તારાપુર : સુપરટેક એગ્રો ગ્રેન્સ પ્રા.લિ.એ લોન નહીં ભરીને ૧૧.પ કરોડની ઠગાઇ કર્યાની ગાંધીનગર સીબીઆઇમાં ફરિયાદ
બંેક ઓફ બરોડાના આસી. જનરલ મેનેજર સુરેન્દ્ર સિંઘલે ફરિયાદ નોંધાવતા સીબીઆઇએ ડિરેકટરો સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી
તારાપુર ખાતે આવેલ મેસર્સ સુપરટેક એગ્રો ગ્રેન્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેકટરોએ બેંક ઓફ બરોડામાંથી લોન મેળવીને ૧૧.પ કરોડની ઠગાઇ આચર્યાની ફરિયાદ ગાંધીનગર સીબીઆઇમાં નોંધાઇ હતી. આ મામલે દસ્તાવેજી તપાસણી, નિવેદન બાદ સીબીઆઇ દ્વારા ડિરેકટરો સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરવામાં આવ્યાનું જાણવા મળે છે.
ગાંધીનગર સીબીઆઇમાં બેંક ઓફ બરોડાના આસી. જનરલ મેનેજર સુરેન્દ્ર સિંઘલે ફરિયાદ નોંધાવી હતી કે, તારાપુર ખાતે આવેલ મેસર્સ સુપરટેક એગ્રો ગ્રેન્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટર અને ગેરન્ટરોએ ભેગા મળીને વર્ષ ર૦૧૬માં બેંકમાંથી ૯.૮૧ કરોડની લોન મેળવી હતી. જેમાં વ્યાજ સહિત લોનના નાણાં ન ભરતા ખાતુ એનપીએ કર્યુ હતું.
ત્યારબાદ બેંક ઓફ બરોડા દ્વારા ફોરેન્સીક ઓડિટ કરાવતા લોનના નાણાં અન્ય જગ્યાએ ડાયવર્ડ કરવામાં આવ્યા હતા અને અનેક ગેરરીતિઓ બહાર આવી હતી. આથી બેંક ઓફ બરોડાએ આ મામલે સીબીઆઇમાં લેખિત ફરિયાદ કરી હતી. સીબીઆઇ, ગાંધીનગરે બેંક પાસેથી જરુરી દસ્તાવેજો અને નિવેદનો લીધા હતા.
ત્યારબાદ સુપરટેક એગ્રો ગ્રેન્સ પ્રા.લિ.ના ડિરેકટરો વિનય નરૂલા, આદિક્ષા નરૂલા, અરૂણ નરૂલા અને અજાણ્યા સરકારી તેમજ ખાનગી વ્યકિત સામે ગૂનો નોંધીને તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.