિનિયર ફિલ્મમાં ફોન પર 'મૈં યહાં તુ વહાં' ગાય કે પછી જુવાનિયાં સાથે 'શાવા શાવા' પર ડાન્સ કરે, ફિલ્મ જોતાં તમને કશુંય અજુગતું ના લાગતું હોય તો એ હતો અમિતાભ બચ્ચનનો સ્ટારપાવર! પિક્ચર જોતી વખતે લોજીકને ભુલવાડી દે એ જ એક્ટીંગની તાકાત. તેમની અંડરવર્લ્ડ સાથે પનારો પાડતી ફિલ્મ 'સરકાર' હોય કે પછી સરકાર સામે ઉપવાસનું શસ્ત્ર ઉઠાવતા અન્ના હજારે જેવા સામાજિક કાર્યકરને કેન્દ્રમાં રાખીને બનેલી 'સત્યાગ્રહ' હોય; 'હરિ અનંત હરિ કથા અનંતા'ની માફક અમિતાભ બચ્ચનની એક્ટીંગની કહાણી પુસ્તક ભરાય એટલી છે. આપણે આ ટૂંકા લેખમાં હજી તેમની કરિયરના સમુદ્રમાંથી માત્ર આચમની જ ભરી છે... તેમનો અંગત સૌજન્યશીલ અભિગમ કે તેમની નિયમિતતા અથવા તેમના આરોગ્ય અંગેની આજીવન લડાઇ અને દાંપત્યજીવનને તો સ્પર્શ પણ ક્યાં કર્યો છે? અમિતાભને કોઇ 'પુરાને જમાને કે આદમી'નું મહેણું મારે છે એનો અંદેશો પણ ગમતો નથી. 'કેબીસી'ના એપિસોડમાં એક કન્ટેસ્ટન્ટે એમ કહ્યું કે 'રાતમેં આપ ઔર જયાજી પુરાને ગાને સુનતે હોંગે...' ત્યારે તરત તેમણે સામો સવાલ કર્યો, 'કિસને આપ સે કહા કી હમ પુરાનેગાને સુનતે હૈં?!!'