Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ભાદરવો ભરપૂર વહે છે
ભાદરવો એ ચોમાસાનો ત્રીજો મહિનો હોવા છતાં ક્યારેક ચોમાસું પૂર્ણ થયાનો અહેસાસ કરાવે છે - એ તાપનો પ્રતાપ. ખેતરો ધાનથી લચી પડે છે. પંખીઓ ખેતરના ખોળે, માળા જેવી માયા બાંધે છે. સૂર્ય તેજ દ્વારા સંદેશા મોકલે છે કે મેઘની જેમ પૃથ્વી ઉપર તડકીલો હાથ ફેરવે છે! અષાઢ ‘આવો’ કરે છે ત્યારે ભાદરવો ‘આવજો’ કરતો હોય તેવી ક્યારેક પ્રતીતિ થાય છે.
24/09/2023 00:09 AM Send-Mail
ઉત્તરા ફાલ્ગુની અને ચિત્રા નક્ષત્રનો સમય એ અર્થ વિસારે પડી ગયો છે, પણ જેમાં ખૂબ તાપ પડે, અકળામણ થાય એ જ અર્થ યાદ રહી ગયો છે - એ સમય છે ભાદ્રપદ-ભાદરવો. ભાદરવામાં વૈશાખને પાછા પાડે એવો તાપ પડે, આકળ-વિકળ થઇ જવાય છે. ત્યારે એ તાપને ‘ઓતરા ચીતરા’ કહે છે. એ તાપના દિવસોમાં જ્યારે તાપ પડે, ત્યારે એ સહેવાતો નથી, પરંતુ અષાઢ-શ્રાવણના વરસાદમાં પોષણ પામીને ઊગેલી વનસ્પતિને ફળવતી બનાવવાનું કામ ભાદરવો કરે છે... જેમ હમણાં જ આકાશમાંથી ધારાવસ્ત્ર થઇને મેઘ આવ્યો તેવી જ રીતે તડકાના તાકા લઇને સૂરજ હેઠે ઊતરે છે. પુણ્યનો પ્રકાશ સઘળે પથરાય છે. ભાદરવામાં બાજરી કાપણીલાયક થવા આવે, બાજરી પોતે ગરમ-અને ઉપરથી તાપ પડે એટલે વાઢનારાં થાકી જાય, હાંફી જાય. મજૂરો ત્રાસ પોકારે... એ તાપ જોઇને કેટલાય કૃષિકો બાવા બની ગયા એટલો પ્ર-ભાવ ઓતરા ચીતરાના તાપનો.. વાદળો ક્યારે ઘેરાય ને ક્યારે વેરાય.. નક્કી જ નહિ, સૂરજ સંતાય પણ ખરો અને દેખાય પણ ખરો. આકાશ પણ રંગો બદલ્યા કરે. ભાદરવાને કશુંય અલ્પ ખપતું નથી, તેને ભરપૂર જોઇએ... ‘ભાદરવો ભરપૂર વહે છે’ તેવું કહેવાય છે તેની જગ્યાએ ‘ભાદરવો ભરપૂર તપે છે’ એમ પણ કહી શકાય. તાપ ડરાવે છે - વૈરાગી બનાવે છે. જે અષાઢ-શ્રાવણે રાગ ઊભો કર્યો, એ રાગની સામે ભાદરવો વૈરાગની અનુભૂતિ કરાવી જાય છે... આ સમયગાળો જ તપ કરવાની તક આપે છે.

અષાઢની હેલી અને શ્રાવણના સરવરિયાની મીઠી યાદોને ભુંસી નાખે છે ભાદરવો. ટાઢક ઉપર પાણી ફેરવી નાખે છે ભાદ્રપદ વૃક્ષો ખુશખુશાલ છે તેમને ભાદરવાનો ભય નથી લાગતો... વાડ-કાંટા પણ પ્રસન્ન છે. વેલી પણ રાજીના રેડ છે. સમગ્ર સીમ પ્રેમ કરી ચૂકેલી નારી જેવી દેખાય છે. અષાઢમાં મેઘનું મિલન થાય છે તે વાત નક્કી.. શ્રાવણ પ્રસન્નતા પ્રસરાવે છે એ વાત પણ કબૂલ. ભાદરવો તો ભૂલભૂલામણી રચે છે. ક્યારેક ભરપૂર પાણી વરસાવે, ક્યારેક ભરપૂર તડકો વરસાવે! આ ભરપૂરતા જ એને ફાવે છે. ભાદરવામાં વનરાજી-ધાન ગર્ભસ્થ થતાં હોય છે. ભાદરવો એ ચોમાસાનો ત્રીજો મહિનો હોવા છતાં ક્યારેક ચોમાસું પૂર્ણ થયાનો અહેસાસ કરાવે છે - એ તાપનો પ્રતાપ. ખેતરો ધાનથી લચી પડે છે. પંખીઓ ખેતરના ખોળે, માળા જેવી માયા બાંધે છે. સૂર્ય તેજ દ્વારા સંદેશા મોકલે છે કે મેઘની જેમ પૃથ્વી ઉપર તડકીલો હાથ ફેરવે છે! અષાઢ ‘આવો’ કરે છે ત્યારે ભાદરવો ‘આવજો’ કરતો હોય તેવી ક્યારેક પ્રતીતિ થાય છે. વર્ષાભીના નમતા પહોરે ચમકી ઊઠેલો તડકો ભાદરવાને ‘આવજો’ કહે છે ત્યારે ધરતીનો પ્રેમ જોવા જેવો હોય છે. પર્યૂષણની પુણ્યકમાણીનો અને ગણેશજીની જન્મજયંતીની ઉજવણીનો આ મહિનો છે - ભાદ્રપદ સભરતાનો મહિનો છે.

‘ભાદરવો ભરપૂર વહે છે કાગ નિસાસા ભરતા સાજન’ - રાજેન્દ્ર શુક્લ કવિ આ પંક્તિમાં બધી જ દૃષ્ટિએ સભર ભાદરવાના દિવસોને શ્રાદ્ઘના દિવસો પણ ગણાવે છે એ દિવસોમાં શ્રાદ્ઘ દ્વારા પિતૃતર્પણ થાય છે. પિતૃઓને સંતોષ કાગ દ્વારા અપાતો હોય છે. ભારતીય પરંપરામાં કાગનો મહિમા છે -શ્રાદ્ઘનો મહિમા છે - પિતૃતર્પણનો મહિમા છે એ ભાદરવાના ભાગ્યમાં લખાયું છે. અંબામાના ગોખમાં અંબાભક્તો સંઘ કાઢીને જાય છે - એ ભીડ પણ ભરપૂર... એ ભીડના ભજનો - એનો ભાવ - એની જાતરા... બધું જ ભરપૂર. સામે પક્ષે મા અંબાની કૃપા પણ ભક્તો ઉપર ભરપૂર... ભાદરવાને ઓછું ક્યાં કશું ખપે જ છે? હવે શરદની પ્રતીક્ષા છે. શરદ આવી રહી છે તેની રાહ જોવાય છે. શરદના ગર્ભમાં મોતી પાકવાના છે એનો સંકેત ભાદરવાથી મળવા માંડે છે. ડૂંડારૂપે, કણસલાંરૂપે પૃથ્વી જે ધન્યતા અનુભવે છે, એ સંતાન પ્રાપ્ત કરતી જનની સરીખી છે... ભાદરવો જ સૌભાગ્યનો સાક્ષી છે - એ સ્નેહભાવ પણ ભરપૂર, વાદળોની નાસભાગ પણ ભરપૂર, માતાજીની કૃપા પણ ભરપૂર, વૃક્ષવેલીની પ્રસન્નતા ભરપૂર, પર્ણોમાં ઉજાસ પણ ભરપૂર અને મૂળિયાં-થડ શાખાનો રાજીપો પણ ભરપૂર, પંખી-પશુનો આનંદ પણ ભરપૂર અને નદી, તળાવ વગેરેનો મલકાટ પણ ભરપૂર જ. ભાદરવામાં વર્ષા પધારે, રાતવાસો રોકાય પણ ખરી છતાંય ભાદરવાના ભાગ્યમાં યશ ઓછો હોય છે. પહેલો મહિનો અષાઢ પ્રથમ પુત્ર જેવો લાગે ભલે, પણ ભાદરવો ઓછો કમાઉ દીકરો નથી... એ યાદ રાખવું જોઇએ.. પૂર્વજો આ મહિનામાં દીકરાની ખબર લેતા હોય છે - આ મહિનામાં શુભપ્રસંગો ભલે ઓછા આવે, પણ ભાદરવો પોતે જ કેટલો બધો શુભ અને શુકનિયાળ છે!! બધાં જ ધાન ઢગલે ઢગલે ખળે ઊભરાય છે એમાં ભાદરવાના તાપની પણ કૃપા ઓછી નથી જ નથી... પિતૃઓ દેવ થઇને શુભાશિષ પાઠવે છે - એનો પ્રતિધ્વનિ આકાશ ઝીલે છે એટલે જ તો આકાશનું રૂપ બદલાતું જોવા મળે છે. ભાદરવાના ગર્ભમાં નરી સજીવતા છે. કોઠારમાં કે કોઠીમાં ભરેલા દાણાને તપાસવા પડે. ધાન્યમાં જીવ થઇ જાય છે... એ જીવ ભાદરવાનો જીવ છે. બાજરી તપાવવી પડે અને મગ-મઠ પણ તડકે મેલવા પડે - એ જીવો હેઠે ઊતારે છે - ભાદરવો - પેદા કરે છે ભાદરવો - ઓતરા ચીતરાની કૃપા કંઇ ઓછી નથી હોતી! કેટલાક ગામોમાં ભાદરવા સુદ બીજને દિવસે ઘરે બાંધેલા દૂધાળા ઢોરનું દૂધ વેચાય નહિ, એ દૂધ જેને ત્યાં ગાય-ભેંસ ન હોય તેને વહેંચાય... ખીર બનાવીને ખવાય... માતાજીને ધરાવાય. સુદ આઠમે ધરો આઠમ આવે એ દિવસે સ્ત્રીઓને રવિવાર આરામનો દિવસ. ‘ધરો’ના મૂળમાં ધ્રો શબ્દ છે - એટલે ‘ધરો આઠમ’ કહેવાયું છે. શ્વાન જગતમાં વસંત બેસે છે ભાદરવામાં... એ પણ ભરપૂર!! શ્રાવણની ચંચળતા અને આવનારા આસોની ગંભીરતા, બંને સદ્ગુણોનો સમન્વય ભાદરવાના વર્તનમાં ડગલે ને પગલે જોવા મળે છે - પ્રત્યેક રૂપમાં સર્જનની રેખાઓ નજરે પડે... સર્જનની સૂ-મ રંગોળીનું પર્વ એટલે ભાદરવો... આવો, આપણે તે રંગોળીને નિહાળીએ.

બ્રિટન : પબે બિયરની બ્રાન્ડને કુખ્યાત આતંકીનું નામ આપતા જ ગ્રાહકોનો ઘસારો, વેબસાઇટ ઠપ્પ

અમેરિકા : દુનિયાનો સૌથી ઊંચા બળદે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચીનમાં આવેલું છે દુનિયાનું સૌથી અમીર ગામ, શાનદાર ઘર સાથે થીમ પાર્ક અને હેલિકોપ્ટર ટેકસી સેવા ઉપલબ્ધ

લંડન: ફકત ૬ ફુટ પહોળાઇ ધરાવતા બે બેડરૂમનો ફલેટ વેચાયો ૮ કરોડમાં, અંદરની ચીજવસ્તુઓ આશ્ચર્યજનક

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ