ચિખોદરાના કટારિયા શો-રૂમમાંથી ૧૨.૯૩ લાખની થયેલી ચોરીમાં બે ભાઈઓ દાહોદથી ઝડપાયા
પકડાયેલા મનોજ બારીયાએ હાથે પહેરેલી ઘડિયાળના આધારે દાહોદ એલસીબીએ તપાસ હાથ ધરીને બન્ને ભાઈઓને ઝડપી પાડ્યા : બે શખ્સો ફરાર, રોકડા ૧.૬૪ લાખ કબ્જે કરાયા
ધરમે રેકી કરીને ચોરીની ટીપ્સ આપી હતી
પોલીસના જણાવ્યા અનુસાર ફરાર થઈ ગયેલો ધરમ આણંદ શહેરમાં મજુરી કામે આવતો હતો. જેથી તેણે કટારિયા શો-રૂમ જોયો હતો અને અહીંયા દરરોજ ગાડીઓની લે-વેચ થતી હોય મોટા પ્રમાણમાં રોકડ રકમ હશે તેમ માનીને તેણે બન્ને ભાઈઓને ચોરીની ટીપ્સ આપી હતી. જે અનુસાર ચારેય શખ્સો દાહોદથી એસટી બસ મારફતે આણંદ આવ્યા હતા અને મધ્યરાત્રીના સુમારે કટારિયા શો-રૂમમાં ત્રાટકીને ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ગેંગ મોટા-મોટા શો-રૂમમાં જ ચોરીઓ કરવાની ટેવવાળી છે અને અત્યાર સુધીમાં ૨૫થી વધુ શો-રૂમમાં ચોરીઓને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
૨૦ દિવસ પહેલા આણંદ નજીક આવેલા ચિખોદરા ગામની સીમના કટારિયા શો-રૂમમાંથી થયેલી ૧૨.૯૩ લાખની રોકડની ચોરીમાં સંડોવાયેલા બે સગા ભાઈઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડીને આણંદ રૂરલ પોલીસના હવાલે કરતા પોલીસે તેમની ઉક્ત ગુનામાં વિધિવત ધરપકડ કરીને ત્રણ દિવસના રીમાન્ડ પર મેળવ્યા હતા. રીમાન્ડ દરમ્યાન ૧.૬૪ લાખની રોકડ રકમ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ગત ૨જી તારીખના રોજ મધ્યરાત્રીના સુમારે ચારેક જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને શોરૂમમાં પ્રવેશ કરી કેશિયરના ચેમ્બરનુ ંલોક તોડી અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ ડ્રોવરનુ લોક તોડીને અંદર મુકેલા રોકડા ૧૨.૯૩ લાખની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચારેય શખ્સોએ મોઢે રૂમાલ બાંધેલા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. પોલીસને કેટલાક સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. જેમાં આદિવાસી ગેંગ સંડોવાયેલી હોવાનું તેમજ એક શખ્સે હાથે ઘડિયાળ પહેરેલી જોવા મળી હતી. જેના આધારે દાહોદ એલસીબીએ તપાસ કરતા આવી ઘડિયાળ અગાઉ અનેક ઘરફોડ ચોરી-લૂંટમાં પકડાયેલો મનોજ ઉર્ફે મુન્નો જોસીંગભાઈ બારીયા પહેરતો હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તેની તપાસ હાથ ધરીને દાહોદ ખાતેથી મનોજ ઉર્ફે મુન્નો તેમજ તેના ભાઈ સુનિલ જોસીંગભાઈ બારીયાને ઝડપી પાડ્યા હતા. બન્નેની પુછપરછ કરતા તેમણે પોતાના સાગરિતો ધરમ અને વિકાસ સાથે ઉક્ત ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
જેેથી બન્નેને આણંદ રૂરલ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના ત્રણ દિવસના રીમાન્ડ મેળવીને કુલ ૧.૬૪ લાખની રોકડ રકમ કબ્જે કરીને ફરાર થઈ ગયેલા બન્નેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.