પડછાયાની પરકમ્મા
પડછાયા પહેરીને ઊભેલો માણસ અદ્દલ પડછાયાની માફક ફર્યા કરે છે, નાનો-મોટો થયા કરે છે. ને વળી, પડછાયાની જેમ સાવ પરાવલંબી એવો માણસ બીજા પડછાયાઓની પાછળ ફરતાં રહેવામાં પોતાનું અસલ અસ્તિત્વ ગૂમાવી બેઠો છે. સાવ ખોટું હસતો માણસ કયારેય ભરોસાપાત્ર હોતો નથી. કૃત્રિમ હસ્તધૂનન કરતાં માણસથી ચેતીને છેટા રહેવું
સાવ અચાનક એક અજ્ઞાત પંક્તિ વાંચવા મળી આજે-
જરા યે ધૂપ ઢલ જાએ ફિર હાલ પૂછેંગે
યર્હાં કુછ સાયે ખુદકો ખુદા બતાતે હૈ
ઝળહળતા સૂર્યપ્રકાશમાં આપણી આસપાસ અજવાળું જ અજવાળું હોય ત્યારે એ અજવાળાથી આકર્ષાઇને ઘણા લોકો આપણી આજુબાજુ એ અજવાળાનો લાભ કે ગેરલાભ લેવા આવી પહોંચતા હોય છે. એનું એક કારણ તો એ હોય છે કે એમનું પોતાનું કોઇ અજવાળું હોતું નથી. એમની ભીતરના અંધારાથી એ ડરતા હોય છે. ને માટે જ જે તરફ અજવાળું જોયું એ તરફ દોટ મુકતા હોય છે. અજવાળે ઊભા રહીએ ત્યારે અંધારું તો પડછાયો બનીને તમારી પાછળ ચાલતું હોય છે. આવા પડછાયાઓને પૂજનારો એક આખ્ખો વર્ગ હોય છે. પડછાયો એ આમ તો વાસ્તવિક રીતે દેહધારી નથી પરંતુ દેહધારીની આકૃતિનો જ એક અંધારીયો આકાર માત્ર એટલે પડછાયો. હવે આવો પડછાયો એક દંભ બનીને તમારી દેહાકૃતિની આસપાસ ફર્યા કરે છે. વળી, જે બાજુથી સૂર્યપ્રકાશ આવે એ મુજબ પડછાયાઓ પણ પોતાનું સ્થાન અને કદ બદલતા રહે છે. પરંતુ ખરી વાત એ છે કે આ પડછાયાઓ અજવાળાના મોહતા જ છે. ને તેમ છતાં એ અજવાળાનો આભાર માનવાને બદલે ગુમાનમાં નાના મોટા થયા કરે છે. લેકિન, કિન્તુ, પરંતુ સૂર્ય તો આવા કોઇ પડછાયાઓને પુછીને કયાં ચાલે છે કેમકે એની પાસે તો એનું પોતાનું અખૂટ તેજ ઉપલબ્ધ છે. એ તો પોતાના ક્રમ મુજબ સતત અજવાળાને વરેલો છે. એ તો સમય એની ગતિ મુજબ, પરિસ્થિતિ અને સંજોગો બદલે છે અને પરિણામે આપણું અર્થઘટન એવું રહે છે ક સૂર્ય ઊગ્યો અને આથમ્યો ખરું સત્ય તો સૂર્ય પોતે જ છે કે જે ઊગતો કે આથમતો નથી. હવે આ પડછાયાની હેસિયત કેટલી ? તો જવાબ છે કે દેહાકૃતિ પર પડતાં અજવાળા જેટલી વળી, આવા પડછાયાનું આયુષ્ય કેટલું ? તો સૂર્ય એકવાર ઊગીને આથમે એવા આપણા અર્થઘટનમાં સમય જેટલું. જેમ-જેમ અજવાળું ઓછું થતું ગયુ એમ-એમ પડછાયાનું અસ્તિત્વ જોખમાતું ગયું. ને છેવટે અંધારાના આક્રમણ સામે પડછાયો કે સાવ લાચાર દિવસભરનું પડછાયાનું ગુમાન રાત પડતાં જ ચકનાચૂર થવાનું જ છે. સાથો સાથ આવા કોઇ મોટા પડછાયાની પરકમ્મા કરતાં કેટલાય નાના પડછાયાઓ પણ તરફડીયા મારીને થઇ જશે ગાયબ. કોઇ સમયે દેહાકૃતિ કરતાં પણ વધુ મોટા થઇને વિસ્તારેલો એવો આ પડછાયો પોતાનું અસ્તિત્વ ટકાવવા ફાંફા મારે છે પરંતુ તેમ છતાં અંધારું આવા પડછાયાને ગળી જાય છે. વળી, રોજબરોજની આવી ક્ષુલ્લક ઘટનાને સૂર્ય તો કયારેય લ-યમાં પણ લેતો નથી એ સત્ય છે. આવા પામર પડછાયાઓનું હોવું એ જ તો અજવાળાના અસ્તિત્વનો પુરાવો છે.
દુનિયા આખી પડછાયાઓથી ઉભરાઇ રહી છે. અંધારું ઘરને ઘેરી વળે ત્યારે કુત્રિમ રીતે પણ અજવાળું ઊભું કરી લેવા આપણે મથીએ છીએ કેમકે પડછાયાની આપણને ટેવ પડી ગઇ છે. આવા પડછાયાઓનો આદિ થઇ ગયેલો માણસ અંધારું જીરવી શકતો નથી. ખરેખર તો આવું અંધારું પણ આપણા અસ્તિત્વનો જ તો હિસ્સો છે. દેહની અંદર તો આવું અંધારું જીરવી શકતો નથી. ખરેખર તો આવું અંધારું પણ આપણા અસ્તિત્વનો જ તો હિસ્સો છે. દેહની અંદર તો આવું અંધારું જ ધરબાયેલું પડયું છે ને તો પણ દેહનો એક-એક અવયવ પોતાનું કામ નિયત રીતે કરી રહ્યો છે. અંધારાથી ડરવાની કયાં જરૂર છે! એજ તો આધાર છે પોતીકા અજવાળાને પ્રગટ થવાનો. ઉછીનું લીધેલું અજવાળું લાંબુ ટકતું નથી. એ જ રીતે દંભ અને દેખાડાનું શક્તિ પ્રદર્શન એ ખરેખર તો મતિ-પ્રદર્શન જ હોય. પરંતુ એમાં પણ જયારે 'અતિ'નું પ્રમાણ આવે છે ત્યારે આવું વરવું પ્રદર્શન કડડભૂસ થતું જોવા મળે છે. શક્તિ અને સત્તા બહુ નાજુક હોય છે. વળી, એને જીરવવી કે પચાવવી માટે સત્વ હોવું ઘટે અને આવું સત્વ માંગ્યુ ઉધાર મળતું નથી. એ તો કેળવવું પડતું હોય છે આવી છે. આવી કેળવણીમાં કહેવાતું શિક્ષણ કયાંય કામ આવતું નથી હોતું. આવી કેળવણી એટલે તો આચાર-વિચાર અને સંસ્કારનું સંમિશ્રણ. બાળક મોટું થયા પછી એનું આચરણ જોઇને આપણે ત્યાં એવું પૂછાય છે કે આને ગળથૂથી કોણે પાઇ છે ? આ ગળથૂથીમાં મળતાં સંસ્કાર એ કોઇ આજકાલના શિક્ષણથી નથી આવતા, પરંતુએ તો સદીઓથી ચાલ્યા આવતા ડીએનએનો એક ભાગ હોય છે. વિજ્ઞાન ભલે મોડીફાઇડ ડીએનએના અખતરે ચડયુ હોય પરંતુ એનું મૂળ અને કૂળ તો વિજ્ઞાનને પણ હાથ નથી લાગવાનું.
પડછાયા પહેરીને ઊભેલો માણસ અદ્દલ પડછાયાની માફક ફર્યા કરે છે, નાનો-મોટો થયા કરે છે. ને વળી, પડછાયાની જેમ સાવ પરાવલંબી એવો માણસ બીજા પડછાયાઓની પાછળ ફરતાં રહેવામાં પોતાનું અસલ અસ્તિત્વ ગુમાવી બેઠો છે. સાવ ખોટું હસતો માણસ કયારેય ભરોસાપાત્ર હોતો નથી. કુત્રિમ હસ્તધૂનન કરતાં માણસથી ચેતીને છેટા રહેવું. પહેલાના સમયમાં 'આરામ હરામ હૈ' એવું કહેવાતું, પરંતુ હવે કદાચ 'હરામ હી આરામ હૈ' જેવી સ્થિતિ થઇ રહી છે. લુચ્ચા, સ્વાર્થી, કપટી માણસો 'સ્માર્ટ' કહેવાવા લાગ્યા છે એવા સમયમાં 'નેકદિલ', 'નિખાલસ' હોવું એ સજાપાત્ર ગુનો બને છે. પરંતુ યાદ રાખવું કે આવા નિર્ભળ ગુના આચરવાની પણ ઔકાત જોઇએ. પણ આ તો પડછાયાઓનું શહેર છે, દિવસ આથમતાં કૃત્રિમ ઝળહળતાનું ધસમસતું પૂર આવે છે અને એમાં આ નગ્ન પડછાયાઓ ઉન્માદપૂર્ણ વરવું નૃત્ય કરવા થનગની રહયા છે. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો એમ એક પછી એક પડછાયા ઉમેરાતા જાય છે એકમેકમાં અને આમને આમ ભેગા થતાં રહે છે. અલગ-અલગ કદ-કાઠીના પડછાયાઓ. પડછાયામાં પડછાયા ભળી રહ્યા છે, હળી રહ્યા છે, મળી રહ્યા છે એકમેકના દંભને પોષતા રહેવા અને કયાંક ને કયાંક સત્વશીલ સુંદરતાને નોચતા રહેવા. સાવ અચાનક બનાવટી અજવાળાનો અતિરેક ફુગ્ગાની માફક ફૂટી પડશે ત્યારે આવા પડછાયાઓનું કદ ખૂટી પડશે. ધબાંગ કરતું ત્રાટકતું અંધારુ તકની રાહ જોઇને બેઠું છે આ પડછાયાઓની જાણ બહાર. પૃથ્વી ફરી રહી છે એની ધરી ઉપર, દૂર ઊભો સૂર્ય એનું કામ કરી રહ્યો છે. ને આ પડછાયો તો સાવ નિર્લજ્જ બનીને કરી રહ્યા છે એકમેકની પરકમ્મા.
Secret Key
ઉધારના અજવાળે પડછાયો ગુમાનમાં ફરે તો એમાં અજવાળાનો શું વાંક !
પ્રતિભાવ : joshinikhil2007@gmail.com