વાસદ પાસેથી વિદેશી દારૂની ૧૫૬ બોટલો ભરેલી ટેમ્પી સાથે ચાલક ઝડપાયો
મીણીયાની કોથળીઓમાં પેક કરેલા પુંઠાના બોક્સમાં વેસ્ટેજ ફોમમા વિદેશી દારૂની પેટીઓ ભરી હતી
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વાસદના આરકેસી પ્લાન્ટ સામે વોચ ગોઠવીને ૩.૨૮ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ભરેલી ૧૩ પેટી સાથે ટેમ્પી ચાલકને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર પોલીસે મળેલી માહિતીના આધારે ગઈકાલે બપોરના સુમારે વોચ ગોઠવી હતી. દરમ્યાન અઢી વાગ્યાના સુમારે અમદાવાદ તરફથી એક અતુલ શક્તિ ટેમ્પી નંબર જીજે-૦૧, ટીઈ-૮૭૨૩ની આવી પહોંચતા જ પોલીસે તેને શંકાના આધારે અટકાવી હતી.
ટેમ્પીના ચાલકને પુછતાં અંદર ઓટો પાર્ટ્સના પાર્સલ હોવાનું જણાવીને બીલ્ટી પણ રજુ કરી હતી. પરંતુ પોલીસને શંકા જતા તપાસ કરતા ટેમ્પીની પાછળના ભાગે મીણીયાની કોથળીઓમાં પેક કરેલ પુંઠાના બોક્સમાં વેસ્ટેજ ફોમમા પેકીંગમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી.
જેની ગણતરી કરતા કુલ ૧૩ પેટી થવા પામી હતી. જેની કિંમત ૩,૨૮,૯૬૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા ટેમ્પીના ચાલકનું નામઠામ પુછતાં તે અસ્ફાન ઐયુબમીંયા શેખ (રે. અમદાવાદ, સારંગપુર)નો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે કુલ ૪.૩૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂની પેટીઓવાળા કાર્ટુનો અમદાવાદના સુમિત કાર્ગો ટ્રાન્સપોર્ટમાંથી ભર્યા હતા અને ઓનલાઈન પોર્ટલ પર મોબાઈલ નંબર ૯૦૨૪૩-૬૫૩૫૮વાળાનો સંપર્ક કરીને ઉક્ત વિદેશી દારૂ ભરેલા કાર્ટુનોની ફેરી મારતો હોવાની કબુલાત કરી હતી.
ઉક્ત વિદેશી દારૂ લઈને તે વડોદરા ડીલીવરી આપવા માટે જતો હોવાની પણ કબુલાત કરી હતી.